પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલના ત્રણ ટર્મથી ચુંટાતા આવેલા અને 60 વર્ષથી ઉપરના લોકોને ફરીથી ટિકિટ નહીં આપવાના નિવેદનને પગલે ચરોતરના રાજકારણમાં માંહોમાંહે કાનાફૂસીનો દોરઃ કોંગ્રેસ ઉમેદવારો રિપીટ કરવાના મૂડમાં
સ્નેહલ ડાભી(Snehal Dabhi)
સમગ્ર ચરોતરમાં ધીમેધીમે ઠંડીનું જોર ઘટવા માંડ્યું છે અને તેની સાથે ગરમાવો પણ વધી રહ્યો છે. કુદરતની ગરમીની સાથે રાજકારણની ગરમી પણ વધી રહી છે. જેમજેમ સૂરજ દાદા તપી રહ્યા છે તેમતેમ પાર્ટીના કાર્યાલયોમાં પણ ઉત્તેજનાનો પારો વધુને વધુ ઉપર જઈ રહ્યો છે. કોને ટિકિટ અપાશે અને કોને નહીં અપાય તેવી ચર્ચાઓ અને ગુસપુસ ચાલી રહી છે. કાર્યકરોમાં પોતાના નેતાને ટિકિટ મળે તેનો ઈન્તેઝાર છે. નેતાઓ ગાંધીનગર અને દિલ્હીમાં લોબીઈંગ કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી દીધું છે કે ત્રણ ટર્મથી ચુંટાયેલા અને 60 વર્ષથી ઉપરના કોઈને પણ પાર્ટી આ વખતે આ ચૂંટણીમાં ટિકિટ આપવા માગતી નથી. ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટિલે તાજેતરમાં કરેલા આ નિવેદનને કારણે ભાજપમાં એક પ્રકારનો સન્નાટો છવાઈ ગયો છે. જૂના જોગીઓ કહેવાતા ભાજપી આગેવાનોમાં અત્યારે આ અંગે કોઈ ચર્ચા ચાલતી નથી પણ છાનીછપની વાતોનું ખાસ્સું જોર છે.
દેખીતી રીતે, પાર્ટીના મોભી ગણાતા નેતાઓ જ કપાઈ જાય તો કોઈને પણ ચિંતા થવા માંડે. આણંદ ભાજપમાં અત્યારે એવી જ ચિંતા સહુને થઈ રહી છે. અગાઉ સત્તાનું સુકાન સંભાળી ચુકેલા વિજય હરિભાઈ પટેલ(વિજય માસ્તર), પ્રજ્ઞેશભાઈ અરવિંદભાઈ પટેલ(ભઈલુ), જનકભાઈ પૂનમભાઈ પટેલ, હિમેશભાઈ પટેલ(મુખી) અને પ્રફુલ્લ સી પટેલનાં પત્ની તેમજ સ્થાનિક બુલંજ અવાજ ગણાતા શ્વેતલ પટેલ(મેયર) સહિતનાં મોટા આગેવાનો આ ત્રણ ટર્મ અને 60 વર્ષની વયમર્યાદા વાળા નિર્ણયનો રીતસરનો ભોગ બને તેમ છે. વિજયભાઈ માસ્તરે બે દિવસ પહેલાં આણંદના કેટલાક પત્રકારોને કહેલું કે, ‘અમને થોડી ઘણી આશા છે. એવું કશું થવાનું નથી.’ વિજય માસ્તર ગત બોર્ડના સુકાની હતા.
પાર્ટી પ્રમુખ સી આર પાટિલના નિવેદનથી ભાજપમાં કેટલાક લોકોને સાપ સુંધી ગયો હોય તેવી સ્થિતિ છે. તેઓ કશું ખુલીને બોલી શકતા નથી. પાર્ટીની શિસ્ત એટલી બધી જડબેસલાક છે કે આટલા વખતથી તેમના કારણે ઊભી થયેલી શાખનો આધાર પણ તેઓ લઈ શકતા નથી. આણંદ નગરપાલિકામાં કુલ 52 વોર્ડ છે અને ગઈ વખતે એટલે કે 2015માં ભાજપને 27 બેઠકો મળી હતી. 22 કોંગ્રેસને અને ત્રણ બેઠકો અપક્ષને ફાળે ગઈ હતી. આ વખતે એક તબક્કે એવું મનાતું હતું કે ભાજપ જ વિજયની હકદાર પાર્ટી બનશે પણ સીઆર પાટિલના નિવેદન અને નિયમ પછી સમીકરણો દેખીતી રીતે બદલાવા માંડ્યાં છે.
