તિરંગા માટે બહુ લોહી રેડાયું છે પણ, ભારતના એક મહાન સપૂતે તેને સલામી મારવાનો ઈનકાર કરી દીધો હતો. તેમનું નામ ખબર છે?

તિરંગા માટે બહુ લોહી રેડાયું છે પણ, ભારતના એક મહાન સપૂતે તેને સલામી મારવાનો ઈનકાર કરી દીધો હતો. તેમનું નામ ખબર છે?

1947ના મધ્યમાં આઝાદ ભારતના ધ્વજનો મુદ્દો બંધારણ સભામાં મૂકાયો ત્યારે કેટલાક બિનકોંગ્રેસી સભ્યોએ તેમાં ચરખાના ચિહ્ન સામે વાંધો લીધો હતોઃ રાષ્ટ્ર ધ્વજની વચ્ચે વાઘનું ચિહ્ન પણ એક વખતે મૂકાયું હતું

 

મનીષ મેકવાન

 

સર સુરેન્દ્રનાથ બેનરજીએ 7મી ઓગસ્ટ 1906ના દિવસે સૌથી પહેલાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ‘તિરંગો’ ફરકાવ્યો હતો. આ ઘટનાનાં બરાબર 41 વર્ષ અને સાત દિવસ પછી મોહનદાસ કરમચંદ ગાંધીની જાંબાઝ લડતને કારણે ભારતને આઝાદી મળી હતી. એ દિવસે આખું ભારત સડક પર આવી ગયું હતું અને તિરંગાને સલામો ભરતાં થાકતું નહોતું, પણ આ સદીના સૌથી મોટા બાગી ગાંધીએ તે દિવસે તિરંગાને સેલ્યુટ મારી નહોતી!

મઝહબના નામે દેશના વિભાજન અને તેના પગલે ફેલાયેલા કોમી હુતાશનથી હતાશ થયેલા મહાત્મા ગાંધીએ જાહેર રાજકાજથી પરેજી પાળવા માંડી હતી અને રાષ્ટ્રીય કહેવાતા નેતાઓથી દૂર રહેતા હતા. ભારતનું વિભાજન થવાનું છે તે જાણ્યા પછી ભાંગી પડેલા ગાંધીજીએ દેશની આઝાદીને ‘લાકડાનો લાડુ’ ગણાવ્યો હતો. 1942માં ‘હરિજન’ સામાયિકમાં તેમણે લખેલું: ‘દેશની વિશાળ બહુમતી એવા મુસ્લિમો જ્યારે પોતાને અલગ દેશ ગણી રહ્યા હોય ત્યારે, આ ધરતી પરની કોઈ તાકાત તેમને બીજો વિચાર કરવા માટે પ્રેરી શકે નહીં. જો એ લોકો ભારતનું વિભાજન ઈચ્છતા જ હોય તો, જ્યાં સુધી હિન્દુઓ તેનો વિરોધ નહીં કરે ત્યાં સુધી તેઓ તેમ કરવાના જ છે.’ વક્રતા એ હતી કે 1947ના પ્રારંભથી જ ગાંધીજીની ઉપેક્ષા વધી ગઈ હતી અને રાજકાજના નાનામાં નાના કામમાં જેમને કન્સલ્ટ કરાતા તે ગાંધીને હવે માઉન્ટબેટન પણ કશું પૂછતા નહોતા. અલબત્ત, ખરું કારણ તેમની આ ઉપેક્ષા નહોતી પણ ભારતમાં ચાલી રહેલી હિંસા અને સત્તાની છીનાઝપટી હતાં. એવું નહોતું કે તેમને રાષ્ટ્રધ્વજ સામે પણ વાંધો હતો. તેમનો વાંધો તિરંગાના ત્રણ રંગ નીચે રેડાઈ રહેલા લાલ રંગની સામે હતો.

