જો આ બનાવ તમારી આંખો ખોલી ના શકતો હોય તો તમને હવે ઈશ્વર પણ નહીં બચાવી શકેઃ કેનેડા લઈ જવાના બહાને આણંદ-મહેસાણાના પાંચ પટેલ યુવકોને મેંગલોરમાં બંદુકની અણીએ ગોંધી રખાયા

જો આ બનાવ તમારી આંખો ખોલી ના શકતો હોય તો તમને હવે ઈશ્વર પણ નહીં બચાવી શકેઃ કેનેડા લઈ જવાના બહાને આણંદ-મહેસાણાના પાંચ પટેલ યુવકોને મેંગલોરમાં બંદુકની અણીએ ગોંધી રખાયા

વિદેશ જવાના ચક્કરમાં ગુજરાતી યુવકો ઠગાયા હોવાના ઈતિહાસમાં વધુ એક પ્રકરણ ઉમેરાયું: પાંચેય યુવકોને દિલ્હીના ઠગોએ રૂપિયા 1.79 કરોડમાં ખતરનાક રીતે ખંખેરી લીધા, બંદુક-ચપ્પાં બતાવીને પરિવારો પાસેથી રીતરસની ખંડણી ઉઘરાવી

 

આણંદ

 

આણંદ અને મહેસાણાના પાંચ પટેલ યુવકોને કેનેડા લઈ જવાના કેસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. કિંખલોડના ભાવિન પટેલ અને અર્પિત પટેલે તેમની સાથે થયેલી છેતરપિંડીના કેસમાં સિલસિલાબંધ ખુલાસો કર્યો છે જેનાથી હાહાકાર મચી ગયો છે. ચરોતરમાં વિદેશ લઈ જવાના કેસમાં વર્ષોથી છેતરાતા આવેલા યુવકો જો આ ઘટનાથી પણ નહીં ચેતી જાય તો હવેથી તેમને બચાવનાર કોઈ નહીં હોય તેવું લાગી રહ્યું છે. આ કેસમાં તો વિદેશ લઈ જવાના ઓથા હેઠળ ભારતમાં જ મોંઘી હોટેલોમાં રાખીને તેમને અંતે ધામધમકી આપ્યા પછી આરોપીઓએ નસીબના હવાલે છોડી દીધા છે.

અર્પિત પટેલ અને ભાવિન પટેલે નવેમ્બર મહિનામાં કેનેડા જવા માટે તૈયારી કરી હતી. એ લોકો અમદાવાદથી જયપુર ગયા હતા. જયપુરમાં બંનેને પાંચ દિવસ સુધી લકઝરી લાઈફ સાથે રખાયા હતા. તેમને લેવા માટે બે જણા એરપોર્ટ પર આવ્યા હતા. આ લોકોએ જયપુરમાં મોટાં મોટાં મંદિરોની મુલાકાત પણ બંને યુવકોની કરાવી હતી. ભાવિન અને અર્પિતને વિશ્વાસ બેસી જાય તે માટે એ લોકોએ તમામ પ્રયાસો કર્યા હતા. બંનેને સારામાં સારું ખાવાનું પણ અપાતું હતું.

પાંચ દિવસ જયપુરમાં રોકાયા પછી તેમને મેંગલોર લઈ જવાયા હતા. મેંગલોરમાં એક હોટેલમાં તેમને ઉતારો અપાયો હતો. મેંગલોરથી જ કેનેડાની ફ્લાઈટ જશે તેમ કહીને અર્પિત અને ભાવિન તેમજ મહેસાણાના નિલય દિનેશ પટેલ, લવકુમાર તુલસીકુમાર પટેલ અને જયકુમાર કનુ પટેલને પણ એ જ રૂમમાં રાખ્યા હતા.

એ લોકોને કહેવામાં આવ્યું કે,  તેમણે એક દિવસ હોટલમાં રોકાવવાનું છે અને કાલે કેનેડા જતી ફ્લાઈટમાં બેસી જવાનું છે. તેઓ જેને હોટલ કહેતા હતા એ તો હકીકતમાં એક જર્જરિત મકાન હતું. આ પાંચેય યુવકો જ્યારે કહેવાતી હોટલના રૂમમાં પહોંચ્યા ત્યારે ત્યાં સંપૂર્ણ અઁધકાર હતો. માંડ દસ બાય દસની એ રૂમ હતી.

