એક એવો યાયાવર ગુજરાતી જે પોર્ટુગલમાં રહીને ફિનલેન્ડથી નોકિયા ફોન ખરીદતો અને ચીનાઓને વેચતો હતો

એક એવો યાયાવર ગુજરાતી જે પોર્ટુગલમાં રહીને ફિનલેન્ડથી નોકિયા ફોન ખરીદતો અને ચીનાઓને વેચતો હતો

રતિલાલના વડદાદા જેઠાલાલ અમરેલી નજીકના કુંકાવાવના વતની. થોડી જમીનમાં ખેતી કરે. તે વર્ષોમાં સિંચાઈની સગવડ નહીં. ખેતીમાં એક વર્ષ પાકે તો બીજાં કેટલાં વર્ષ પાકે તે કોરાં જશે તે કંઈ ખબર ના પડે

 

પ્રા.ચંદ્રકાંત પટેલ

 

સો વર્ષ કરતાંય વધારે સમયથી જેમના સમગ્ર પરિવારનો-બાપદાદાના સમયથી વિદેશ વસવાટ તે પરિવારના વડા રતિલાલ ઉનડકટ મને કહે, ભલે અમે પરદેશ વસ્યા, અમારી હવે તો જન્મભૂમિ અને કર્મભૂમિ પણ વિદેશ છે છતાં ભારત અમારા પૂર્વજોની ભૂમિ છે. ગુજરાત સાથેનો અમારી સાંસ્કૃતિક નાતો અતૂટ અને વણથંભ્યો રહ્યો છે. મારાં સંતાનો ગુજરાતી ભાષા બોલે છે. તેઓ પુખ્ત વયનાં અને પરણેલાં છે. દારૂ અને માંસથી દૂર રહ્યાં છે. મને આ વારસાનું ગૌરવ છે.

આ રતિલાલ પહેલાં મોઝામ્બિકમાં વસતા હતા. પછી પોર્ટુગલના પાટનગર લિસ્બનમાં વસ્યા. રતિલાલના વડદાદા જેઠાલાલ અમરેલી નજીકના કુંકાવાવના વતની. થોડી જમીનમાં ખેતી કરે. તે વર્ષોમાં સિંચાઈની સગવડ નહીં. ખેતીમાં એક વર્ષ પાકે તો બીજાં કેટલાં વર્ષ પાકે તે કોરાં જશે તે કંઈ ખબર ના પડે. આવું થાય ત્યારે પોતાની ખેતીની આવક ના આવે અને ખેતી પર નભતા ગામમાં દુકાનમાંથી ય દહાડા કાઢવા મુશ્કેલ. આવી હાડમારીથી છૂટવા જેઠાલાલના દીકરા ગાંડાલાલે સાહસ કર્યું. તેઓ મોઝામ્બિકના એક ગામડે પહોંચ્યા. કોઈને ત્યાં નોકરી કરી. મોઝામ્બિકમાં ત્યારે પોર્ટુગીઝ રાજ. સૌરાષ્ટ્રમાં દીવમાંય ત્યારે પોર્ટુગીઝ હકુમત. દીવ, દમણના કેટલાક ગુજરાતીઓ મોઝામ્બિકમાં હતા. પરસોત્તમના દીકરા ગાંડાલાલને અનુભવે આ પ્રદેશ રહેવા જેવો અને ધંધો કરવા જેવો લાગ્યો.

તેમણે મનિકામાં દુકાન કરી. વારાફરતી ભાઈઓને બોલાવીને મોઝામ્બિકમાં ધંધે વળગાડ્યા. ગાંડાલાલના ભાઈ રણછોડદાસ મુંબઈમાં નોકરી કરતા હતા. તેઓ નોકરી છોડીને મોઝામ્બિક આવ્યા. મનિકામાં એક દુકાન હતી. બીજી વીલાફેરીમાં નવી હતી. રણછોડદાસ ધંધામાં જોડાઈ ગયા.

રણછોડદાસની દુકાન મિનિ મોલ જેવી. કપડાં, છત્રી, ચંપલ, સાબુ, દવા, નાસ્તા, ફાનસ, બૂટ, કાતર, છરી, કરિયાણું બધું મળે. તેઓ દરજી રાખતા. પેન્ટ, શર્ટ અને બીજાં કપડાં સીવડાવીને તૈયાર રાખતા અને વેચતા. ગ્રાહક ઈચ્છે તો પસંદગીનું કાપડ લઈને દુકાનના દરજી પાસે સીવડાવી શકે.

