UNDP અંતર્ગત ખેડા જિલ્લાને ટીવી ટ્રાન્સમિટરની ભેટ આપવામાં આવી. એ વખતના ખેડા જિલ્લામાં સ્પેસ એપ્લીકેશન સેન્ટર દ્વારા પીજ ગામમાંથી કાર્યક્રમોનું પ્રસારણ કરાતું હતું
પીજ
1936માં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)નો પ્રારંભ થયાના બે દાયકા પછી ભારતમાં ટેલિવિઝનનો ઉદય 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હીમાં થયેલો. ભારતમાં તે વખતે દિલ્હી ટીવી કેન્દ્ર હતું. યુનેસ્કો(UNESCO)ની મદદથી બનતા કાર્યક્રમો તેના પરથી પ્રસારિત થતા હતા. સપ્તાહમાં એકવાર એક કલાક સુધી ટીવી પર કાર્યક્રમો આવતા. તેમાં આરોગ્ય, ટ્રાફિક સેન્સ, નાગરિક ફરજો, અધિકારો અને હકો અંગેની જાગૃતિ ફેલાવે તેવા કાર્યક્રમો આપવામાં આવતા. બે વર્ષ પછી સ્કૂલોમાં ભણતાં બાળકો માટે કાર્યક્રમોનું પ્રસારણ થવા લાગ્યું. 1972માં બોમ્બેમાં બીજું ટીવી કેન્દ્ર સ્થપાયું. 1973માં અમૃતસર અને શ્રીનગરમાં અને તે પછી મદ્રાસ, કલકત્તા અને લખનૌમાં 1975માં એકસાથે ટીવી કેન્દ્રો ચાલુ થયાં. જોકે, ત્યાં સુધી ભારતના ગામડાંઓ સુધી ટીવી કે તેના કાર્યક્રમો પહોંચ્યાં જ નહોતાં. એવામાં ચરોતરની ભૂમિ પર પીજ ટીવી કેન્દ્રનો પ્રારંભ થયો. જ્યારે ગુજરાતી દુરદર્શન ચેનલ નહોતી ત્યારે પીજ ટીવી સ્ટેશનની પોતાની ચેનલ હતી. ભારતના મહાન વિજ્ઞાની વિક્રમ સારાભાઈએ ગ્રામીણ વિકાસ માટે પીજ ટીવી સ્ટેશનનો વિચાર વહેતો મૂક્યો હતો. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ(UNDP) અંતર્ગત ખેડા જિલ્લાને એક ટીવી ટ્રાન્સમિટરની ભેટ આપવામાં આવી તેમાંથી આ વિચાર સ્ફુર્યો હતો. એ વખતના ખેડા જિલ્લામાં સ્પેસ એપ્લીકેશન સેન્ટર(SAC) દ્વારા પીજ ગામમાંથી કાર્યક્રમોનું પ્રસારણ કરાતું હતું. પ્રારંભમાં પીજ સ્ટેશન પરથી જે પ્રોગ્રામ રિલે કરાતાં તે 651 કમ્યુનિટી ટીવી સેટ્સ પર રિલીઝ થતા. દુધ ઉત્પાદક મંડળીઓ અને જિલ્લા પંચાયતોના વિકાસ કામો તેમાં કેન્દ્રસ્થાને રહેતાં. ખેડા કમ્યુનિકેશન પ્રોજેક્ટ(KCP) તરીકે જાણીતો આ પ્રોજેક્ટ પ્રગતિશીલ મિડીયાનું પ્રથમ સોપાન હતું. મિડીયાની ડિક્શનેરીમાં તેને કમ્યુનિટી જર્નાલિઝમ પણ કહી શકાય. તેમાં સ્થાનિક કાર્યક્રમો આવતા અને ગામડાંને કેન્દ્રસ્થાને રખાતું. જુલાઈ 1975માં પીજ ગામમાં એક ગ્રાઉન્ડમાં આ આખો પ્રયોગ શરૂ થયેલો. મેદાનમાં ગામના 100થી વધુ લોકો એકઠા થયેલા. તેમની આંખો એક લાકડાના બોક્સની આગળ ચોંટી ગયેલી. થોડીવારમાં તેમણે જોયું તો જાદુ થયેલો. લાકડાના બોક્સમાં મઢેલા કાચમાં કોઈ હાલતુંચાલતું દેખાતું હતું. લોકો આ જોઈ પહેલાં તો સ્તબ્ધ થઈ ગયા પણ પછી તેમણે જોરદાર તાળીઓથી આ ઐતિહાસિક ઘટનાને વધાવી લીધી. 15 ઓગસ્ટ 1975ના રોજ આખા ગુજરાતનું પોતાનું કેન્દ્ર ગણાય તેવા પીજ ટીવી કેન્દ્રનો સત્તાવાર કહી શકાય તે રીતે પ્રારંભ થયો હતો.
