કાળમુખ પથ્થરોઃ અકીકે કામદારના પરિવારમાં 35નો ભોગ લઈ નાખ્યો!

કાળમુખ પથ્થરોઃ અકીકે કામદારના પરિવારમાં 35નો ભોગ લઈ નાખ્યો!

ખંભાતમાં વર્ષોથી ચાલી રહેલા અકીક ઉદ્યોગમાં કામ કરતા મજૂરોની હાલત હજુ ય દયનીય છેઃ વૈકલ્પિક રોજગાર અને સાધન-સામગ્રી તેમજ સુરક્ષાના અભાવે આજે પણ અકીક ઉદ્યોગમાં કામ કરતા અનેક મજૂરો સિલિકોસીસ નામના જીવલેણ રોગનો ભોગ બની રહ્યાં છે

 

જગદીશ પટેલ

 

સમુબેન દરબારનું 23-09-12ના રોજ મૃત્યુ થયું. લાંબા સમયથી પથારીવશ હતાં. ઘરમાં અકીકના પથ્થર ઘસવાનું કામ ચાલતું. તે કારણે સિલીકાની ઝીણી રડ સતત ઉડ્યા કરતી. તેમના પરિવારમાં સાસુ, સસરા, દિયર, જેઠ, તેમના સંતાનો, બહેનો, નણંદો, વહુઓ એમ લગભગ 35નાં મોત સિલિકોસીસને કારણે થયાં હશે. દિયરનો દીકરો દિલાવર 33ની ઉંમરે 19-03-12ના રોજ અવસાન પામ્યો અને તે અગાઉ 27-04-11ના દિવસે તેનો ભાઈ કેસરી(40) ગયો. સિલિકોસીસને કારણે આટઆટલાં મોત અહીં થાય છે તેનાં દેખીતાં કારણ તો છે. આ અકીક કામદારો પૈકી સિલિકોસીસનો ભોગ બનેલા દર્દીઓને લાગુ પડતી અન્ય બીમારીઓ વિશે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલના ડો. રાજીવ પાલીવાલ, ડો.નયનજીત ચૌધરી અને અન્ય સંશોધકોએ અભ્યાસ કર્યો જે આ વિષયના પ્રતિષ્ઠિત સામાયિકમાં પ્રગટ થયો છે. આ અભ્યાસે ફરી એકવાર અકીક કામદારોમાં વ્યાપ્ત બીમારીઓના ઊંચા પ્રમાણને અંકે કર્યું છે. તેમણે આ અભ્યાસમાં સિલિકોસીસનો ભોગ બનેલા 53 કામદારોનો ત્રણ વર્ષ સુધી અભ્યાસ કર્યો. તેમાંથી 13 કારીગરો ત્રણ વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામ્યા. આ 13માંથી 10 દર્દીઓ સિલિકોસીસનો ભોગ બન્યા પછી ફેફસાંનાં ટીબીનો પણ ભોગ બન્યાં. આ અભ્યાસે એમ દર્શાવ્યું કે સિલિકોસીસ થયો હોય તેમને ટીવી લાગુ પડવાનું જોખમ સામાન્ય વ્યક્તિ કરતાં ત્રણ ગણુ વધુ છે. મૃતકોની ઉંમર 28થી 60 વર્ષની વચ્ચે છે. મોટાભાગના મૃતકોની ઉંમર 40થી ઓછી હતી. 53માંથી 27 દર્દીઓએ ટીબી માટે દવા લીધી હતી.

આ અભ્યાસમાં સામેલ 53 દર્દીઓ પૈકી 35 પુરુષ કામદારો હતા. આ પુરુષ કામદારોએ સરેરાશ 16 વર્ષ કામ કર્યું હતું. તેમાંથી અડધા કરતાં વધુનું વજન હોવું જોઈએ તેના કરતાં ઓછું હતું. સિલિકોસીસ ઉપરાંત ટીબી અને બોડીમાસ ઈન્ડેક્સ((BMI) અને ચરબીનું ઓછું પ્રમાણ એટલે કે કુપોષણ પણ મહત્વનું લક્ષણ હતું. આ અભ્યાસમાં આવરી લેવાયેલા દર્દીઓમાં એવું જોવા મળ્યું હતું કે મહિલાઓ કરતાં પુરુષોમાં કુપોષણનું વધુ પ્રમાણ હતું. 70 ટકા દર્દીઓમાં સિલિકોસીસની સાથે સીઓપીડી નામની વ્યાધિ જોવા મળી હતી. આ વ્યાધિ શ્વાસનળીની છે.

