સપનાનું ઘર મેળવવા માટે ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકોને અરજી કરવાનો સમય પૂરો થવાની તૈયારીમાં છેઃ જે લોકોએ અરજી કરી નથી, લાભ મેળવ્યો નથી તેમણે આ સાઈટ પર જઈને સત્તાવાર ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે
નવી દિલ્હી
કેન્દ્ર સરકારની ગરીબો માટેની વિવિધ યોજનાઓમાં એક એવી સ્કીમ પણ છે જેમાં તમને ઘરનું ઘર તો મળી જ શકે છે પણ તેની સાથે તમને મસમોટું ડિસ્કાઉન્ટ પણ મળી શકે તેમ છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના(PM આવાસ યોજના) અંતર્ગત આ પ્રકારના લાભ ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના પરિવારને મળી શકે છે. જે લોકોને પોતાનું સપનાંનું ઘર સજાવવું હોય તેમને માટે આ સ્કીમ છે. સામાન્ય રીતે, કોમન મેનને જિંદગીમાં પોતાનું એક ઘર હોય તેવું સપનું હોય છે. પણ આ ઘર જ તેને માટે એટલા માટે સપનાંનું હોય છે કેમકે, તે અત્યંત મોંઘું પડે છે. તેની પાસે લાખો રૂપિયા હોતા નથી. માંડ ઘરનું ગુજરાન ચાલતું હોય ત્યાં આ રીતે મકાન કેવી રીતે લેવાય?
જોકે, કેન્દ્ર સરકારની એક એવી યોજના છે જેમાં તમને તમારું પોતાનું મકાન મળી શકે છે. આ મકાન બેન્કમાંથી મળતી લોન પર મળે છે પણ તેમાં તમને કેટલુંક ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે. પહેલીવાર દેશમાં જે લોકો CLSS એટલે કે ક્રેડિટ લિંન્ક્ડ સબસિડી સ્કીમ હેઠળ મકાન ખરીદે છે તેમને મોટું ડિસ્કાઉન્ટ અપાય રહ્યું છે. જે વ્યક્તિને આ સ્કીમ હેઠળ લાભ જોઈએ છે તેને મેક્સિમમ રૂપિયા 2.67 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે.
રિપોર્ટ પ્રમાણે, આ સ્કીમ 31 માર્ચ 2021 સુધી ઉપલબ્ધ છે. જે લોકોએ મકાન લેવાનું છે તેમના માટે બહુ થોડો સમય બચી ગયો છે. આ સ્કીમની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 8,32,000 લોકોએ મકાન ખરીદ્યું છે અને આ તમામ લોકોને રૂપિયા 20,983 કરોડની સબસિડી આપવામાં આવી છે.
જે લોકોએ મકાન માટે અરજી કરવી છે તેમને માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે. સત્તાવાર સરકારી સાઈટ પર જઈને આવા લોકો એપ્લાય કરી શકે છે. પણ ધ્યાન રાખવાનું છે કે કોઈ બોગસ સાઈટ પર જઈને તમે નામ તો રજિસ્ટર કરાવતા નથીને. કેમકે, ભૂતકાળમાં એવું બન્યું છે કે કેટલાક લેભાગુઓએ આ રીતે લોકો પાસેથી પૈસા પડાવી લીધા છે.
જે લોકો ઓનલાઈન એપ્લાય કરે છે તેમણે પોતાનું માન્ય આધાર કાર્ડ આ સાથે જોડવાનું રહે છે. કોમન સર્વિસ સેન્ટર(CSC) મારફતે પણ આ ફોર્મ તમને મળી શકે છે. તેના માટે રૂપિયા 25(વત્તા જીએસટી)આપવાના રહે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કોણ એલિજિબલ બની શકે છે
-ઈકોનોમિકલી વીકર સેક્સન(EWS): જેમની વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખ સુધીની છે.
લો ઈનકમ ગ્રૂપ(LIG): જેમની વાર્ષિક આવક રૂપિયા 3 લાખથી 6 લાખ સુધીની છે.
મિડલ ઈનકમ ગ્રૂપ(MIG1): રૂપિયા 6 લાખથી રૂપિયા 12 લાખ સુધીની વાર્ષિક આવક.
મિડલ ઈનકમ ગ્રૂપ(MIG2): જેમની વાર્ષિક આવક રૂપિયા 12 લાખથી રૂપિયા 18 લાખ સુધીની છે.
પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ, ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોને તેમનું પોતાનું મકાન બને તે માટે કેટલીક સુવિધાઓ અપાતી હોય છે. કેન્દ્ર સરકારે આ માટે મોબાઈલ એપ તૈયાર કરી છે. આ એપમાં તમામ માહિતી આપવામાં આવેલી છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકાય છે.
આ એપ ડાઉનલોડ કર્યા પછી, તમારે લોન ઈન કરવાનું રહે છે. એક વાર લોગ ઈન કરશો એટલે તમારી સામે ફોર્મ ખુલી જશે. આ ફોર્મ તમારે ભરવાનું રહે છે. તેમાં તમામ વિગતો આપવાની હોય છે. પ્રધાન મંત્રી આવાસ યોજના-G હેઠળ તમે એપ્લાય કરો પછી, કેન્દ્ર સરકાર કોને લાભ મળી શકે છે તે નક્કી કરે છે. સરકાર નક્કી કરે તે પછી લાભાર્થીઓની યાદી સરકારી વેબસાઈટ પર પ્રકાશિત થાય છે.
પ્રધાન મંત્રી હાઉસિંગ સ્કીમમાં કયા લાભ મળી શકે?
પ્રધાન મંત્રી આવાસ યોજના-ગ્રામીણ યોજના અંતર્ગત તમને છ લાખ રૂપિયાની લોન વાર્ષિક છ ટકાના વ્યાજ દરે બેન્કમાંથી મળે છે. જો તમારે એનાથી વધારે રૂપિયાનું મકાન બનાવવું હોય તો, વધુ લોન લેવી પડે છે. આ સ્થિતિમાં, બાકીની વધારાની લોન તમારે બજારમાં જે વ્યાજ દર ચાલે છે તે પ્રમાણે લેવાની રહે છે. જે પ્રમાણે તમે લોન લો તે પ્રમાણે બેન્ક તમને માસિક હપ્તા(EMI)બાંધી આપે છે.
આ માટે તમારે સરકારની PMAY માટેની વેબસાઈટ https://pmayis.gov.in/ પર જઈને ક્લીક કરવાનું હોય છે. તમે આ લિંક પર ક્લીક કરો પછી, તમારે તમને જે પ્રમાણે મકાન લેવાનું હોય તેના પર જે લાભ મળે તે જોઈ લેવાના છે. આ વેબસાઈટ પર તમને જે લોકોને આ યોજનાનો લાભ મળ્યો છે તેમનાં નામ પણ જોઈ શકો છો. તમે આ સાઈટ પર જઈને તમારું નામ પણ લખી શકો છો. તમારી આવક પ્રમાણે તમને એ લાભ મળી શકે છે.