સંયુક્ત રાષ્ટ્રની સહાયથી શરૂ થયેલું આ કેન્દ્ર એક સમયે એટલું બધું પોપ્યુલર હતું કે, લોકો પીજ ટીવી કેન્દ્ર પરથી રિલીઝ થતા કાર્યક્રમો જોવા માટે ટાંપીને બેસી રહેતા. ગામડાંઓમાં ઘરે ઘરે ટીવી નહોતાં એટલે સહકારી મંડળીઓને ત્યાં મુકેલાં ટીવી પર એ કાર્યક્રમો જોવા માટે જતાં. આખું ગામ ડેરીએ ભેગું થતું અને કુતૂહલ અને વિસ્મય સાથે અબાલવૃદ્ધ કાર્યક્રમો જોવા માટે પલાંઠીઓ વાળીને બેસી જતા. ભૂખ-તરસને ભૂલીને આંખો સામે થતો જાદુ લોકો વિસ્મયથી જોતા રહેતા. એ વખતે કોઈના ઘરે ટીવીની સુવિધા હતી નહીં એટલે પગપાળા કેટલાય કિલોમીટર ચાલીને ઘણીવાર બીજા ગામમાં કૌતુક જોવા માટે જતા હતા. પીજ ગામનું આ કેન્દ્ર ભારતમાં 6 રાજ્યોના 20 જિલ્લાનાં 2400 ગામોમાં મનોરંજક અને શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ કરતું હતું. પીજના આ પ્રયોગની સફળતા પછી ભારતે પોતાનો ઉપગ્રહ ઇનસેટ 1A છોડ્યો હતો અને એની મદદથી પહેલીવાર સ્વદેશી સેટેલાઇટ પ્રસારણ કર્યું હતું. પીજ કેન્દ્રનું સૌથી મોટું સાહસ અને સફળતા એ હતી કે અહીંથી રંગીન કાર્યક્રમો પ્રસારિત થતા હતા. આમ તો પીજ ટીવી સ્ટેશન છેક 1973થી દિલ્હી ટીવી કેન્દ્ર સાથે લિન્ક હતું, પણ પીજનું પોતાનું કેન્દ્ર બે વર્ષ પછી સ્થપાયું હતું. દિલ્હી દૂરદર્શન પર સાંજે 6 કલાકે કાર્યક્રમો આવતા. પીજના કાર્યક્રમો 7.30 કલાકે સમાચારથી શરૂ થતા. હિન્દી ફિલ્મોનાં ગીતો પણ તેમાં આવતાં અને ક્યારેક કોઈ નવા સેટેલાઈટ સાથે કશું લિન્ક કરવાનું હોય ત્યારે દિવસમાં પણ એ કાર્યક્રમો અલપઝલપ જોવા મળી જતા.
SACનો આ પ્રયોગ એટલો તો જોરદાર હતો કે તે વખતે દેશમાં ઘણી બધી જગ્યાએથી તેને આમંત્રણ મળવા માંડ્યું હતું. પીજના અત્યંત ગ્રામીણ ટીવીના સફળ પ્રયોગથી ખુશ થઈને યુનેસ્કોએ SACને તે વખતે 20,000 ડોલરનું ઈનામ આપ્યું હતું. કેન્દ્ર અને ગુજરાતની સરકારે તે પછી એવી જાહેરાત કરી હતી કે પીજ સ્ટેશન મદ્રાસ(ચેન્નાઈ)માં લઈ જવામાં આવશે અને તે પછી તેને સ્થાને બીજું સ્ટેશન સ્થપાશે. 1985માં અમદાવાદમાં ગુજરાતી ટીવી સ્ટેશન ઊભું કરીને પીજનું સ્ટેશન બંધ કરવાની જાહેરાત કરવામાં આવી તેની સાથે પીજના સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. 20 જેટલા લોકો પીજમાં ભૂખ હડતાળ પર બેઠા હતા. ગામના લોકોએ સરકારની સામે મોરચો માંડ્યો હતો અને પીજ ગામની બહેનો તો રસ્તા પર આવી ગઈ હતી. “સરકાર અમારી પાસેથી અમારું ટીવી પાછું લઈ જ કેવી રીતે શકે? ગ્રામીણ વિકાસની સરકારની બધી વાતો ખાલી બણગાં જ છે? છેલ્લાં 10 વર્ષથી અમને પીજ કેન્દ્રથી બહુ ફાયદો થયો છે અને અમે તેને પાછું નહીં લેવા દઈએ,” તેમ પીજનાં એક બહેનને ટાંકીને તે વખતના રિપોર્ટમાં લખાયું હતું. આ પ્રતિકાર એટલો ખતરનાક હતો કે, એન્જિનિયરો પણ પીજ ટીવીના ટાવર તોડી શકવા જઈ શક્યા નહોતા. કોઈપણ કિંમતે ટીવી સ્ટેશન બચાવવાની તેમની જિદ હતી.
