2015ની પાલિકાની ચૂંટણીમાં 52માંથી ભાજપને 41, કોંગ્રેસને ફક્ત 2 અને અપક્ષને ફાળે 9 બેઠક ગઈ હતીઃ ગુજરાત વિધાનસભાના દંડક પંકજ દેસાઈ પાસે જ્યારથી કમાન આવી છે ત્યારથી કોંગ્રેસની કરોડરજ્જુ ઢીલી ગઈ છે
સ્નેહલ ડાભી(Snehal Dabhi)
ગુજરાતમાં મહાનગરપાલિકા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોનાં નામની જાહેરાત કરી દીધી છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે આ વખતે 60 વર્ષથી ઉપરના અને ત્રણ ટર્મથી જીતીને આવી રહેલા લોકોને ટિકિટ આપી નથી. પ્રદેશ પ્રમુખે પોતે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ અને મક્કમ છે તે વાતની ખાતરી કરાવતાં સુરતમાં ભૂલથી 60 વર્ષથી ઉપરના બે ઉમેદવારોને ટિકિટ આપી દેવાઈ તેને ગણતરીના કલાકોમાં સુધારી દીધી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ સીઆર પાટિલ જ આ તરાહ પર આગળ વધવા માગે છે. જે લોકો 60 વર્ષથી ઉપરના છે તેમને પાલિકામાં ઉમેદવારી કરવાની તક નહીં મળે તે નક્કી છે. ઉપરાંત, ત્રણવાર કોર્પોરેટર કે કાઉન્સિલર બનનારા લોકોને પણ હવે ચૂંટણી લડવાનો મોકો અપાશે નહીં. ભાજપની નેતાગીરી દ્વારા સોમવાર કે મંગળવારે પાલિકાના ઉમેદવારોની યાદીની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે. દેખીતી રીતે, તેમાં યુવાન ઉમેદવારોને જ મહત્વ અપાશે.
આણંદમાં વર્ષોથી સુધરાઈના રાજકારણમાં પડેલા ઘણાં જૂના જોગીઓને સ્થાને આ વખતે યુવાન ઉમેદવારો ભાજપ ઉભા રાખવા માગે છે. તે જ રીતે નડિયાદમાં પણ યુવાન અને ડાયનેમિક નેતાગીરીને વિકસવાનો માર્ગ અને મોકો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. નડિયાદમાં યુવાનો અને વિદ્યાર્થીઓમાં અત્યંત લોકપ્રિય એવા ધારાસભ્ય પંકજ દેસાઈ સ્થાનિક ચૂંટણીઓમાં આ વખતે પણ સપાટો બોલાવી દેવા માગે છે. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકની ફરજ ઉપરાંત ધારાસભ્ય તરીકેની કામગીરી અને નડિયાદમાં નાનામાં નાના કામ માટેની તત્પરતા પંકજ દેસાઈને અન્ય રાજકારણીઓ કરતાં એક વેંત ઊંચા રાખે છે. પંકજ દેસાઈએ કોંગ્રેસનું નામોનિશાન નડિયાદમાંથી મિટાવી દીધું છે તેમ કહીએ તો ચાલે. નડિયાદમાં કોંગ્રેસનું જાણે કોઈ અસ્તિત્વ જ રહ્યું નથી. અંદરઅંદરની ટાંટિયાખેંચ અને ‘તું કોણ?’ અને ‘મને ઓળખે છે?ના મિથ્યાભિમાન વચ્ચે ભીંસાયેલી કોંગ્રેસમાં અત્યારે કોઈ એવો નેતા દેખાતો નથી જે પંકજ દેસાઈની બરાબરી કે મુકાલબો કરી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રા વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટિલની નિગેહબાનીમાં પંકજ દેસાઈનો વિજયરથ આ વખતે પણ જેટ ગતિએ દોડે તેવા સ્પષ્ટ એંધાણ નડિયાદમાં સ્થાનિક સ્તરે દેખાય રહ્યાં છે.
