અલ્લાઉદ્દીન ખીલજીનો સજાતીય પ્રેમી મનાતો ગુલામ મલિક કાફૂર મૂળ ખંભાતનો હતો

અલ્લાઉદ્દીન ખીલજીનો સજાતીય પ્રેમી મનાતો ગુલામ મલિક કાફૂર મૂળ ખંભાતનો હતો

ખંભાત પર ચઢાઈ કરી તે વખતે માલેતુજાર ખ્વાજાનો એક ગુલામ ઝનૂનપૂર્વક લડી રહ્યો હતો, હુમલાખોર નુસરતખાને ગમે તેમ કરીને આ ગુલામને પકડ્યો અને દિલ્હી ગઈ ગયો હતોઃ દિલ્હીમાં ગુલામની સોંપણી અલ્લાઉદ્દીનને કરવામાં આવી હતી

 

નવીન મેકવાન

 

બે વર્ષ અગાઉ આવેલી ‘પદ્માવત’ ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીના એક ખાસ ગુલામનું પાત્ર દર્શાવાયું છે. આ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ઘરાવતી ફિલ્મ છે. ફિલ્મમાં દર્શાવાયેલા દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીની જેમ તેનો  ગુલામ પણ ઐતિહાસિક હતો. ઇતિહાસ સાક્ષી છે કે અલાઉદ્દીનના વફાદાર યોદ્ધા તરીકે તેણે અનેક યુદ્ધો જીત્યાં હતાં. પણ એ કયાંનો હતો? આ ગુલામ અલાઉદ્દીન ખિલજી સાથે ભારતમાં આવેલો?  અલાઉદ્દીન ખિલજીની જેમ એ અફઘાન હતો? શું એ ગુજરાતી હતો? મરાઠા હતો? રશિયન હતો? કે આફ્રિકાનો ગુલામ હતો? એના વિશે ઇતિહાસમાં ઘણી વાતો પ્રચલિત છે, પરંતુ એક બાબત પર ઇતિહાસકારો એકમત છે કે ઇતિહાસનો આ ગુલામ ચરોતરમાં રહેતો હતો. એથી આગળ જઇએ તો આ ગુલામ ખંભાતનો જ હતો! અલાઉદ્દીન ખિલજીના આ ગુલામનું નામ મલિક કાફૂર હતું.

ઇતિહાસકારો, વિશેષ કરીને 14મી સદીના ભારતીય ઇતિહાસકાર અને કવિ અબ્દુલ મલિક ઇસામી લખે છે કે તે મૂળે હિન્દુ અને મરાઠા હતો. એણે પાછળથી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. રાજકીય કાવાદાવા અને વહિવટની આંટીઘૂંટીનો જાણકાર બાહુબલી યોદ્ધા હતો. તે દેખાવે સુંદર અને ગોરો હોવાથી ઘણાં ઇતિહાસકારો માને છે કે તેના પૂર્વજો રશિયન હતા. પણ મલિક કાફૂરના પૂર્વજો રશિયાથી ખંભાતમાં કેવી રીતે આવ્યા હતા તેની કોઇ માહિતી મળતી નથી. પણ ઇતિહાસકારોનું કહેવું કે તે હિન્દુ અને મરાઠા હતો તે વાત સાચી જણાય છે.

આમ તો મોટાભાગના ઇતિહાસકારો માને છે કે અલાઉદ્દીન પોતે પણ મૂળ તુર્ક નહોતો કે અફઘાન પણ નહતો. એમ મનાય છે કે તેના પૂર્વજો મધ્‍્ય એશિયાથી અફઘાનિસ્તાનમાં આવીને વસેલા. તે“તુર્કમાન”  ગણાતો. તુર્કમાન એટલે “તુર્ક જેવા”, પણ તુર્ક નહીં. તેમનું સ્થાન તુર્કોમાં ગણાતું નહોતું. આ વંશને તેઓ અફઘાનિસ્તાનમાં આવીને વસેલા હોવાથી પશ્તુનોમાં પણ તેમને લેખામાં લેવામાં આવતા નથી. આમ, ખિલજી મૂળ કોણ હતો તે પણ નક્કી થઇ શક્યું નથી. ખિલજીઓને તુર્ક, પશ્તુન અને તાજિકોથી અલગ તારવવામાં આવે છે. ખિલજી વંશ ખલજી તરીકે પણ ઓળખાતો હતો.

