દેશમાં કોરોના સંકટ સામે છેલ્લા એક વર્ષથી અડિખમ બનીને લડતા રહેલા સરકારી કર્મચારીઓ વેક્સિન મુકાવવાથી ભાગી રહ્યા છેઃ આવા કર્મચારીઓને સીધા કરવા માટે રાજય સરકારો લાવી રહી છે ખતરનાક નિયમો
નવી દિલ્હી
દેશમાં કોરોના વાયરસનું સંકટ બે મહિના પહેલાં માંડ શાંત થયું હતું ત્યાં ફરીથી નવા પ્રકારના વાયરસને કારણે ગભરાટનો માહોલ સર્જાયો છે. મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિતનાં કેટલાંક રાજ્યોમાં નવા પ્રકારના વાયરસના દર્દીઓ જોવા મળી રહ્યા છે. આ નવા કોરોના વાયરસની સારવાર મુશ્કેલ છે અને તેનો ચેપ પણ તરત લાગી જાય છે. એવું કહેવાય છે કે યુકે, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાંથી આ નવા વાયરસનો ચેપ આવ્યો છે. મહારાષ્ટ્રમાં આ વાયરસના ઘણાં કેસ જોવા મળ્યા છે ત્યારે ઉધ્ધવ ઠાકરેની સરકારે નવેસરથી લોકડાઉન નાખવાની ચીમકી ઉચ્ચારી છે.
ઘણાં રાજ્યોમાં આ રીતે નવેસરથી લોકડાઉન લાગુ થાય તેમ માનવામાં આવી રહ્યું છે. પૂણે, અકોલા, યવતમાલ જિલ્લાઓમાં તો ઓલરેડી લોકડાઉન શરૂ થઈ ગયું છે. બીજી તરફ, હેલ્થ વર્કર્સને રસી આપવાનું અભિયાન ચાલુ છે. ઘણાં આરોગ્ય કર્મચારીઓને બીજા તબક્કામાં રસી અપાઈ ગઈ છે. જ્યારે કેટલાકને ત્રીજા તબક્કાની વેક્સિન આપી દેવામાં આવી છે.
ગુજરાતમાં પણ આરોગ્ય કર્મચારીઓને બીજા તબક્કાની રસી આપી દેવામાં આવી છે. જોકે, સૌથી મોટી બાબત એ છે કે પહેલા તબક્કામાં પણ હજુ ઘણાં કોરોના વોરિયર્સ કહેવાતા સરકારી કર્મચારીઓએ રસી લીધી નથી. તાજેતરમાં કચ્છ જિલ્લામાં આંગણવાડી(Kindergarten School) કર્મચારી બહેનોનો એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં આંગણવાડી (Kindergarten School) સુપરવાઈઝર એવું કહેતાં સંભળાય છે કે જો કર્મચારીઓ કોરોના વેક્સિન નહીં મુકાવે તો તેમણે નોકરીથી હાથ ધોવા પડશે. રિપોર્ટ પ્રમાણે ગુજરાત સહિત દેશભરમાં ઘણાં આરોગ્ય કર્મચારીઓ રસી મુકાવવાથી ભાગી રહ્યા છે. જે લોકો છેલ્લા એક વર્ષથી કોરોના મહામારી દરમિયાન તેમની ફરજ પ્રમાણિકતાથી બજાવતા હતા તેમને રસી પર ભરોસો નથી. આ લોકોને ડર લાગી રહ્યો છે કે જો રસી મુકાવીએ અને કશું થઈ જાય તો તેના માટે કોણ જવાબદાર?
ઉલ્લેખનીય છે કે કોરોનાની રસી મુકાવ્યા પછી મોટાભાગના લોકોને કશું થયું નથી પણ રસી મુકાવ્યા બાદ આડઅસરને કારણે ડઝનેક મોતના કેસ નોંધાઈ ચુક્યા છે. જોકે, આ મૃત્યુ રસીના ડોઝને કારણે થયાં છે તેમ પુરવાર થયું નથી. આમ છતાં, કોરોના સંકટ દરમિયાન ફ્રન્ટલાઈન પર કામ કરી રહેલા સરકારી કર્મચારીઓએ રસી મુકાવવા માટે તત્પરતા દાખવી નથી. ગુજરાતમાં આંગણવાડી (Kindergarten School) કર્મચારીઓ જ નહીં પણ પોલીસ વિભાગના કર્મચારીઓમાં પણ રસી મુકાવવા બાબતે કચવાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી સરકારે આવા લોકોને કોઈ વોર્નિંગ ઈશ્યુ કરી નથી પણ વિભાગીય રીતે તેમની સામે પગલાં ભરવાની ચિમકી જરૂર અપાઈ છે.
