‘ઓઈલ ટપકે છે’ કહીને રોડ પર કોઈ ઈશારો કરે તો કાર રોકતા નહીં, સાવધાની નહીં રાખો તો ભરપેટ પસ્તાવું પડશે

‘ઓઈલ ટપકે છે’ કહીને રોડ પર કોઈ ઈશારો કરે તો કાર રોકતા નહીં, સાવધાની નહીં રાખો તો ભરપેટ પસ્તાવું પડશે

અમદાવાદ સહિતનાં મોટાં શહેરોમાં રોજ અનેક બનાવો છતાં લોકોની આંખ ઉઘડતી નથીઃ એકવાર કાર રોકે પછી તેમાં પડેલી કિંમતી વસ્તુઓ ગઠિયાઓ નજર ચુકવીને ક્યાં છૂ થઈ જતા હોય છે તે કોઈને ખબર પડતી નથી

 

અમદાવાદ

 

છેલ્લાં કેટલાક વખતથી અમદાવાદ, સુરત, વડોદરા જેવાં શહેરોમાં એક ભેજાંબાજ ટોળકી ‘ઓઈલ ટપકે છે’ તેમ કહીને એવા અપરાધને અંજામ આપી રહી છે જેનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે. ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં આ અંગે ચેતવણીઓ જારી કરવામાં આવી હોવા છતાં રોજ કોઈને કોઈ વ્યક્તિ આવા ઠગોની વાતમાં આવીને સામેથી છેતરાઈ રહી છે.

ખાસ કરીને તમે જ્યારે કોઈ કિંમતી સામાન લઈને ક્યાંક જઈ રહ્યા હોય ત્યારે તો તમારે આ અંગે વધુ સાવધાની રાખવી પડશે. જો તેમ નહીં કરો તો તમારો કિંમતી સામાન ચોરાઈ જઈ શકે છે. અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને કારમાં ચોરી કરતી ગેંગ શહેરમાં સક્રિય થઇ છે. જે ગણતરીની સેકન્ડોમાં ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.

ખાસ તો ‘કારમાંથી ઓઇલ ટપકે છે’ તેવો ઇશારો કોઇ પણ રાહદારી કે પછી વાહનચાલક કરે તો સાવધ થઈ જજો. કારણકે, તમારી નજર ચૂકવીને કારમાં પડેલી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી લે છે. ઓઇલ ટપકે છે તેવો ઇશારો થાય તો પહેલાં કારના કાચ બંધ કરીને જ તમારે ઉતરવાનું છે. આવા અસંખ્ય બનાવો શહેરોમાં બની રહ્યા છે તેમાં લેટેસ્ટ મણિનગરનો છે.

મણિનગરમાં રહેતા અને ભાજપના અગ્રણી એવાં ડો. નીલમ પટેલ પોતાના ફ્રેન્ડ સાથે દસ્તાવેજો લઈને કામ માટે નીકળ્યાં હતાં. નીલમબેન કાર ડ્રાઈવ કરી રહ્યાં હતાં ત્યારે તેમની બાજુમાં અચાનક બાઈક પર બે ગઠિયા ફૂટી નીકળ્યા હતા અને તમારી કારમાંથી ઓઈલ ટપકે છે તેમ કહ્યું હતું. ડો. નીલમને થયું કે કદાચ ગાડીમાંથી ઓઈલ ટપકતું હોય તો આગળ મુસીબત થઈ શકે છે. આમ ધારીને તેઓ કારમાંથી નીચે ઉતર્યાં હતાં. તેઓ કારમાંથી નીચે ઉતર્યાં કે તરત ગઠિયાઓ કારમાં પડેલી બેગ લઈને ભાગી ગયા હતા. તે પછી પોલીસમાં ફરિયાદ થઈ હતી. વટવા જીઆઈડીસી પોલીસે તપાસ કરતાં દસ્તાવેજોની બેગ તો મળી હતી પણ અંદર રાખેલા એક લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. ગોરના કૂવા પાસે આ ઘટના બની હતી.