આ કારીગરોને થતા સિલિકોસીસનું નિદાન વહેલું થાય અને સિલિકોસીસ સાથે આવતી અન્ય બીમારીઓનું નિયંત્રણ કરવામાં આવે તો સિલિકોસીસને કારણે થતા મૃત્યુની સંખ્યામાં એટલે કે તેના દરમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ સંશોધકોનું માનવું છે. સિલિકોસીસ, ટીબી અને કુપોષણ ત્રણે અટકાવી શકાય તેમ છે. વિકસિત દેશોએ આ અટકાવ્યાં છે અને ત્યાં આવાં મૃત્યુ થતાં નથી. આ રોગની કરૂણતા એ છે કે કમાનાર વ્યક્તિ ખૂબ નાની ઉંમરે મૃત્યુ પામે છે. આ રોગ અટકાવવામાં સૌથી મોટી ભૂમિકા સરકારની છે. સરકાર ધારે તો એ જરુર અટકાવી શકે છે. પણ એ ક્યારે ‘ધારશે’ એ કોઈને ખબર નથી. નબળા વર્ગના અને રાજકીય રીતે જેમનો કોઈ અવાજ નથી તેમની સમસ્યાને ઉકેલવામાં સરકારને રસ હોતો નથી. નબળા સબળા બને તો જ સરકારને સાચી દિશામાં જવા પ્રેરી શકાય.

યુનાઈટેડ નેશન્સ દ્વારા સભ્ય દેશોને વિકાસ માટેના લક્ષ્યાંકો આપવામાં આવ્યાં છે જેને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ-એસડીજી કહે છે. 2030 સુધીમાં આ લક્ષ્યાંકો સિદ્ધ કરવાનાં છે. આ લક્ષ્યાંકોમાં એક અગત્યનો લક્ષ્યાંક-8.8 ડિસન્ટ વર્ક એટલે કે ‘ઉમદા કામ’ છે. આ ઉમદા કામ એટલે એવું કામ જેમાં કામ કરનાર કામદાર પોતાનું માથું ઊચું રાખીને પોતાનું જીવન જીવી શકે તેવી કામની શરતો હોય. કામની શરતોમાં વેતન, રજાઓ, સામાજિક સુરક્ષા અને સલામતી તેમજ આરોગ્યપ્રદ કામના સ્થળનો સમાવેશ થાય છે. અકીક કામદારો માટે ઉમદા કામ તો દૂરનુ સ્વપનું છે. ગુજરાતને તેની આ પ્રાચીન કળા માટે ગૌરવ તો ઘણું છે પણ એ કારીગરોનો જીવન બચાવવા કે તેમના જીવનને ઉન્નત કરવા માટે કંઈ કરવું નથી. 2016-17માં 30.36 અબજ રૂપિયાના અકીકીની નિકાસ ભારતમાંથી કરવામાં આવી તેમાં ખંભાતનો ફાળો કેટલો તેનો ચોક્કસ આંકડો મળતો નથી પણ સિંહભાગ ખંભાતનો હશે તેમાં શંકા નથી.