તે પછી અચાનક એ પાંચેય જણના હાથપગ બાંધી દેવામાં આવ્યા હતા. રૂમને બહારથી તાળું મારી દેવાયું હતું. બીજા દિવસે પાંચથી છ જણાં બંદુક, ચપ્પાં સહિતના મારક હથિયારો સાથે રૂમમાં પ્રવેશ્યા હતા. એ જ વખતે આ પાંચેય જણને અંદાજ આવી ગયો હતો કે તેઓ છેતરાઈ ગયા છે અને હવે અહીંથી જીવતા બચી શકે તેમ નથી.

હથિયારો સાથે આવેલા ગુંડાઓ હિન્દી બોલતા હતા. ત્યારબાદ તેમના માથે બંદુક રાખીને તેમની પાસે વ્હોટ્સ એપ કોલ કરાવવામાં આવ્યો હતો. વ્હોટ્સ એપ કોલથી તેમના પરિવારજનો સાથે વાત કરાવવામાં આવી હતી કે, તેઓ સારી રીતે કેનેડા પહોંચી ગયા છે. ધીમે-ધીમે આ પાંચેયને અણસાર આવી ગયો હતો કે, તેમની સાથે શું બની રહ્યું છે.  દિલ્હીના આ હરામખોરોએ ધીમે-ધીમે  કરીને અર્પિત અને ભાવિનના પરિવારજનો પાસેથી 40-40 લાખ એમ કુલ 80 લાખ રૂપિયા પડાવી લીધા હતા. 35 દિવસ સુધી તેમને  રૂમમાં ગોંધી રાખ્યા હતા. એક સમયે તેમને એમ લાગ્યું હતું કે, હવે તેઓ જીવતા ઘરે જઈ શકશે નહીં. જોકે, પૈસા પૂરેપૂરા મળી ગયા પછી એ લોકોએ મેંગલોરથી ફ્લાઈટની ટિકિટ કરાવીને તેમને પહેરેલા કપડે ઘરે મોકલી દીધા હતા.

ગુંડાઓએ તેમની પાસેથી ત્રણ-ત્રણ હજાર ડોલર અને તમામ કપડાં પણ લઈ લીધાં હતાં. વિદેશ જવા માટે પાંચેય જણાંએ નવાં કપડાં ખરીદ્યા હતાં. વધુમાં વિદેશમાં ડોલરની જરૂરી પડશે તેમ માનીને તેમણે પોતાની પાસે ત્રણ-ત્રણ હજાર ડોલર પણ સાથે રાખ્યા હતા. ભાવિન અને અર્પિતના ખેડૂત પરિવારે તો ઉછીના-પાછીના કરીને આ પૈસા મેળવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વડતાલ બસ સ્ટેન્ડની સામે રહેતા અને બાકરોલ સ્ક્વેર બિલ્ડિંહમાં ઓફિસ ધરાવતા 36 વર્ષીય ઈશ્વરભાઈ માંગીલાલ પ્રજાપતિ કમિશન પર વિદેશ મોકલવાનું કામ કરે છે. પોલસન રોડ સ્થિત ઝકરિયા હોસ્પિટલ પાછળ મહંમદ રફીક મહંમદ સલીમ શેખ સાથે તેમની મિત્રતા છે. બે વર્ષ પહેલાં બંને મિત્રો દિલ્હી ગયા હતા અને પહાડગંજ હોટલમાં રોકાયા હતા. ત્યાં તેમનો પરિચય મહંમદ અફાક ઉર્ફે અસ્ફાક મહંમદ નિઝામ તથા સુમન ઉર્ફે સુનીલ શિવકુમાર કેજરીવાલ સાથે થયો હતો.

