FDનો ઈન્ટરસ્ટ રેટ 7%: 1 વર્ષની મુદ્દત  માટે આ છે બેસ્ટ 10 ફિક્સ્ડ ડિપોઝિટ

FDનો ઈન્ટરસ્ટ રેટ 7%: 1 વર્ષની મુદ્દત માટે આ છે બેસ્ટ 10 ફિક્સ્ડ ડિપોઝિટ

કોઈ પણ રોકાણ જોખમોને આધીન હોય છે પણ જો સતર્ક, સાવચેત અને શાણા રહીએ તો કોઈપણ ઈન્વેસ્ટમેન્ટમાંથી સારામાં સારું વળતર મેળવી શકાય છે

 

ધર્મેશ જી. પંચાલ

 

એક તરફ મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ બેન્કોમાં વ્યાજ દર ઘટી રહ્યા છે. શેરબજારમાં જે લોકો પૈસા રોકી રહ્યા છે તેમને ખબર છે કે અમુક તમુક સ્ક્રીપમાં જ અત્યારે વળતર મળી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકવાનો માર્ગ એકદમ સરળ છે પણ ઘણાં લોકોને જોખમ પસંદ હોતું નથી. આવા કેસમાં બેન્કની ફિસ્ક્ડ ડિપોઝિટનો માર્ગ સારામાં સારો રહે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા((RBI)એ તાજેતરમાં તેની ડિસેમ્બરની મોનેટરી પોલિસી જાહેર કરી હતી જેમાં 4 ટકાનો સ્ટડી ઈન્ટરેસ્ટ રેટ રાખવાની જાહેરાત કરી હતી. જે લોકોએ બેન્કોમાં એફડી મૂકેલી છે તેમને માટે જોકે, કોઈ તકલીફ થવાની નથી કેમકે, બેન્કો તેમના એફડી પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાની નથી. જોકે, વ્યાજના દર પહેલાં કરતાં વધુ નથી પણ આ રીતે રોકાણ એકદમ સુરક્ષિત હોય છે. વ્યાજ દર ઘટે તો પણ તેનો અર્થ એવો થતો નથી કે બેન્કોમાં એફડીનો જમાનો પૂરો થઈ ગયો છે. આજે પણ ઘણાં લોકો એફડી થકી જ તેમનું ઈન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. રોકાણનો એક ફંડા એ છે કે તે લાંબા ગાળાનું હોવું જોઈએ. જોકે, તમારી પાસે એ પ્રમાણે નાણાં હોય તો લાંબા ગાળાનું આયોજન બરાબર છે પણ જ્યારે તમારો આધાર જ થોડા ઘણાં પૈસા પર રહેતો હોય ત્યારે તમારે જોખમ લીધા વિના ટૂંકા ગાળા માટે રોકાણ કરવું હોય તો બેન્ક ડિપોઝિટ બેસ્ટ છે. શોર્ટ ટર્મ માટે બેન્ક ડિપોઝિટ રોકાણનો સારો માર્ગ છે. ઘણીવાર આ પ્રકારનાં શોર્ટ ટર્મ રોકાણો ઈમરજન્સીમાં કામ આવી જતાં હોય છે. મેડિકલ ઈમરજન્સીમાં ખાસ કરીને આ પ્રકારની એફડી માણસના સૌથી વધુ કામમાં આવતી હોય છે. આ એફડી તમને ગેરંટેડ રિટર્ન આપે છે. એફડી ફ્લેક્સિબલ ઈન્વેસ્ટમેન્ટ અને લિક્વિડિટીનો સૌથી સારો ઓપ્શન પૂરો પાડે છે. જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે તમે ઉપાડી શકો છો.

ટૂંકા ગાળામાં, મોઘવારીના નીચા દરની સામે તમારા પોર્ટફોલિયોમાંથી તમે કેટલોક ભાગ એફડીમાં મૂકી શકો છે. કેટલોક ભાગ તમારે શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને ચોક્કસ વયમર્યાદાના અનુસંધાને જે-તે ઈન્શ્યોરન્સ પોલિસીમાં રોકવો જોઈએ. રોકાણ ગમે તે રીતે આડેધડ કરવું હિતાવહ નથી. ઈન્વેસ્ટમેન્ટ વિશે વારંવાર એક વાત કહેવાતી હોય છે અને તે એ કે તમે બધાં જ સફરજન એક જ બાસ્કેટમાં ના મૂકી શકો. જો તેમાંથી એક સડવાનું શરૂ થાય તો તમામ સફરજન પર તેની અસર થતી હોય છે. કહેવાનું તાત્પર્ય એ કે તમારી પાસે 100 રૂપિયા હોય તો તમારે એ રીતે ઈન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જે તમારા સ્વભાવને નહીં પણ તમારી અનુકૂળતા અને જરૂરિયાતને માફક આવતું હોય. તમારે મેડિકલ ખર્ચની વારંવાર જરૂર પડતી હોય તો સ્વાભાવિક રીતે લિક્વિડિટી એટલે કે હાથ પર પૈસા હોવા જરૂરી બને છે. હવે, વિચારો કે મ્ચ્યુઅલ ફંડ કે શેરબજારમાં તમે કરેલું રોકાણ એ સમયે તમે ઉપાડવા જશો અને માર્કેટ નબળું હશે તો તમારા લાખ રૂપિયા બાર હજાર બની ગયા હશે. આવાં રોકાણો હંમેશાં લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને થતાં હોય છે. ટૂંકા ગાળામાં એફડી બેસ્ટ ઓપ્શન છે.