1878માં એટલે કે આજથી 142 વર્ષ અગાઉ 600 કુશળ કારીગર કુટુંબો અને 500-600 મજૂરો આ વ્યવસાયમાં કામ કરતા હતા. તેમાં કુશળ કારીગરો બધા જ કણબી અને મજૂરો મુસ્લિમ તેમજ કોળી હતા. 1850થી 1878ના 28 વર્ષના ગાળામાં 167 કુટુંબોએ આ ધંધો કરવાનું છોડી દીધું હતું. અકીકના વેપારીઓ 1850માં 100 હતા તે 30 વર્ષમાં ઘટીને 50 થઈ ગયા છે. 1980ના દાયકામાં લખનૌની ઈન્ડસ્ટ્રિયલ ટોક્સિકોલોજિકલ રિસર્ચ સેન્ટર દ્વારા મૂળ ખંભાતના અને તે સમયે સેન્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. શાંતિભાઈ ક્લાર્કે અકીક કામદારોનો અભ્યાસ કર્યો. આ પહેલો વૈજ્ઞાનિક અભ્યાસ હતો અને આ રોગનું પ્રમાણ, કારણ અને મારણ એ અહેવાલમાં આપવામાં આવ્યા હતાં. તેમણે 342 કામદારોની તપાસ કરી, તે પૈકી 48 ટકા કામદારોમાં ફેફસાંનો રોગ મળી આવ્યો. 11 વર્ષના એક બાળકને પણ સિલિકોસીસ હોવાનું અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. 21-30ની ઉંમરના 64 ટકા કામદારોમાં રોગ જોવા મળ્યો તો 31થી મોટી ઉંમરના 83 ટકા કામદારોમાં રોગ જોવા મળ્યો.

1987માં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ દ્વારા કરવામાં આવેલા બીજા અભ્યાસમાં 487 કામદારોની તપાસ કરવામાં આવી, તે પૈકી 29 ટકા કામદારોને સિલિકોસીસ હતો. 1993માં તેમણે ફરી અભ્યાસ કર્યો. 150 કામદારોની તપાસ કરાઈ જે પૈકી 41 ટકાને સિલિકોસીસ હતો. અમદાવાદના એક સંશોધકે 2018માં 298 કામદારોનો અભ્યાસ કર્યો. એમણે 20 માલિકોનો પણ અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં 63.49 ટકા ઉત્તરદાતાઓ હિંદુ હતા. 36.50 મુસ્લિમ હતા. 77.90 ટકા પરિણિત હતા. 16.80 ટકા કુંવારા હતા. 4.70 ટકા વિધવા બહેનો હતી અને 0.7 ટકા પુરુષો વિધુર હતા. 75.60 ટકા ઉત્તરદાતાઓ પ્રાથમિક શિક્ષણ મેળવેલા હતા અને બીજા 13.40 ટકાએ માધ્યમિક શિક્ષણ લીધું હતું. 7.30 ટકા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ મેળવેલા હતા. 30 ટકા ઉત્તરદાતાઓ પથ્થર તોડવા કે ફોડવાનું કામ કરનારા હતા. 21 ટકા વીઁધારા હતા અને 18.50 ટકા ઘસીયા હતા.

42.30 ટકા ઉત્તરદાતાઓ ત્રણથી છ હજાર માસિક કમાતા હતા. 19.10 ટકા ઉત્તરદાતાઓ છથી9 હજાર કમાતા હતા. 3.4 ટકા ઉત્તરદાતાઓ 9થી 12 હજાર સુધી કમાતા હતા. 34.3 ટકા ત્રણ હજારથી ઓછા અને 3 ટકા કામદારો 12 હજારથી વધુ કમાતા હતા. તેમને લાગતું હતું કે, તેમને વેતન ઘણાં ઓછા પ્રમાણમાં મળે છે. ઓછા વેતનને કારણે બાળકોનો ઉછેર, કુટુંબનું ભરણપોષણ અને સારવાર માટેનો ખર્ચ કાઢવાનું મુશ્કેલ બને છે. તેઓ વાહન, ફ્રીજ કે રાંધણ ગેસ પણ વસાવી શકતા નથી. આમાંથી 95 ટકા ઉત્તરદાતાને સિલિકોસીસ વિશે ખબર હતી. સિલિકોસીસ અટકાવવા માટે સરકારે લીધેલાં પગલાંથી 54 ટકા લોકોને સંતોષ હતો. 92.60 ટકા લોકોને જોકે, તેઓ સિલિકોસીસથી બચી શકશે નહીં તેમ લાગતું હતું.