રણછોડદાસને છ દીકરા અને એક દીકરી. 1930માં રતિલાલ વિલાફેરીનાં જન્મ્યા. ત્યાં ભણ્યા. પછી એકાઉન્ટન્ટનો કોર્સ કર્યો. પોર્ટુગીઝમાં ભણ્યા. વહેવારમાં પોર્ટુગીઝ ભાષા જ વપરાતી. રતિલાલનો પોર્ટુગીઝ ભાષા પર કાબૂ. રણછોડદાસને ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી ગમે. તેઓ પોતાનાં સંતાનોને આ વારસો આપવા ઈચ્છતા હતા. આથી તેમણે અમથાલાલ નામના એક શિક્ષકને ઘરે રાખીને બાળકોને ગુજરાતી લખતાં, વાંચતાં, બોલતાં કરેલાં. રતિલાલને ગુજરાતીમાં રસ પડ્યો. રતિલાલે પોતાનાં સંતાનોને નારગોલ નજીક શ્રી અરવિંદ ઘોષના ભારતીય સંસ્કૃતિના વિચારને અનુરૂપ દરિયા તટે આવેલી નારગોલ સંસ્થામાં પોતાનાં બાળકોને ભણાવેલાં. આથી તેમનાં બાળકો પૂરાં ભારતીય સંસ્કારધારી અને ગુજરાતી ભાષા બોલતાં થયાં. રતિલાલે 1986થી 1992 સુધી અંગોલામાં મોટા પાયા પર ગ્રોસરીનો વેપાર કર્યો. તેઓ જુદા જુદા દેશોમાંથી મોટા જથ્થામાં ગ્રોસરીની આયાત કરીને અંગોલામાં નિકાસ કરતા. ત્યાં તેમનાં મોટાં મોટાં ગોડાઉન હતાં. અંગોલામાં ગ્રોસરી પૂરી પાડનાર તે પ્રથમ ભારતીય અને પ્રથમ ગુજરાતી વેપારી હતા. પોર્ટુગલ, ભારત અને અંગોલા ત્રણ ત્રણ દેશોમાં તેમનો મોટો વેપારી પથારો હતો.

1975માં મોઝામ્બિક આઝાદ થયું એટલે પોર્ટુગીઝોનું છત્ર જતાં ભયભીત ભારતીયોમાંથી કેટલાકે ભારતની વાટ પકડી. જે પોર્ટુગીઝ નાગરિક હતા તેમણે મોઝામ્બિક છોડી પોર્ટુગલનો પંથ પકડ્યો. આવા વખતે રતિલાલને મોઝામ્બિકના શ્યામવર્ણી અગ્રણીઓ અને રાજકારણીઓ સાથે પ્રેમના સંબંધો હતા. તેમણે સંખ્યાબંધ લોકોને જ્યારે આઝાદી આવશે એવો ખ્યાલ પણ નહતો ત્યારે માંદેસાજે, અવસર પ્રસંગે મદદ કરી હતી. તે બધાંને રતિલાલ ફાવતા અને ભાવતા હતા. તેઓ નચિંત હતા. કોઈ હુમલો કરશે એવી બીક નહોતી. ધંધો ચાલુ હતો. તેથી રતિલાલ મોઝામ્બિકમાં રહ્યા. મોઝામ્બિકની સરકારે તેમને આરોગ્ય મંત્રી બનાવ્યા. વર્ષ સુધી એ હોદ્દા પર રહ્યા પણ પછી લાગ્યું કે દેશ છોડવાથી સંતાનોના વિકાસનો રસ્તો ખુલશે ત્યારે 1979માં તેઓ પોર્ટુગલ આવ્યા. પોર્ટુગીઝ પ્રજાજન તરીકે તેમને લિસ્બનમાં પ્રવેશ મળ્યો.