એક વખતે તે વખતના કેન્દ્રીય મંત્રી દિનશા પટેલને સૌથી વધુ વોટથી હરાવીને જાયન્ટ કિલર સાબિત થનારા પંકજ દેસાઈ ત્યારથી લઈને અત્યાર સુધી અપરાજિત તો રહ્યા જ છે પણ તેમનો તરવરાટ પણ એવોને એવો જ રહ્યો છે. સંગઠન, ચૂંટણીનાં સોગઠાં અને ઉમેદવારોની પંસદગીમાં તેમનું દિમાગ એટલું સટિક ચાલે કે કોઈને પણ આશ્ચર્ય થાય. આ વખતે પણ ગઈ વખતની જેમ નડિયાદમાં તેમની સ્ટ્રેટેજી અને કદમતાલ ભાજપને સૌથી વધુ બેઠકો જીતાડી આપશે તે વાતમાં કોઈ મીનમેખ નથી. દેખીતું કારણ એ છે કે પંકજ દેસાઈની રાહબરીમાં નડિયાદ ભાજપની કેડર એકદમ શિસ્તબદ્ધ રહીને કામ કરી રહી છે જ્યારે કોંગ્રેસમાં હુંસાતુંસીનો માહોલ ચરમસીમાએ પહોંચેલો છે. તાજેતરમાં જ કોંગ્રેસના એક નેતા તેમના 100 જેટલા કાર્યકરોને લઈને ભાજપમાં જતા રહ્યા તેની પાછળનું કારણ આ જ હતું. કોંગ્રેસમાં કોઈ રણીધણી નથી તેવી ફરિયાદોનું નિરાકણ હજુ સુધી આવ્યું નથી.
પંકજ દેસાઈ એક વખતે નડિયાદ નગરપાલિકાના પ્રમુખ હતા. પાલિકાના પ્રમુખમાંથ વિધાનસભાના દંડક સુધીની તેમની સફરમાં જેટલા લોકોએ તેમનો સાથ નિભાવ્યો છે તેમને પંકજભાઈએ ક્યારેય નિરાશ કર્યા નથી. સંગઠનનું સતત મજબૂતીકરણ અને તેની સાથે પ્રજાને સંતોષ અને ખાતરી થાય તેવાં કામો કરતા રહેનારા પંકજ દેસાઈએ આજે નડિયાદમાં બુનિયાદી સ્તરે(ગ્રાસરૂટ લેવલે)ભાજપને એટલો બધો મજબૂત બનાવી દીધો છે કે આગામી દોઢ દાયકા સુધી તેને ઊની આંચ પણ આવે તેમ લાગતું નથી. આ જ કારણથી કોંગ્રેસ દિવસેદિવસે કોકળાઈ રહી છે, સંકોચાઈ રહી છે.
પાલિકાની ચૂંટણીઓને અનુલક્ષીને જ્યારે ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયોની મુલાકાત લીધી ત્યારે આ વાતનો અહેસાસ થયા વિના રહ્યો નહીં. નડિયાદ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં ચૂંટણીનો કોઈ માહોલ જ જોવા મળતો નહોતો. સામે ભાજપનું કાર્યાલય ધમધમતું હતું. કોંગ્રેસ પાસે નડિયાદ-ખેડા જિલ્લામાં કોઈ સક્ષમ નેતૃત્વ જ નથી. શહેરના પવનચક્કી વિસ્તારમાં કોંગ્રેસનું કાર્યાલય છે. અમદાવાદથી કોઈ મોટા નેતા સેન્સ લેવા આવે ત્યારે અહીં થોડી હિલચાલ જણાય છે પણ તે પછી બધું સૂમસાન થઈ જતું હોય છે. રિપોર્ટ એવા પણ છે કે પાંચેક વોર્ડમાં તો કોંગ્રેસને ઉમેદવાર પણ મળતા નથી. એક સમયે નડિયાદ કોંગ્રેસનો કિલ્લો હતો. આ કિલ્લાના આખરી પહેરેદાર જેવા દિનશા પટેલ હતા. આ કિલ્લાના કાંગરા કેમ ખરી પડ્યા તેનું કારણ પાર્ટીની આંતરિક હુંસાતુંસી અને સક્ષમ નેતાગીરી ઊભી નહીં થવા દેવાની ભૂલ સિવાય બીજું કશું નથી.