આ અભ્યાસનું એક મહત્વનું તારણ એવું છે કે અકીકની ચીજોનું ઉત્પાદન કરતા એકમો પૈકી 50 ટકા એકમો 2001 પછી સ્થપાયા છે. જ્યારે બાકીના 50 ટકા 1955થી 2001 દરમિયાન સ્થપાયા છે. છેલ્લા 10 વર્ષમાં કામદારોની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો થયો છે. આ ઉદ્યોગમાં મહિલા કામદારોની સંખ્યા 49.32 ટકા છે. 82 ટકા કામદારો ઘરે બેસીને કામ કરે છે. તેમની માસિક આવક રૂપિયા 6000થી વધુ નથી. 84 ટકા કામદારોની સમગ્ર કુટુંબની આવક રૂપિયા 10,000 કરતાં વધુ નથી. માત્ર 3 ટકા કામદારો જ પાકા મકાનમાં અને 59 ટકા કાચા મકાનમાં રહે છે. અકીકના 65 ટકા વેપારીઓ સ્થાનિક સ્તરે ધંધો કરે છે જ્યારે 25 ટકા આંતરરાષ્ટ્રીય વેપારમાં છે. 20 ટકા ઉત્પાદકોને પોતાનો શો રૂમ છે.

આ શુષ્ક આંકડાઓથી ભાગ્યેજ કોઈનું હૈયું હચમચી જાય. હૈયાં હલાવવા માટે તો જીવંત કથાઓ જ કામ લાગે. આ લેખની શરૂમાં જણાવાયું છે કે સમુબેનના કુટુંબમાં 35 વ્યક્તિના અવસાન થયાં. શર્મિલાબીબી(નામ બદલ્યું છે)ની કહાની જુઓઃ 2001થી પતિની તબિયત ખરાબ થવા લાગી. સૌ પ્રથમ તાવ, શરદી, ઉધરસ થયાં એટલે ડો. ચોથાણીના દવાખાનેથી દવા લાવ્યા. એક મહિના સુધી લાવ્યા. કંઈ ફેર ન પડતાં વટાદરા ટીબી દવાખાને લઈ ગયાં. ત્યા તપાસમાં ટીબી આવ્યો એટલે ટીબીની દવા ચાલુ કરી. તબિયત સુધરવા લાગી. જોકે, પથ્થર ઘસવાનું તો ચાલુ જ હતું. છ મહિના પછી ફરીથી તકલીફ શરૂ થઈ. શર્મિલાબીબીના પિતા જમાઈને આણંદના એક ખાનગી દવાખાને લઈ ગયા. ત્યાંથી નડિયાદ છઠ્ઠા માઈલ દવાખાને લઈ ગયા. જેમ લોકો સૂચવે તેમ જુદાજુદા દવાખાને લઈને દોડતાં પણ તબિયતમાં કંઈ ફેરફાર ન થતો.

અંતિમ ક્ષણોમાં તેઓ પત્નીને કશું કહેવા માગતા હતા. છેલ્લી ઘડીએ એ બોલાવી કહે,“હવે આશા નથી. તું તથા છોકરાંઓ સારી રીતે રહેજો. છોકરાઓને સાચવજે.” શર્મિલાબીબી કહે છે કે આ શબ્દોના સહારે જ તેમણે યુવાની વીતાવી. તેઓ 28મા વર્ષે વિધવા થયાં. ‘હું બીજે લગ્ન કરું તો મારાં છોકરાનું શું થાય? અને લગ્ન કરું તો મારા પતિને પણ વિશ્વાસઘાત ક્રયો તેમ લાગે. બાકી લગ્ન માટે ઘણાં માંગાં આવતાં પણ હું કોઈની વાત માનતી જ નહોતી,’તેમ કહીને શર્મિલાબીબી ઉમેરે છે,“મારા પતિનો એક ભાઈબંધ તેને ગામમાં રસ્તા વચ્ચે ઉભી રાખીને પૈસા આપતો અને કહેતો કે તું મારી સાથે સંબંધ રાખ,તને કોઈ વાંધો નહીં આવવા દઉં. બધું સંભાળી લઈશ. પણ મેં તેને કહી દીધું કે, આજ પછી મારા ઘરે આવતો નહીં અને મને બોલાવતો પણ નહીં.”