પીજ ટીવી સ્ટેશન સ્થપાયું તે પછી SAC દ્વારા જ કરવામાં આવેલા એક રિસર્ચમાં એવું તારણ નીકળ્યું હતું કે, પીજ ટીવી પર આવતા કાર્યક્રમોથી 96 ટકા ગામોમાં રસીકરણના લાભ અંગે જાગૃતિ આવી હતી. કેન્દ્ર પરથી કૃષિને લગતા કાર્યક્રમોથી ખેડૂતો સારી રીતે પાક લઈ શકતા. તેમાં દાદ ફરિયાદ નામનો કાર્યક્રમ દર અઠવાડિયે આવતો અને પાકને લગતી સમસ્યાઓનું તેમાં નિરાકરણ થતું. ટીવી પર કૃષિ ઉપરાંત હવે ના સહેવાં પાપ દલિતો પર થતા અત્યાચાર અને શોષણની વાતોને ઉજાગર કરતો કાર્યક્રમ હતો. ઉપરાંત ક્યારે ઉગશે એ પ્રભાત નામનો કાર્યક્રમ પણ ખૂબ લોકપ્રિય હતો. રંગલીલા, હું-ણ, ત્રિભેટે, ડાહીમાની વાતો, તમારા ટીવી માટે તમે લખો, હું ને મારી ભૂરી, ગામડું જાગે છે, હાજી-નાજી તેમજ ડેઈલી સોપ ઓપેરા ટાઈપની કુંડાળાના સાપ સિરિયલો પણ પીજ ટીવી પર આવતી હતી. પીજ કેન્દ્ર માટેનો ટાવર જ્યાં ઊભો હતો ત્યાં આજે ફરી પાછું ખેતર બની ગયું છે. અમદાવાદ દૂરદર્શનની શરૂઆત સાથે પીજના લોકોનો રોષ પણ ટાઢો થઈ ગયો હતો અને તે પછી એન્જિનિયરો 1 કિલો વોટ્ટનો ટાવર કાઢીને મદ્રાસ લઈ જઈ શક્યા હતા. પીજ ટીવી કેન્દ્રને બીજે જતું રોકવા માટેનો પ્રયાસ એટલો મજબૂત હતો કે તે વખતે વલ્લભવિદ્યાનગરમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ઘનશ્યામ ઘડિયાળીએ પીજ ટીવી કેન્દ્ર બચાવો આંદોલન શરૂ કરીને પોતાની નોકરી છોડી દીધી હતી. ડો. વર્ગીસ કુરિયન અને ડો. મૃણાલિની સારાભાઈ જેવાં આગળ પડતા લોકોએ પણ પીજ કેન્દ્ર ના હટાવવા માટે સરકારને વિનંતી કરી હતી પણ કોઈએ કશું ધ્યાને લીધું નહોતું. પીજ ટીવી કેન્દ્ર આજે પણ લોકોની યાદોમાં જીવંત છે. પીજમાં એક વખતે જ્યાં ટીવી કેન્દ્ર હતું ત્યાં આજે ખેતર છે. પીજ ગામની બીજી પેઢીને તો એ પણ ખબર નથી કે તેમનું ગામ ગુજરાતનું પહેલું દુરદર્શન કેન્દ્ર ધરાવતું હતું. ગામનાં યુવાનોને પીજ ટીવી સ્ટેશન વિશે કશી ખબર નથી અને એના અવશેષો તો ક્યાં ગયા એ જ કોઈ જાણતું નથી. લોકોનાં સ્મરણમાં હજુ પીજ ટીવી સ્ટેશનના કાર્યક્રમો જીવંત છે પણ એનું જન્મસ્થળ તેને યાદ નથી.
૧૯૭૭/૭૮માં અમે ગામડાની દૂધ સહકારી મંડળીમાં ટીવી જોવા જતા અને ગ્રામીણ કાર્યક્રમ ફિલ્મી ગીતો નંદુચંદુની સિરીઝ જોતા.ખાનગીકરણ ની આંધળી દોટ મૂકી સરકારોએ દાટ વાળ્યો છે.
Yes I enjoyed very much of the programmes on Pij tv.