કોંગ્રેસના આ ઢીલાપોચા વલણને કારણે જ 2015માં તેને પાલિકાની ચૂંટણીમાં ફક્ત 2 બેઠક મળી હતી. નડિયાદ પાલિકામાં કુલ 52 બેઠકો છે તેમાંથી ભાજપ 41 પર જીત્યો હતો જ્યારે અપક્ષોને 09 બેઠક મળી હતી. મતલબ એ થયો કે કોંગ્રેસ કરતાં અપક્ષોનું જોર વધુ રહ્યું હતું. 2015નું જીતનું માર્જિન જોઈએ તો સ્પષ્ટ થાય છે કે તે વખતે ભાજપના ઉમેદવારને સરેરાશ 5000થી 12,000 વોટથી જીત મળી હતી. સૌથી મોટી વાત એ હતીકે હજુ ચૂંટણી યોજાઈ નહોતી ત્યાં તો વોર્ડ નંબર 3માં ભાજપની પેનલ બિનહરિફ વિજેતા બની ગઈ હતી. મતલબકે, કોંગ્રેસે મેદાનમાં ઉતરતાં પહેલાં જ હથિયારો હેઠાં મૂકી દીધાં હતાં. આ વખતે પણ એવું જ ચિત્ર દેખાઈ રહ્યું છે.
કોંગ્રેસ આ વખતે કેટલી બેઠક પર જીતશે એ સવાલ પૂછવા કરતાં ભાજપને આ વખતે 2015 જેટલી જ બેઠકો મળશે કે તેનાથી વધુ તેવો સવાલ વધુ થઈ રહ્યો છે. ત્યાં સુધી કે કોંગ્રેસમાં પણ આ મૂંઝવણ દેખાય રહી છે. હકીકત એ છે કે જ્યારથી પંકજ દેસાઈ પાસે નડિયાદ ભાજપની કમાન આવી છે ત્યારથી કોંગ્રેસની કરોડરજ્જુ ઢીલી થઈ ગઈ છે. પંકજ દેસાઈનો એવો કયો કરિશ્મા છે કે તેને કારણે યુવાનો તેમની તરફ આકર્ષાયા કરે છે? સંગઠન આટલું મજબૂત છે? સરળ અને નિખાલસ સ્વભાવ. પંકજ દેસાઈ કોઈપણ જણના કામમાં આવવા માટે 24 કલાક તત્પર રહે છે. કોઈ પણ જણ તેમના ઘરના દરવાજે જઈને ગમે ત્યારે ઊભો રહે અને સહાય કે મદદ વિના ખાલી હાથે પાછો આવે તેવું બનતું નથી. પંકજ દેસાઈ દરેક સમુદાય અને કોમમાં એટલા જ લોકપ્રિય છે. આ જ કારણથી વિધાનસભા ચૂંટણીમાં તેમને સતત પ્રતારમાં રહેવાનો વખત આવતો નથી. કોઈ વિશેષ પ્રચાર વિના પણ લોકો તેમને જ વોટ આપે છે. નડિયાદ પાલિકામાં 2015માં એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી. આ વખતે પણ તેનું પુનરાવર્તન થાય તેમ લાગે છે.
આણંદમાં વિજય માસ્તર, પ્રજ્ઞેશ પટેલ, હિમેશ પટેલ, જનક પટેલ, શ્વેતલ પટેલ વિના ભાજપ જીતી શકે ખરો?