હકીકત એ છે કે આગળ ગણાવ્યાં તે તમામ નામ ભાજપની આણંદની ઓળખ છે. હવે, નવા નિયમ પ્રમાણે જો પાર્ટી આગળ વધે તો શું થાય? એ તો પરિણામો જાહેર થશે ત્યારે ખબર પડે પણ અત્યારે એવું કહેવાય છે કે ભાજપ જો નવો નિયમ લાગુ કરીને આ તમામને ડ્રોપ કરી દેશે તો તેના માટે કપરી સ્થિતિ સર્જાઈ શકે છે. ભાજપ નવા ચહેરાઓને ઉતારે અને પાર્ટીના નામે વોટ માગે તો પણ જૂના જોગીઓની અવગણના તેને મોટું નુકસાન પહોંચાડી શકે તેમ છે. ખુદ ભાજપના સ્થાનિક સૂત્રો કહે છે કે વિજય માસ્તર, પ્રજ્ઞેશભાઈ પટેલ, શ્વેતલ પટેલ કે મુખીને બાજુએ રાખીને આગળ વધાય તો આ ચૂંટણી તેમને માટે મુસીબત સાબિત થઈ શકે છે.
સામે પક્ષે કોંગ્રેસ આવા કોઈ નિયમ લાદવાની નથી અને તેણે જે પણ જૂના, ચુંટાઈ આવેલા અને ચુંટાઈને આવી શકે તેવા તમામને ઉમેદવાર બનાવવા માટે નક્કી કરી લીધું છે. આણંદના ધારાસભ્ય કાન્તિભાઈ સોઢા અને કોંગ્રેસના પ્રમુખપદ માટેના સૌથી મોટા દાવેદાર અલ્પેશ પઢિયાર આ દિશામાં કામ કરી રહ્યા છે. હકીકત એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોઈ મોટી રાજકીય ઘટના નથી પણ આવતા વર્ષે આવી રહેલી વિધાનસભા ચૂંટણી પહેલાંનું ડ્રેસ રિહર્સલ છે. આ જ કારણથી કોંગ્રેસ અને ભાજપ કોઈપણ રીતે પાલિકામાં સત્તા મેળવવા ઉત્સુક છે. નાની નાની સત્તાઓ મોટી સત્તાઓ સુધી દોરી જતી હોય છે.
2005માં વિજય માસ્તર કોંગ્રેસમાં હતા અને પોતાનું બોર્ડ રચી શકે તેવી સ્થિતિમાં હતા. પણ, તેમને સત્તા સુધી દોરી જતા રસ્તામાં કેટલાંક વિધ્નો આવ્યાં. એ આખું પ્રકરણ આણંદ નગર પાલિકાના ઈતિહાસનું સૌથી જાણીતું ચેપ્ટર છે. કોંગ્રેસના વિકાસ મંચ પાસે એ વખતે 21 સભ્યો હતા. જોકે, બોર્ડ રચાવાનું હતું ત્યારે જ વોર્ડ નંબર-11ના મીનાબેન પ્રતાપભાઈ ગોહેલ અને વોર્ડ નં-13ના અનિલભાઈ નટુભાઈ પટેલને પાલિકા કંપાઉન્ડમાંથી પોલીસ હાઈજેક કરી ગઈ હતી. આ બંનેને કોઈ જૂના કેસમાં લઈ જવાયા હતા અને તેમની સામે કાર્યવાહી શરૂ કરાઈ હતી. દેખીતી રીતે, એ રાજકીય પ્લોટ હતો. વિજય માસ્તરના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ રહ્યો હતો.
એ જ વખતે બીજો એક ખેલ પણ ચાલી રહ્યો હતો. ભાજપમાંથી ચેતન પટેલ ઉર્ફે અપ્પુ અને શ્વેતલ પટેલ ઉર્ફે મેયર ગેરહાજર રહ્યા હતા. ભાજપના કુલ 20 સભ્યો હતા તેમાંથી બે ગેરહાજર રહેતાં 18 થઈ ગયા હતા. બોર્ડ દ્વ્રારા અપક્ષ ચુંટાયેલા અલ્પેશ પટેલ(ચાકા)એ ભાજપને પોતાનો મત આપ્યો હતો. ચાકાનો વોટ ભાજપમાં જતાં બંને પક્ષે ટાઈ પડી હતી. એ વખતના ચૂંટણી અધિકારી શ્રી.પાડલિયાએ પાલિકામાં મામલો ગંભીર અને ગરમ બનતાં દેશી પદ્ધતિથી ચિટ્ઠીઓ ઉછાળવાનું મુનાસિબ માન્યું હતું. ચિઠ્ઠીઓ ઉછળતાં ભાજપના જીવરાજ પટેલ આણંદ પાલિકાના પ્રમુખ બન્યા હતા અને ઉપપ્રમુખ તરીકે મહંમદશફી ગુજરાતી પસંદ થયા હતા.