અલાઉદ્દીન ‍‍ખીલજી તે વખતના દિલ્હીના સુલતાન જલાલ-ઉ-દિનનો ભત્રીજો અને જમાઈ હતો. ઇ.સ. 1296માં તેણે દક્ષિણ ભારત અને દેવગિરી પર હુમલો કર્યો હતો. દેવગિરી તે સમયે મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની હતી. આ હુમલા દક્ષિણને જીતીને તેણે તેમનો ખજાનો લૂંટી લીધો હતો. તે પછી અલાઉદ્દીન ‍‍ખીલજી દિલ્હી પરત ફર્યો. આ દરમિયાન સુલતાન જલાલ-ઉ-દિન બુઢ્ઢો થઇ ગયો હતો અને સલ્તનત પર તેની પક્કડ નબળી પડી હતી. તેથી લાગ જોઇને અલ્લાઉદ્દીને તેની હત્યા કરી અને પોતે સુલતાન તરીકે સત્તા સંભાળી હતી. સત્તા સંભાળતાની સાથે તેણે તેના ભારતીય મૂળના મુસ્લિમ સાથીઓ અને ગુલામોની નિમણૂક મહત્વના હોદ્દાઓ પર કરી. જેમાં ઝફર ખાનને યુદ્ધ પ્રધાન, નુસરત ખાનને દિલ્હીના વઝીર, આયન અલ મુલ્ક મુલ્તાની અને મલિક કફુરને મોટી જવાબદારી સોંપી. આ બઘા જ બિન-તુર્ક હતા, જેના પરિણામે ભારતમાં મુસ્લિમ સત્તાનો ઉદભવ થયો.

મલિક કાફૂર અલાઉદ્દીન ‍‍ખીલજીના લશ્કરમાં કેવી રીતે આવ્યો એની કહાણી રસપ્રદ છે. અલાઉદ્દીન ‍‍ખીલજીએ માળવાના પરમારો પર જીત મેળવીને દિલ્હીના વઝીર નુસરત ખાનને ગુજરાત જીતવા માટે મોકલ્યો. નુસરત ખાને તે વખતના ગુજરાતના સોલંકી રાજાને પરાજિત કર્યા. નુસરત ખાને અહીંના મુખ્ય શહેરોની લૂંટ ચલાવી અને મંદિરો તોડ્યાં. તેણે 12મી સદીમાં ફરીથી બનાવવામાં આવેલું સોમનાથનું પ્રખ્યાત મંદિર લૂંટયું. ત્યાંથી નુસરત ખાન બંદર તરીકે વિશ્વ વિખ્યાત બનેલા ખંભાતને જીતવા ગયો. આ  યુદ્ઘ ઇ.સ. 1299માં ખેલાયું હતું. યુદ્ધ દરમિયાન નુસરત ખાનને ખંભાતના માલેતુજાર ખ્વાજાના ગુલામ વિશે જાણવા મળ્યું કે આ ગુલામ યુદ્ઘકુશળ સૈનિક છે. યુદ્ધ્ વેળા આ ગુલામ ઝનૂનપૂર્વક લડી રહ્યો છે. અને નુસરત ખાનની સેનાનો કચ્ચરઘાણ વાળી રહ્યો છે, એવા ખબર નુસરત ખાનને મળ્યા એટલે સમગ્ર લશ્કર એ ગુલામને પકડવા કામે લગાડયું. અંતે તેને ઝબ્બે કર્યો. આ ગુલામ તે મલિક કાફૂર.

નુસરત ખાને મલિક કાફુરને પકડ્યા પછી તેને એ દિલ્હી લઇ ગયો હતો. મલિક કાફૂર આકર્ષક શારીરિક સૌષ્ઠવ ધરાવતો હિજડો હતો એટલે, તેણે તેને અલાઉદ્દીન ખિલજીને ભેટ ધર્યો હતો. બીજી બાજુ એમ પણ કહેવાય છે કે નુસરત ખાને મલિક કાફૂરને ખંભાતના ખ્વાજા પાસેથી તેની સુંદરતા અને વહીવટી તેમજ યુદ્ધ્‍ કૌશલ્ય જાણીને એક હજાર દીનારમાં ખરીદ્યો હતો. જેથી તેને “હજાર દીનારી” તરીકે પણ ઓળખવામાં આવે છે. બર્બર-મોરોક્કન મુસ્લિમ વિદ્વાન અને સંશોધક ઇબ્ન બટુટા મલિક કાફૂર વિશેની આ વાતનું સમર્થન કરે છે. તેમનું કહેવું છે કે મલિક કાફૂરનું ઉપનામ અલ-અલ્ફી હતું. અરબીમાં તેનો અર્થ હજાર દીનારી થાય છે.

ઇતિહાસકાર ઝિયાઉદ્દીન બરાની કહે છે કે અલાઉદ્દીન ‍‍ખીલજીએ તમામ શિષ્ટાચાર ફગાવી દરબારમાં મહિલાઓના પરિધાનમા બેસતો અને તેના દરબારીઓ અને ચમચાઓને નગ્ન હાલતમાં બેસવાનું ફરમાન કરતો. તેમના વસ્ત્રોને અશુદ્ઘ કરી બગાડી નાખતો હતો. આ સંદર્ભમાં એક વાયકા એવી પણ પ્રચલિત છે કે અલાઉદ્દીન ખિલજીએ મલિક કાફૂરની સુંદરતા અને શરીર સૌષ્ઠવને જોઈ તેની ખસી કરીને હિજડો બનાવી પોતાની પાસે રાખ્યો હતો. 14મી સદીના ભારતીય ઇતિહાસકાર અબ્દુલ મલિક ઇસામીના મતે, અલાઉદ્દીને કાફુરનો માનીતો હતો કારણ કે “તેની સલાહ હંમેશા પ્રસંગને અનુરુપ અને યોગ્ય સાબિત થતી.”