નીલમબેન જ્યારે કારમાંથી નીચે આવ્યાં ત્યારે તેમને ગઠિયાઓએ ઓઈલનો રેલો પણ બતાવ્યો હતો. નીલમબેને જોયું કે ત્યાં સુધી ગાડીમાં પેલી બેગ પડેલી હતી. જોકે, તે પછી થોડી સેકન્ડોમાં બેગ ગુમ થઈ ગઈ હતી. અને પેલા ગઠિયાઓ પણ ત્યાં નહોતા.

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહેતા અને બાંધકામનું કામ કરતા નીરવભાઈ પટેલ તેમના મેનેજરની દીકરીના લગ્નમાં જવા માટે બીએમડબલ્યુ કાર લઇને ડ્રાઇવર સાથે ઓઢવ રિંગ રોડ આવેલી ઓર્ચિડ હોટલ જઈ રહ્યા હતા. આ દરમિયાન હોટલ નજીક સર્વિસ રોડ પર પહોંચ્યા ત્યારે એક્ટિવા પર આવેલા બે જણાંએ તેમને ઈશારો કર્યો હતો.

જોકે તેમણે સારું, ઓકે કહીને ગાડી આગળ જવા દીધી હતી. થોડીવારમાં પાછળથી બાઈક પર બીજા બે જણ આવ્યા હતાં અને તેમને પણ ઈશારો કરતાં નીરવભાઈએ તેમના ડ્રાઇવરને ગાડી ઉભી રાખવા માટે કહ્યું હતું. ગાડી ઉભી રાખી તે પછી નીરવભાઈના ધ્યાનમાં આવ્યું હતું કે રસ્તા પર ઓઈલ ટપકેલું હતું. આ દરમિયાન બાઈક પર આવેલા બે વ્યક્તિ ગાડીની ડિકીમાંથી બેગ ચોરીને ભાગી છૂટ્યા હતા. બેગમાં બે લાખ રૂપિયા રોકડા, 20 નંગ કારતૂસ અને બીજા દસ્તાવેજો હતા.

કારના કાચ તોડીને કિંમતી માલ સામાન અને રોકડ રકમની ચોરી કરતી ગેંગ પણ સક્રિય થઇ છે. લગ્ન પ્રસંગ હોય કે પછી કોઇપણ અન્ય જગ્યા પર કાચ પર કપડું રાખીને આસાનીથી તેને તોડ્યા બાદ કારમાં રહેલી કિંમતી ચીજ વસ્તુ ચોરી લેતી ગેંગ છે.

આવી જ એક ઘટનામાં કાલુપુર પાંચ કૂવા પાસે પુત્રને પિતા માટે કસરત કરવાની સાઈકલ ૩.૫૦ લાખમાં પડી હતી. વેપારી મિત્રો સાથે સાઈકલ લેવા ગયાને ગઠિયો કારના કાચ તોડી રોકડ રકમની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. રીતેશ પટેલે  કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. એ તેમના પિતા માટે કસરત કરવાની સાઈકલ લેવા માટે કાલુપુર પાંચ કૂવા સાઈકલ બજારમાં કાર લઈને ગયા હતા. રીતેશ અને તેના મિત્રો સાઈકલ લઈને બહાર પાર્ક કરેલી કાર પાસે પરત આવીને તેમણે જોયું તો કારનો કાચ તૂટેલો હતો.

આંગડિયા પેઢીની ઓફિસ કે પછી બેન્કમાંથી રૂપિયા લઇને કારમાં જતા હોય તો સીધા જ્યાં પહોચવાનું  ત્યાં જ પહોંચી જવું જોઈએ. જો રસ્તામાં કોઈ ઊભા રાખે કે કશું થાય તો પણ જોખમ લેવું ના જોઈએ. કશું પણ થાય તો કારને લોક કરીને જ નીચે ઉતરવું જોઈએ. કેટલાક યુવકો કાર સાથે એક્ટિવા કે બાઈક અથડાવીને પણ ચોરીઓ કરતી હોવાની ઘટનાઓ બની રહી છે. આવા કેસમાં કોઈ એક જણ ઝઘડો કરે પછી બીજા બે અજાણ્યા લાગતા પણ આ ટોળકીના માણસ હોય તેવા લોકો આવીને સમાધાન કરે અને આ દરમિયાન ગાડીમાં કશું હોય તો તે ચોરી જતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!