હાજરાબીબી(નામ બદલ્યું છે)ની કહાનીઃ “ પતિ 2008થી બીમાર પડ્યા. તે પછી 3 વર્ષ બીમાર રહ્યા. તેઓ બીમાર પડ્યા તે મારાથી દૂર રહેતા. ખાસ મારી સાથે વાતચીત પણ ન કરે. બીમાર હોવા છતાં મને કંઈ નથી તેમ મન મનાવીને કારખાને જતા હતા. ન જાય તો ઘર કેવી રીતે ચાલે?” તબિયત વધુ બગડતી ગઈ. બિલકુલ તાકાત ન રહી. પથારીવશ રહ્યા તે દરમિયાન અમે સૌ પ્રથમ આણંદ ટીબી હોસ્પિટલમાં દાખલ કર્યા. થોડું સારું થતાં ઘરે લાવ્યા. થોડા દિવસ પછી ફરીથી તબિયત ખરાબ થઈ. તે પછી ખંભાત-પેટલાદના સરકારી દવાખાના-હોસ્પિટલમાં લઈ ગયા. ખંભાતના સરકારી ટીબી દવાખાને પણ લઈ ગયા. પીટીઆર દવાખાનેથી દવા ચાલુ કરાવી. તેઓ બીમારી છુપાવતા હતા. પીટીઆર દવાખાને આવે ત્યારે સંસ્થાના કાર્યકર જયેશભાઈ સાથે વાત કરવા પ્રયાસ કરે. જયેશભાઈને પૂછતા રહેતા, “મને બીમારી મટી જશેને?મારા ઉપર આખું ઘર ચાલે છે. નાનાં નામાં છોકરાંઓ છે.”જયેશભાઈ તેમને આશ્વાસન આપતા રહેતા.

પરેશભાઈ(નામ બદલ્યું છે) અકીક પાટિયાનું કામ કરતા હતા. તેઓએ લગભગ 20 વર્ષ અકીક કામ કર્યું હતું. 15 વર્ષની વયે માતા સાથે પરેશભાઈ આ કામમાં જોતરાઈ ગયા હતા. 35 વર્ષની ઉંમરે જીવનલીલા સંકેલી લીધી. અકીક ઘસિયાઓને સિલિકોસીસ નામની ફેફસાંની બીમારી થાય છે. પરેશભાઈને પણ એ બીમારી લાગુ પડી. તેઓ સતત ત્રણ વર્ષ બીમાર રહ્યા. બીમારી દરમિયાન ખાવાના પણ ફાંફાં પડતાં. કેટલીક સામાજિક સંસ્થાઓ અને નાગરિકો તેમની સ્થિતિ જોઈને તેમને મદદ કરતાં. પરેશભાઈ ઘરના આંગણામાં જ કામ કરતા. ડ્રમ ચલાવતા અને પાટિયું ચલાવતા. તેને કારણે ઉડતી રજન સંપર્કમાં એ પોતે તો આવતા પણ એ રજ ઉડીને ઘરમાં જતી અને પરિવાર પણ સંપર્કમાં આવતો. તેમના પત્નીએ કામ કર્યું ન હતું છતાં તેઓને પણ સિલિકોસીસની બીમારી લાગુ પડી. પરેશભાઈ બીમારી દરમિયાન સારવાર માટે પીટીઆરસીના દવાખાને, ખંભાતના મિલના ઝાંપાએ આવેલ સરકારી ટીબી દવાખાને જતા અને પછી તો વડોદરાના ગોત્રી દવાખાને, નડિયાદ પાસે પીજ ગામના દવાખાને પણ દાખલ થયા હતા. આમ, સારવાર માટે ઘણી દોડાદોડ કરી હતી. પતિ-પત્ની બંને ત્રણ વર્ષના ગાળામાં ગુજરી ગયાં.

(આવી 37 જેટલી વ્યથાકથા પીપલ્સ ટ્રેનીંગ એડ રિસર્ચ સેન્ટર દ્વારા “આપ ક્યું રોયે”નામે ગ્રંથસ્થ કરાઈ છે. જેમને આ વિષય અને વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી-અંગે મેળવવાની ઈચ્છા હોય તેમણે લખનારનો સંપર્ક કરવા વિનંતી. મોબાઈલઃ9426486855, ઈ-મેઈલઃptrcvdr@yahoo.co.in)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!