રતિલાલ પાસે પેઢી દર પેઢીનો વેપાર સંસ્કાર વારસો હતો. મીઠી જીભ હતી. ધંધાની સૂઝ હતી. આવીને તેમણે ગેસ્ટ હાઉસ ખરીદીને વહીવટ કર્યો. પોર્ટુગલ વિકસતું જતું હતું. પાટનગર હતું તેથી ગેસ્ટ હાઉસમાં કમાયા. ધંધો વધ્યો. કમાણીનો ધંધો સૌને ગમે. કમાણી જોઈને બીજા પણ તેમાં ઝંપલાવે તો હરિફો વધે ત્યારે નફો ઘટે તેમ માનીને તેમણે ગેસ્ટ હાઉસ વેચી દીધાં. ઈલેકટ્રીકલ ચીજવસ્તુઓ અને ઈલેકટ્રોનિકના વ્યવસાયમાં ઝંપલાવ્યું. કેટલાક માણસો કમનસીબ હોય ત્યારે એ જ્યાં જાય ત્યાં કમનસીબ એમને આવકારવા ઊભું હોય છે. રતિલાલ વિશે કહેવું હોય તો સદભાગ્યનો એમને સદા સાથ રહ્યો છે.

ધંધો ખૂબ ચાલ્યો. ભારત, ચીન, તાઈવાન, સિંગાપોર બધેથી માલ ખરીદીને મોટા જથ્થામાં લાવતા અને પોર્ટુગલમાં અને આફ્રિકન દેશોમાં વેચતા. અહીં પણ બીજા હરિફ ઉભા થાય એ પહેલાં એમણે ઈલેકટ્રીલ માલ, સરંજાન વેચવાનું છોડી દીધું. આ પહેલાં તેમણે સિનેમાગૃહના વ્યવસાયમાં ઝંપલાવેલું. બે વર્ષમાં એક પછી એક પાંચ સિનેમાગૃહની માલિકી થઈ પછી તે પણ વેચી દીધેલાં.

રતિલાલની કોઠાસૂઝ અને સાહસ ગજબનું. તેમણે નવો વ્યવસાય શોધ્યો. વ્યવસાય તદ્દન નવો હતો. હજી મોબાઈલ ફોન નવેનવા હતા. ફિનલેન્ડની નોકિયા કંપનીના ફોન ત્યારે ખૂબ જાણીતા અને ખૂબ સારા મનાતા. તેમણે નોકિયાની સીધી એજન્સી લીધી. પોર્ટુગલમાં નોકિયાના પહેલા એજન્ટ બન્યા. પોર્ટુગલમાં ફોનું વેચાણ ધુમ થતું પણ ઓછી વસતિવાળા દેશમાં વેચીવેચીને કેટલા વેચે? જે ચીન આજે દુનિયામાં ફોન બનાવવામાં નામના ધરાવે છે તે ચીનમાં ફોન વેચાવા માંડ્યાં. પોર્ટુગલમાંથી ખરીદે અને ચીનમાં મોટા પાયે વેચે. ઈઝરાયેલ, ઓસ્ટ્રેલિયા અને ભારતમાં ય વેચતા થયા. ચીનાઓએ તેમની પાસેથી ફોન લેવાનું બંધ કર્યું.

રતિલાલે સિંગાપોરમાં ફોનની નિકાસ શરૂ કરી. વર્ષે દસ લાખ કરતાં વધુ ફોન તે ખરીદતા. આ ધંધો ચાલુ રાખીને અંગોલા જોડે ફરી વેપાર વધાર્યો.

રતિલાલના ત્રણ દીકરા. સૌથી મોટા ધીરેનભાઈ અને પછીના પરિમલ. બંનેએ પિતાના ધંધાની જવાબદારી સંભાળીને ભાર હળવો કર્યો. સૌથી નાના ચેતનભાઈ માલ્ટામાં સ્થિર થયા.

રતિલાલ ધંધાની સાથે સમાજનું હિત હૈયે રાખીને જીવ્યા. હિંદુ સમાજની એકતાના એ હામી હતા. વાડાબંધીમાં પોર્ટુગલમાં વસતા હિંદુઓની એકતા ના તૂટવી જોઈએ એવું એ માનતા. લિસ્બનમાં ગુજરાતી હિંદુઓમાં 90 ટકા જેટલા લુહાણા હોવા છતાં ફક્ત એક જ જ્ઞાતિનું સંગઠન કરવાને બદલે સમગ્ર હિન્દુ એકતાનો ખ્યાલ રાખનાર સાત વ્યક્તિમાં તે એક હતા અને એ રીતે હિંદુ સમાજ સ્થપાયો. રતિલાલના અવસાનને હવે બે વર્ષ થશે. આજે રતિલાલ નથી પણ તેમના ધંધા અને સંબંધોની સુવાસનું સાતત્ય છે.

(ચરોતરના પ્રજાજીવન અને ઈતિહાસના અભ્યાસુ લેખક હાલમાં અમેરિકા નિવાસી છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!