ચરોતરમાં ઘણાં ગામો અત્યારે આધુનિક નગરો બની ગયાં છે અને પૌરાણિક જાહોજલાલી સાચવીને બેઠાં છે. જોકે, કેટલાંક ગામ એવાં છે જ કાળની થપાટોમાં દટાઈ ગયાં છે. ખીજલપુર આવું જ એક ગામ છે. ખીજલપુર કે જેને ઘણાં લોકો પોર પણ કહે છે તે ગામ ઠાસરા તાલુકામાં થામણા નજીક ડાકોરથી અઢી ગાઉ છેટે શેઢી નદીના ઉત્તર તરફને કિનારે ટેકરા પર આવેલું છે. આ ગામ એક મોટો ભવ્ય ઈતિહાસ સાચવીને બેઠું છે. મૂળ ખીજલપુર ગામ ખીલેલસેન નામના રાજાએ વસાવ્યું હોવાનું કહેવાય છે. પુરાતનકાળમાં તેને ખલદનગર, ખીજલપુર, જલદપરી અને ખલકેશ્વર નામથી ઓળખાવાતું હતું. ખીજલપુર એટલે કે પોર ગામ સામાન્ય નજરથી જોઈએ તો સીધુંસાદું ગામ લાગે પણ, તેના ટેકરા પર ચઢીને જોઈએ તો સમજાય કે એક વખતે અહીં પુરાતન નગર વસતું હશે.