આ લોકોએ અમેરિકા તથા કેનેડાના વિઝાનું કામ કરતા હોવાનું તેમજ એમ્બેસીમાં મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનું કહ્યું હતું. એક મહિનામાં અમેરિકા અને કેનેડા મોકલી આપવાનું તેમણે જણાવ્યું હતું. ઈશ્વરભાઈ પ્રજાપતિ કીખલોડ ગામે રહેતા ભાવિન સુભાષ પટેલ તથા અર્પિત જગદીશ પટેલને કેનેડા મોકલવા માટે લઈને આવ્યા હતા. ઈશ્વરભાઈએ અફાકને કહી એટલે બંનેને પાસપોર્ટ અને કાગળિયા લઈ ગત દસ નવેમ્બર, 2020ના રોજ જયપુર બોલાવ્યા હતા અને ત્યાંથી પાંચ દિવસ પછી તેમને મેંગલોર લઈ ગયા અને ત્યાંથી 18મીના રોજ તેમને કેનેડા ઉતારી દીધા અને ત્યાંના નંબરથી પરિવારજનો સાથે વાતચીત કરાવી હતી. તેમણે ચાર તબક્કામાં રૂપિયા 62 લાખ લીધા હતા.

બીજી તરફ મહેસાણાના નિલય દિનેશ પટેલ, લવકુમાર તુલસીકુમાર પટેલ તથા જયકુમાર કનુભાઈ પટેલને અમેરિકા જવું હતું એટલે ઈશ્વરભાઈએ અફાકને વાત કરી હતી. તેમણે 30મી નવેમ્બરના રોજ મેંગ્લોર બોલાવી લીધા હતા અને તેમને અમેરિકા મોકલ્યા હતા. બીજી ડિસેમ્બરના રોજ ત્રણેય જણાંએ તેઓ કેનેડા પહોંચી ગયા છે અને બોર્ડર ક્રોસ કરી અમેરિકા પ્રવેશશે તેમ કહ્યું હતું. પાંચમી ડિસેમ્બરે સવારે ત્રણેય જણે ફોન કરીને ઈશ્વરભાઈને ન્યૂયોર્ક પહોંચી ગયા હોવાનું જણાવ્યું હતું. આ લોકોએ ઘરના પરિવારજનો સાથે પણ વાત કરી હતી.

તે પછી નાણાં મોકલો તેમ કહી બંને શખ્સોએ તેમના બેન્ક એકાઉન્ટ અને આંગડિયા મારફતે સુનિલ ઉર્ફે સુમન શીવકુમાર કેજરીવાલ (ભાયંદર,મુંબઈ)ને રૂપિયા 1.09 કરોડ મોકલી આપ્યા હતા. જોકે, આમ છતાંય સુમને પૂરેપૂરા પૈસા આપ્યા નથી તેમ કહીને આ લોકોને કેનેડા-અમેરિકા ન મોકલી ભારત પરત મોકલી આપ્યા હતા. મહેસાણાના ત્રણેય યુવકોએ અમેરિકાના નંબર પરથી ફોન પર વાત કરી તેમને પૂરેપૂરા પૈસા સુમનભાઈને આપી દો તોજ તેમને એરપોર્ટ પરથી આગળ જવા દેશે તેમ જણાવ્યું હતું. જેને પગલે તેમના ઘરેથી મળી કુલ 43 લાખ રૂપિયા મંગાવ્યા હતા. જે જી.કે. આંગડિયા મારફતે બેંગ્લોર રાહુલ નામના વ્યક્તિને મોકલી આપ્યા હતા. પરંતુ સુમને ત્રણેયનું આખું પેમેન્ટ નહીં આવે ત્યાં સુધી આગળ જવા દેવામાં આવશે નહીં તેમ કહ્યું હતું. જેને પગલે 11મી નવેમ્બરે 25 લાખ પુન: આંગડિયામાં મુંબઈના મલાડ ખાતે રહેતા મહેન્દ્ર ઉર્ફે રાજેશને મોકલી આપ્યા હતા. બાદમાં તેમણે પાંચેય મુસાફરોને તેમના ઘરે મોકલી દીધા હતા. દિલ્હીના ભેજાબાંજો દ્વારા પાંચેય યુવકોને વિદેશ લઈ જવામાં આવ્યા જ નહોતા. તેમને ધાક-ધમકી આપીને તેઓ કેનેડા પહોંચી ગયા છે તેમ કહેવાનું દબાણ કરતા તેઓ તેમ કહેતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!