એફડીમાં અત્યારે ઘણી બેન્કો વ્યાજના દર ઓછા હોવા છતાં આકર્ષક ઓફર કરતી હોય છે. જોકે, એ પહેલાં તમારે બેન્કની શરતો સમજી લેવી જોઈએ. એક વર્ષની એફડી માટે દેશમાં ઘણી એવી પ્રાઈવેટ બેન્કો તમને 7 ટકાનું વ્યાજ સાથે વળતર આપે છે. ઈન્ડસ ઈન્ડ બેન્ક આ તમામમાં, સરખામણી કરીએ તો સાત ટકા વ્યાજના દર સાથે એક વર્ષ માટે તમને સારામાં સારું વળતર આપે છે. તેના પછી RBL બેન્ક છે જે એક વર્ષની એફડી પર 6.75 ટકાનું વ્યાજ આપે છે. સરકારી અને જાહેર ક્ષેત્રની બેન્કો કરતાં આ વ્યાજ દર દેખીતી રીતે ઘણાં વધુ છે એટલે તમારે કયા હિસાબથી આ પ્રાઈવેટ બેન્કો તમને એ વળતર આપે છે તે સમજી લેવું જોઈએ. ICICI  અને HDFC જેવી બેન્કો એક વર્ષ માટે 4.90 ટકા વળતર આપે છે. એક્સિસ બેન્કમાં એક વર્ષની એફડી પરનો વ્યાજ દર 5.15 ટકા છે. પ્રાઈવેટ બેન્કમાં એક વર્ષની એફડી પર સૌથી નીચો વ્યાજદર કોટક મહિન્દ્રા બેન્કનો છે. તે ફક્ત 4.60 ટકા વ્યાજ આપે છે. એક વર્ષની એફડી પર જાહેર ક્ષેત્રની બેન્કો જેવી કે યુનિયન બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, પંજાબ એન્ડ સિંધ બેન્ક અને કેનેરા બેન્ક 5.25 ટકાનું વ્યાજ આપે છે જે ICICI  અને HDFC બેન્ક કરતાં સારું છે. જાહેર ક્ષેત્રની કોમર્શિયલ બેન્ક ગણાતી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI) અને બેન્ક ઓફ બરોડા 4.90 ટકાનો વ્યાજ દર એક વર્ષની એફડી પર ઓફર કરે છે. એક વાત ધ્યાનમાં રાખો કે આ તમામ દરો તમે રોકેલી મૂડી પર અવલંબિત છે અને તેનો આધાર 100 રૂપિયાથી લઈને રૂપિયા 10,000 સુધીનો છે.

પ્રાઈવેટ બેન્ક                   રેટ ઓફ ઈન્ટેરેસ્ટ                                                  

ઈન્ડસઈન્ડ બેન્ક                7 ટકા

RBL બેન્ક                        6.75 ટકા

DCB  બેન્ક                       6.50 ટકા

IDFC ફર્સ્ટ બેન્ક               5.75 ટકા

 

જાહેર ક્ષેત્રની બેન્કો

 કેનેરા બેન્ક                        5.25 ટકા

પંજાબ એન્ડ સિંધ બેન્ક       5.25 ટકા

બેન્ક ઓફ ઈન્ડિયા               5.25 ટકા

યુનિયન બેન્ક                       5.25 ટકા

પંજાબ નેશનલ બેન્ક             5.20 ટકા

નોંધઃ જે-તે બેન્ક દ્વારા પૂરા પડાયેલા ડેટાના આધારે આ વ્યાજ દર અપાયે છે. કેટલી મૂડી પર કેટલું વ્યાજ લાગશે તે બેન્ક નક્કી કરતી હોય છે અને તેમાં સમયાંતરે ફેરફાર થતા રહે છે. અહીં આપેલી આ વિગતો સંપૂર્ણપણે હકીકતલક્ષી છે તેમ છતાં જ્યારે પણ રોકાણના હેતુસર આગળ વધો ત્યારે બને તેટલી વધુ માહિતી એકત્ર કરીને જ પગલું ભરવું હિતાવહ છે. દરેક ઈન્વેસ્ટમેન્ટ જોખમોને આધીન હોય છે તે વાત સાચી છે પણ જો સતર્ક, સાવચેત અને શાણા રહીએ તો કોઈપણ રોકાણ ઉત્તમોત્તમ રિટર્ન આપતું હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!