અલાઉદ્દીને દિલ્હી સલ્તનતનું દક્ષિણ ભારતમાં વિસ્તરણ ચાલુ રાખ્યું હતું, જેમાં મલિક કાફુર અને ખુસરા ખાન જેવા સેનાપતિઓની મદદથી તેણે પરાજિત રાજ્યોમાં ભારે લૂંટ ચલાવી હતી. તેના સેનાપતિઓએ જીતી ગયેલા રજવાડાઓમાંથી યુદ્ધની લૂંટ એકઠી કરી હતી અને સુલતાનની તિજોરીમાં એ યુદ્ધ દરમિયાન એકત્રિત કરેલા લૂંટનો પાંચમો ભાગ જમા કરાવ્યો હતો. એ કારણે  ‍‍ખિલજી શાસન ભારતમાં મજબૂત બન્યું હતું.

અલાઉદ્દીનના શાસનમાં મલિક કાફુર તેની એક મજબૂત સલાહકાર અને લશ્કરી કમાન્ડર તરીકેની ક્ષમતાને કારણે ઝડપથી ઉંચા હોદ્દાઓ ઉપર પહોંચી ગયો હતો. 1306 સુધીમાં, કાફુર બાર્બેગ એટલે કે રાજા અથવા ઉમરાવના મહેલનું સફળ સંચાલન કરનાર વહીવટદાર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. સાથેસાથે તેને લશ્કરી કમાન્ડર તરીકેની જવાબદારી પણ સાંપવામાં આવી હતી.

કોહ-એ-નૂર( કોહિનૂર) હીરાને સેનાપતિ મલિક કાફૂરની સેનાએ ઇ.સ. 1310માં વારંગલના કકટિયા રાજવંશ પાસેથી યુદ્ધ દરમિયાન કરવામાં આવેલી કત્લેઆમ અને લૂંટ દરમિયાન જપ્ત કર્યો હતો. આથી અલાઉદ્દીન કાફૂર પર ખૂબ ખુશ થયો હતો. કાફુરને 1299માં નુસરત ખાન દ્વારા ખંભાતથી કબજે કરવામાં આવ્યો હતો. નુસરત ખાને તેને અલાદ્દીનને હવાલે સોંપ્યો તે પછી અલાઉદ્દીનનું મન તેની પર વારી ગયું હતું. બંને વચ્ચે ભારે શારીરિક આકર્ષણ અને લાગણીના સંબંઘ વિકસ્યા હતા. તેના શાસનકાળ દરમિયાન અને તેની માંદગી અગાઉ પણ, અલાઉદ્દીનને કાફુર પ્રત્યે શારીરિક આકર્ષણ જાગ્યું હતું. કાફૂર અલાઉદ્દીનના અન્ય મિત્રો અને સહાયકો કરતાં તે અલગ હતો. તેના મનમાં કાફુર માટે ખૂબ માન અને સૌથી ઉંચું  સ્થાન હતું.

અલાઉદ્દીન બીમાર હતો તે સમયના સંદર્ભમાં ઇતિહાસકાર ઝિયાઉદ્દીન બરાની કહે છે: “તે ચાર-પાંચ વર્ષોમાં જ્યારે સુલતાન તેની યાદશક્તિ અને સુધબુધ ગુમાવી રહ્યો હતો, ત્યારે મલિક કાફૂરના પ્રેમમાં પાગલ બની ગયો હતો. તેણે રાજ્યનો વહીવટ અને જવાબદારી તથા સેવકો પરની દેખરેખનું કામ આ નકામા, કૃતઘ્ની,  અને સૃ‍ષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર ગુંડા (સોડોમાઇટ)ને સોંપ્યું હતું.”

બરાનીના આ વર્ણનને આધારે  ઇતિહાસના વિદ્વાનો- રુથ વનિતા અને સલીમ કીડવાઈ માને છે કે અલાઉદ્દીન અને કાફુર સમલૈંગિક સંબંધ ધરાવતા હતા. અન્ય ઇતિહાસકારો અને વિદ્વાનો પણ માને છે કે અલાઉદ્દીન અને કાફુર જાતીય સંબંધ હતા. જોકે, ઇતિહાસકાર બનારસી પ્રસાદ સકસેના સ્પષ્ટ કરે છે કે અલાઉદ્દીન તેમના શાસનના છેલ્લા વર્ષો દરમિયાન કાફુરથી પ્રભાવિત થયો હતો, પરંતુ  બંને વચ્ચેની નિકટતા જાતીય નહોતી એમ તેમનું કહેવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!