તિરંગાના જન્મ અને સંવર્ધન માટે જેટલાં વિવાદો થયા છે તેટલાં જવલ્લે જ કોઈ દેશનાં રાષ્ટ્ર ધ્વજે સજર્યાં હશે. રાષ્ટ્ર ધ્વજના રંગ-પટ્ટાના મામલે જેટલીં ખેંચતાણો થઈ છે તેટલી જ કશ્મકશ તેની વચ્ચે મુકાયેલાં એમ્બલમને લઈને ચાલી છે. 22 ઓગસ્ટ 1927માં સ્વાતંત્ર્ય સેનાની મેડમ ભિખાઈજી કામાએ જર્મનીના સ્ટુટગાર્ડમાં ઈન્ટરનેશનલ સોશિયાલિસ્ટ કોંગ્રેસના અધિવેશન પહેલીવાર ભારતની આઝાદીના પ્રતીક એવા ધ્વજને, હજારો આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓની હાજરીમાં ફરકાવ્યો હતો. મેડમ કામાએ હાથે વણીને આ ધ્વજ તૈયાર કર્યો હતો અને તેમાં ઉપર લીલો, વચ્ચે કેસરી અને છેક નીચે લાલ રંગ હતો. લીલા રંગના પટ્ટામાં ઉપરની સાઈડે કમળનાં આઠ ફૂલ મુક્યાં હતાં અને વચ્ચેનાં પટ્ટામાં ‘વંદેમાતરમ’ લખ્યું હતું. નીચેવાળા લાલરંગના પટ્ટામાં એક બાજુ અર્ધ ચંદ્રનો આકાર અને બીજી બાજુ સૂર્ય હતો. 1931ના દિવસે નેશનલ ફ્લેગ કમિટીનો રિપોર્ટ કોંગ્રેસમાં મૂકાયો અને મેડમ કામાના ધ્વજને ફેરફાર સાથે સાભાર ઉદ્ધૃત કરાયો. ધ્વજમાં વચલા પટ્ટામાં ‘વંદે માતરમ્’ સાથે ગાંધીજીના પ્રિય યંત્ર ચરખાને મૂકવામાં આવ્યો. ગાંધીજીએ આ ઝંડાને પૂરા દિલથી આવકાર્યો હતો અને કહ્યું હતું: ‘તેનું આપણા જીવન જેટલું જતન કરાશે. જો આપણે ધ્વજ માટે મરતાં હોઈએ તો, તેના માટે જીવતાં પણ શીખવું જોઈએ.’

1941માં સુભાષ ચંદ્ર બોઝે તિરંગો લહેરાવ્યો હતો પણ, ગાંધીજી પ્રત્યેનો પોતાનો અણગમો સ્પષ્ટ થાય તે માટે તેમણે ચરખાને સ્થાને વચલા રંગના પટ્ટામાં વાઘનું ચિહ્ન લગાવ્યું હતું. 1947ના મધ્યમાં આઝાદ ભારતના ધ્વજનો મુદ્દો બંધારણ સભામાં મૂકાયો ત્યારે કેટલાક બિનકોંગ્રેસી સભ્યોએ તેમાં ચરખાના ચિહ્ન સામે વાંધો લીધો હતો. મુસદ્દા સમિતિના ચેરમેન ડો. ભીમરાવ આંબેડકરે મધ્યમ માર્ગ અપનાવીને સૂચન કર્યું કે,‘ધ્વજમાં ચરખાને સ્થાન આઠ સ્પોક(આરા) ધરાવતા બૌધ્ધ આસ્થાના પ્રતીકને મૂકવામાં આવે.’ આઠ સ્પોક બૌધ્ધ પરંપરાનો સમયકાળ દર્શાવે છે. સૂચન પર મતૈક્ય બન્યો નહીં. અંતે, 24 આરા સાથેના ચક્ર પર સર્વસંમતિ બની ગઈ.

એપ્રિલ 1919માં ગાંધીજીએ કોમન રાષ્ટ્ર ધ્વજની દરખાસ્ત કરી હતી. તે પછીનાં સળંગ 4 વર્ષ સુધી મછલીપટ્ટનમના પી. વૈકેયાહ નામના કોંગ્રેસી કાર્યકરે ગાંધીજીને ભારતના રાષ્ટ્ર ધ્વજની વિવિધ ડિઝાઈનો બતાવી અને પરફેકશનના આગ્રહી મહાત્માએ લાલ(હિન્દુ) અને લીલા(મુસ્લિમ) રંગમાં, ચરખાના બેક ગ્રાઉન્ડવાળા ધ્વજને પસંદ કર્યો. પાછળથી, ગાંધીજીએ તેમાં ફેરફાર કરીને વચ્ચે સફેદ રંગ ઉમેર્યો જેનો અર્થ થતો હતો- હિન્દુ અને મુસ્લિમ સિવાયનાં ધર્મો.