વિજય માસ્તર ચૂંટણી અધિકારીની આ નિર્ણયથી એટલા ખફા થયા કે તેમણે અંતે કોર્ટનું શરણું લીધું હતું. વિકાસ મંચ ગુજરાત હાઈકોર્ટમાં ગયો હતો. સ્વાભાવિક રીતે, કોંગ્રેસ(વિકાસ મંચ)જીતી હોવા છતાં છેલ્લી ઘડીની ખટપટોને કારણે તેના હાથમાંથી સત્તા છીનવાઈ ગઈ હતી. જોકે, હાઈકોર્ટે 13 ડિસેમ્બર 2005ના રોજ પાડલિયાની પધ્ધતિને ગેરકાયદે ગણી પ્રમુખ-ઉપપ્રમુખને હટાવવાનો આદેશ કર્યો હતો. વિજય માસ્તરે હાઈકોર્ટમાં એવી અરજી કરી હતી કે તેમના બે વોટ જે હાઈજેક કરવામાં આવેલા છે એ તેમને પાછા આપી દેવામાં આવે. એટલે કે તેમની પ્રમુખ તરીકે નિયુક્તિ થાય. મજાની વાત એ છે કે હાઈકોર્ટમાં આ સાથે જ મેયર અને અપ્પુએ એવી અરજી કરી હતી કે અપક્ષ જૂથે તેમનું અપહરણ કરાવ્યું હતું. અપ્પુ અને મેયર બંને ભાજપના સભ્યો હતા. અલબત્ત, તત્કાલીન જજ એમ.એન.શાહે તા. 23 ફેબ્રુઆરી 2006ના રોજ વિજયભાઈ હરિભાઈ પટેલ ઉર્ફે માસ્તર આણંદ પાલિકાના પ્રમુખ તરીકે ચુંટાયેલા હોવાનો ચુકાદો આપ્યો હતો.
આ આખો ખેલ ચાર મહિના સુધી ચાલ્યો હતો. આ દરમિયાન ભાજપના પ્રમુખ જયરાજભાઈ પટેલે તો સત્તાની રૂએ પાલિકાનું બજેટ પણ તૈયાર કરી દીધું હતું. એ વખતે બજેટ 28મી ફેબ્રુઆરીએ રજૂ કરવાની પરંપરા હતી. જોકે, જયરામભાઈની મનમાં જ રહી ગઈ હતી. આ બાજુ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો અને વિજયભાઈ માસ્તરે આખા આણંદમાં વિશાળ વિજય સરઘસ કાઢ્યું. માસ્તરે એ વખતે બે ટેમ્પા ભરીને દારૂખાનું ફોડ્યું હતું તેમ આ ઘટનાના સાક્ષીઓ કહે છે.
કોંગ્રસના પ્રમુખ બનીને આણંદમાં વિજય સરઘસ કાઢનારા વિજય માસ્તરે જોકે, ત્રણ મહિનામાં જ પાર્ટી બદલી નાંખી હતી. તા. 5 મે 2006ના દિવસે વિજય માસ્તર વિકાસ મંચના 11 કાઉન્સિલરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. વિજય માસ્તર આજે ભાજપમાં છે અને પ્રમુખ તરીકેનો કાર્યભાર પણ સંભાળી ચુક્યા છે. પાલિકાના રાજકારણના પાકટ અનુભવી વિજયભાઈ માસ્તર અને તેમના જેવા ઘણાં નેતાઓ આ વખતે નવા નિયમ પ્રમાણે ફાવશે કે નહીં? જાણવા માટે યાયાવર ચરોતર જોતા રહો.
આશ્ચર્યમ્: આણંદના લઘુમતી વિસ્તારોમાં પાલિકાની ચૂંટણીમાં BJPના ઉમેદવાર બનવા પડાપડી