જે સરકારી કર્મચારીઓ રસી મુકાવવાથી ભાગી રહ્યા છે તેમને માટે હવે એક વધુ ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. દેશના એક રાજ્યએ આ માટે પહેલ કરી છે. પંજાબમાં જે સરકારી કર્મચારીઓ રસી મુકાવતા નથી તેમની સામે પગલાં ભરવાનું સરકારે જાહેર કર્યું છે. એવું કહેવાય છે કે પંજાબ સરકારની જેમ અન્ય રાજ્યોની સરકારો પણ આ પહેલ કરે તો સરકારી કર્મચારીઓનું ટેન્શન બે ગણું વધી જશે. પંજાબમાં હેલ્થકેર પ્રોફેશનલ્સ અને ફ્રન્ટલાઈન મેડિકલ વર્કર્સ કોરોનાની વેક્સિન મુકાવવાથી ભાગી રહ્યા છે તેમને માટે સરકારે એવું જાહેરાત કરી છે કે જો પાછળથી તેમને કોરોના થશે તો સરકાર તેમની સારવારનો ખર્ચ આપશે નહીં.
મતલબ એ થયો કે જો સરકારી કર્મચારી રસી ન મુકાવે અને તેને કોરોના થાય તો નિમય મુજબ મળવાપાત્ર થતી મેડિકલ ફેસિલિટી અથવા ખર્ચ તેને અપાશે નહીં. મેડિકલ એલાઉન્સ ન મળે તો દેખીતી રીતે આવા કર્મચારીએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે અને તેનું બિલ લાખોમાં આવે. આપણે જોયું છે કે કોરોના સંકટમાં ખાનગી હોસ્પિટલોએ દર્દીઓને બિલની બાબતે કેવા ચિરી નાખ્યાં છે. પોતાના કર્મચારીઓ સાથે આવું થાય તેમ ખુદ રાજ્ય સરકાર ઈચ્છી રહી છે.
એટલું જ નહીં, રાજ્ય સરકારે હવે એવું પણ નક્કી કર્યું છે કે જો કર્મચારીને કોરોના થાય તો તેને 14 દિવસના કોરેન્ટીન પિરિયડ માટે રજા પણ ન આપવી. એટલે કે, રસી મુકાવી ન હોય તેવા કર્મચારીને કોરોના થાય તો તેણે લિવ વિધાઉટ પે લેવી પડે. એ જેટલા દિવસ રજા રાખે તેટલા દિવસનો તેને સેલેરી ન મળે.
સરકારે કહ્યું છે કે જે કર્મચારીઓને વારંવારની સૂચના આપવા છતાં રસી મુકાવતા નથી તેમને જો કોરોનાની બીમારી લાગુ થાય તો, તેમણે પોતાના ખર્ચેજ આ ટ્રીટમેન્ટ કરાવવાની રહેશે. ઉપરાંત, તેમને સારવાર દરમિયાન તેઓ જે રજા રાખશે તેનો સેલેરી પણ ચુકવવામાં આવશે નહીં, તેમ પંજાબના આરોગ્ય મંત્રી બલબીરસિંધુએ કહ્યું હતું. કોરોના સંકટમાં કામ કરી રહેલા લોકોએ રસી લેવી જોઈએ તેમ મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો કહી રહ્યા છે. કેમકે, આ લોકોને કોરોના વાયરસનો ચેપ જલ્દીથી લાગી શકે તેમ હોય છે.
દેશમાં અત્યાર સુધી એક કરોડ આઠ લાખથી વધુ કોવિડ વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધી કોવિડ વેક્સિનના કુલ 1,08,38,323 ડોઝ આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્યકર્મીઓને 72,26,653 ડોઝ આપવામાં આવ્યા છે. તેમાં પ્રથમ ડોઝ 63,52,713 લાભાર્થીઓને જ્યારે બીજો ડોઝ 8,73,940 લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. અત્યાર સુધી જેટલા લોકોને કોવિડની વેક્સિન આપવામાં આવી છે તેમાં 70.52 લાખ સ્વાસ્થ્યકર્મીઓ અને લગભગ 33.97 લાખ ફ્રન્ટલાઇન વર્કર્સ સામેલ છે.
કોરોનાનો કેસ આવશે તો પણ હવેથી ઓફિસો બંધ નહીં થાય, આરોગ્ય મંત્રાલયે જારી કર્યા નવા નિયમો