10 વર્ષ પછી 1931માં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ આઝાદ ભારતના રાષ્ટ્ર ધ્વજ અંગે સર્વસંમત ઠરાવ પાસ કર્યો અને તેના ત્રણ રંગ-પટ્ટા ઉપર આખરી નિર્ણય લેવાયો. ઉપરના લાલ રંગના સ્થાન ભગવો રંગ મૂકાયો અને બાકીના રંગ એમ જ રખાયા. જોકે, ગાંધીજીની ઈચ્છા પ્રમાણે સૌથી નીચે હિન્દુ રંગ ન રહ્યો અને તેની સૌથી ઉપર સ્થાન મળ્યું. વચ્ચેના સફેદ રંગમાં ચરખાનું ચિહ્ન ઘેરા ભૂરા રંગ સાથે નિશ્ચિત થયું અને એ પણ સ્વીકારાયું કે, રાષ્ટ્રધ્વજનો એક પણ રંગ-કોઈ ધર્મની ઝાલર, ઘંટારવ કે બાંગ પોકારતો નથી. ધ્વજને ધર્મનો રંગ આપવાની ગાંધીજીની પ્રતીકાત્મકતા સામે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણને તત્વદર્શન સાથે કહ્યું, ‘ભગવો રંગ ત્યાગનું, સફેદ રંગ સત્ય અને શાંતિનું અને લીલો રંગ પ્રકૃતિનું પ્રતિનિધિત્વ કરશે.’

ગાંધીજી માટે ચરખો ફક્ત વણાટકામ કરનારું સ્થૂળ યંત્ર જ નહોતું,પણગરીબ માણસને રોજગારી અને આવક પરું પાડતું સાધન હતું. બંધારણીય સભાએ, તેમના ચરખાને સ્થાને અશોક ચક્રને રાષ્ટ્ર ધ્વજમાં સ્થાન આપ્યું ત્યારે ગાંધીજીએ આ હરકતને અપ્રસ્તુત લેખાવી હતી. ચક્રનું હકીકતમાં ખોટું અર્થઘટન થતું હોવાની તેમની માન્યતા હતી. ક.મા.મુનશી આ માન્યતા સબળ બનાવનારાઓમાંના એક હતા. 15મી ઓગસ્ટની આગલી સાંજે પત્રકારો સમક્ષ તેમણે એવી કોમેન્ટ કરી કે, રાષ્ટ્ર ધ્વજ વચ્ચે દર્શાવેલું પ્રતીક સુદર્શન ચક્ર છે. ગાંધીજી આ ટીપ્પણી સાંભળીને દુઃખી થઈ ગયા હતા. પંડિત નહેરુએ નારાજ ગાંધીજીને એમ કહીને મનાવ્યા કે બંધારણીય સભાએ પસંદ કરેલું ચક્ર હકીકતમાં ચરખાનું પ્રતીક જ છે.

જોકે, ગાંધીજીની નારાજગી તૂટી નહીં. આઝાદીના સપ્તાહ પૂર્વે તે કલકત્તા જતા રહ્યા. કોઈએ તેમને મનાવવાનો પ્રયાસ પણ ન કર્યો. એક દેશ, સદીઓની ગુલામ બેડીઓ તોડીને આઝાદ થવા જઈ રહ્યો હતો અને તેનો ખરો મશાલચી જ એ પ્રસંગમાં હાજર રહેવાનો નહોતો. 15મી ઓગસ્ટે, આઝાદ ભારતના પ્રથમ દિવસે ગાંધીજી કલકત્તાના એક પરાંમાં હતા. એ દિવસે સવારે, રોજ કરતાં વહેલા બે વાગ્યે ઊઠી ગયા. તેમણે આખો દિવસ ઉપવાસ કર્યો, કાંત્યા કર્યું અને સવારની પ્રાર્થના પછી ગીતા વાંચ્યા કરી. તેમણે તિરંગા વંદનના કાર્યક્રમમાં પણ ભાગ ન લીધો, ના તેને લગતા કોઈ કાર્યક્રમમાં હાજરી આપી. એ તેમનો આખરી વિદ્રોહ હતો, અને એ પણ સ્વદેશી સરકાર સામેનો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!