ટીન એજ બાળકોને સ્માર્ટ ફોન આપતાં પહેલાં વિચારજો, બોરસદની છોકરીનો અર્ધનગ્ન વિડિયો પ્રેમીએ ઈન્સ્ટાગ્રામ પર ચઢાવી દીધો

ટીન એજ બાળકોને સ્માર્ટ ફોન આપતાં પહેલાં વિચારજો, બોરસદની છોકરીનો અર્ધનગ્ન વિડિયો પ્રેમીએ ઈન્સ્ટાગ્રામ પર ચઢાવી દીધો

મોટી શેરડી ગામની બારમા ધોરણમાં ભણતી કિશોરી પોતાના પ્રેમીએ જ કરેલા કારસ્તાનથી દુઃખી થઈને ઘરમાંથી ભાગી નીકળીઃ ચિઠ્ઠીમાં મરવાની વાત લખીને ખેડૂત પરિવારમાં તોફાન મચાવી દીધું

 

ભાદરણ

 

ડિજિટલ અને સોશિયલ મિડિયાનો દુરુપયોગ કેવી રીતે થાય છે તેનો ચોંકાવનારો કિસ્સો ચરોતરમાં બન્યો છે. ખાસ કરીને, આ મિડિયા જ્યારે કિશોર વયના કે અણસમજુ લોકોના હાથમાં આવે ત્યારે શું સ્થિતિ બનતી હોય છે તે આ ઘટનામાંથી જાણવા મળે છે. તેમાં પણ પોતાના જ લોકો દ્વારા આવું ગંદુ કામ થતું હોય ત્યારે ખુદ પોલીસ પણ અચંબિત થઈ જતી હોય છે અને આવા કેસમાં શું કરવું તેની મૂંઝવણ અનુભવતી રહે છે.

બોરસદ તાલુકાના મોટી શેરડીના મોરિયાવગો સીમ વિસ્તારમાં રહેતા 58 વર્ષના એક ખેડૂતની કિશોર વયની દીકરી સાથે આ અણછાજતો બનાવ બન્યો છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ કેસમાં જેની સાથે લગ્ન થવાનાં હતાં તે ભાવિ પતિએ જ આ હલકટ કામ કર્યું છે. પોલીસ ફરિયાદ પ્રમાણે આ ખેડૂતને છ બાળકો છે. સૌથી મોટો દીકરો અને તેનાથી નાનો પરિણિત છે. બીજો એક દીકરો કુંવારો છે અને છૂટક મજૂરી કરે છે. તેનાથી એક નાની દીકરીને ભાવનગરના વલ્લભીપુરના માલાપુરા ગામે અને બીજીને બોટાદમાં પરણાવી છે.

સૌથી નાની દીકરી 12મા ધોરણમાં ભણે છે અને તેની ઉંમર 17 વર્ષ ચાર માસની છે. આ દીકરી પાસે સ્માર્ટ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન છે. આ કિશોરીને ભાવનગરના બોટાદ તાલુકના અળઉ ગામના ભગીરથસિંહ રણજિતસિંહ ચૌહાણ નામના છોકરા સાથે આંખ મળી ગઈ હતી. ફરિયાદમાં પિતાએ લખાવ્યું છે કે આ દીકરીનું લગ્ન તે આ છોકરા સાથે કરાવી આપવા માગતા હતા પણ દીકરીની ઉંમર કાચી હોવાથી તેમજ તે બારમા ધોરણમાં ભણતી હોવાથી સગપણ પછીથી કરીશું એમ તેઓ વિચારતા હતા.

આશરે ત્રણ ચાર માસ અગાઉ રાતના સમયે આખો પરિવાર સૂઈ રહ્યો હતો ત્યારે આ ખેડૂત મોભી રાતે પાણી પીવા માટે ઉઠ્યા હતા. એ વખતે રાતે બે વાગ્યે તેમની દીકરી કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી. દીકરીએ માથા પર ગોદડી ઓઢી રાખી હતી અને ફોન પર ઘુસરપુસર કરી રહી હતી. ખેડૂત મોભીએ રાતે જ દીકરીને બરાબરની ખખડાવી હતી અને કોની સાથે વાત કરી રહી છે તે પૂછ્યું હતું. દીકરીએ પિતાને કહ્યું હતું કે, તે ભગીરથ સાથે વાત કરતી હતી.

તેના પિતા આ વાતથી ગુસ્સે થયા હતા અને તેમણે તેની પાસેથી ફોન ખૂંચવી લીધો હતો.

રાતની ઘટના પછી બીજા દિવસે સવારે કિશોરી બહાર ટોઈલેટ કરવા જાઉં છું તેમ કહીને ઘરમાંથી નીકળી હતી અને પાછી આવી નહોતી. દરમિયાન આ ખેડૂતના દીકરા પર એક વિડિયો આવ્યો હતો. આ વિડિયો તેની નાની બહેનનો હતો જે ભગીરથ સાથે પ્રેમમાં હતી અને ટોઈલેટનું બહાનું કાઢીને ઘરમાંથી જતી રહી હતી. વિડિયો પોતાની બહેનનો હતો અને તે જોઈ ન શકાય તેવો હતો. દીકરીનો અર્ધનગ્ન વિડિયો જોઈને આખો પરિવાર હતપ્રભ બની ગયો હતો.

શુક્રવારે આ ઘટના બની તે પછી એ કિશોરી હજુ પાછી ઘરે ન આવતાં તેના પિતાએ પોલીસમાં આખી વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. આખો દિવસ કિશોરીને શોધવા માટે પ્રયાસ કરાયો હતો પણ તે મળી નહોતી. સૌથી મોટી અને ચોંકાવનારી વાત એ હતી કે આ કિશોરીએ એક ચિઠ્ઠી લખીને ઘરમાં મૂકી હતી. તેમાં લખ્યું હતું: “અને હા મરતાં, મરતાં હું ખોટું નથી બોલતી, મેં ભગીરથ સિવાય બીજા કોઈને પણ મારું શરીર બતાવ્યું નથી. એની પાસે જ મારો વિડીયો હતો. તે બીજા નંબર પરથી મારા ઘરના, ફ્રેન્ડને એ બધાને વિડીયો મોકલે છે. જેથી કોઈ બીજાના માથે ના પડશો પ્લીઝ. આ વાત બીજાના માથે પડેને એટલે મારે મરવું પડ્યું.”

એવું કહેવાય છે કે ભાવિ પતિએ આ રીતે પોતાનો વિડિયો બનાવીને તેને લોકોમાં ફેરવી દીધો તેનાથી આ કિશોરી એકદમ નાસીપાસ થઈ ગઈ હતી. વોટ્સ એપ પરથી બધાં લોકોને મોકલાયેલો આ વિડિયો ભગીરથે ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ચઢાવી દીધો હોવાનું બહાર આવ્યું છે. ભાદરણ પોલીસે આ ઘટનાની ફરિયાદ નોંધીને ભગીરથસિંહ રણજિતસિંહ ચૌહાણ સામે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!