ગુજરાતી દર્દીની લાચારી ન જોઈ શકેલા ડોકટર મુકુંદ ઠાકર USના ન્યૂજર્સીમાં અસંખ્ય વૃદ્ધો માટે ‘શ્રવણ’ બની ગયા!

ગુજરાતી દર્દીની લાચારી ન જોઈ શકેલા ડોકટર મુકુંદ ઠાકર USના ન્યૂજર્સીમાં અસંખ્ય વૃદ્ધો માટે ‘શ્રવણ’ બની ગયા!

જે દિવસે નર્સિંગ હોમને હું ધંધાના સ્થળ તરીકે જોઈશ તે દિવસે હું કાયમ માટે છોડી દઈશ. આવી માન્યતા અને સંકલ્પ સાથે મુકુંદભાઈએ ન્યૂજર્સીમાં આલમેડા નર્સિંગ હોમથી ભારતીય દર્દીઓ માટે અલગ શરૂઆત કરી

 

પ્રા.ચંદ્રકાંત પટેલ

 

1960 પછી અમેરિકામાં ગુજરાતીઓનો પ્રવાહ વધ્યો. ગુજરાતીઓ કમાયા. સંતાનો ઉછેર્યાં, ભણાવ્યાં, ગણાવ્યાં. અહીંનું જીવન સખત હાડમારીયુક્ત. પતિ-પત્ની બંને કામ કરે ત્યારે જીવી શકે. એમને પોતાનાં સંતાનો હોય તેનુંય ધ્યાન રાખવાનું હોય. ઘરડાં મા-બાપ વતનથી આવે કે અહીં રહીને મા-બાપ ઘરડાં થાય ત્યારે અલ્ઝાઈમર(સ્મૃતિલોપ), લકવો, કંપવા, વગેરે દર્દ થાય. ક્યારેક ફ્રેકચર થાય ત્યારે સંતાનો પોતાની પળોજણમાં પડેલાં હોય અને મા-બાપની કાળજી રાખી ના શકે ત્યારે આવાં મા-બાપ ક્યાં રહે? એમને સમયસર દવા આપવાનું, કસરત કરાવવાનું, ખાવા આપવાનું, સંડાસ કે પેશાબ માટે લઈ જવાનું, બગડેલાં કપડાં બદલાવવાનું કોણ કરે?

અમેરિકામાં રહેનાર બધા નાગરિકો આર્થિક રીતે લાચાર નથી. નોકરી-ધંધો કર્યો હોય તો સરકાર એને ભરેલા ટેક્સના પ્રમાણમાં સોશિયલ સિક્યોરિટીની રકમ(પેન્શન)આપે છે. સંતાનોએ વતનમાંથી મા-બાપને બોલાવ્યાં હોય, તેમણે અહીં નોકરી કે ધંધો કર્યો ના હોય તેથી કરવેરા ના ભર્યા હોય એવાં મા-બાપ નાગરિક બને એટલે 65 વર્ષની વયે તેને પણ જીવવાની ટેકણલાકડી થાય તેવું લઘુત્તમ પેન્શન સરકાર આપે છે. કોઈપણ 65 વર્ષ કે પછીની ઉંમરના આવા બીમાર, અશક્ત, રોગી, શારિરીક રીતે પરાવલંબી નાગરિકો માટે અમેરિકામાં નર્સિંગ હોમ છે જે સરકાર માન્ય ટ્રસ્ટ, કંપની કે માલિકો ચલાવે છે.

અમેરિકન નાગરિકો એનો લાભ નિયમોને આધીન રહીને મેળવી શકે. અમેરિકનો મોટાભાગના માંસાહારી, અંગ્રેજી બોલે, ડોકટર અને નર્સ અઁગ્રેજી ભાષી હોય ત્યારે ગુજરાતી ભાષી, શાકાહારી નાગરિકો આવા નર્સિંગ હોમમાં જાય તો પોતાનું દુઃખ, મુશ્કેલી, જરૂરિયાત કહી ના શકે. વાતો કરનાર ના મળે તેથી એકલતા અનુભવે. વળી ભારતીય શાકાહારી ખોરાક પણ ના હોય. તદ્દન જુદા વાતાવરણમાં રોગમુક્તિ, દુઃખમુક્તિ માટે જનાર કદાચ વહેલો મરે કે થાકીને પાછો ઘર ભેગો થાય. જ્યાં સંતાનો પાસે એની સેવાનો સમય નથી હોતો.

અમેરિકાના 50 રાજ્યો. આમાં ન્યૂજર્સીમાં સૌપ્રથમ ભારતીય માટેનું નર્સિંગ હોમ કરનાર સરઢવના વતની, શિક્ષક પુત્ર ડો. મુકુંદ ઠાકર અને તેમનાં નર્સ પત્ની રમીલાબેન. તેઓ નર્સિંગ હોમમાં નોકરી કરતાં હતાં. એક દિવસ મુકુંદભાઈ તેમની અઠવાડિક રજા પછીના દિવસે ફરજ પર હાજર થયા. ત્યારે એક વૃદ્ધ દર્દી કહે, બેટા, મારાથી બોલાતું નથી. પાણી માટે હું બૂમો પાડું છું. કોઈ આપતું નથી. હકીકતમાં, નર્સિંગ હોમનો અંગ્રેજીભાષી સ્ટાફ ગુજરાતી જાણતો નહોતો અને દર્દી અંગ્રેજી જાણતા નહોતા. દર્દીના હાલબેહાલ જોઈને  દયાથી ભરેલા મૃદુભાષી મુકુંદભાઈનો જીવ દ્રવી ઉઠ્યો. દર્દીએ બેટા કહીને સંબોધેલા તેથી વધારે ભીંજાયા. વિચાર્યું, મારે બે ત્રણ રોટલી જોઈએ તો ગમે ત્યાંથી મળી રહેશે. મારે આવા દર્દીઓને મા-બાપ માનીને સેવા કરવી છે.

ભારતીય સંસ્કૃતિમાં મા-બાપને દેવનું સ્થાન અપાયું છે. દેવ મંદિરમાં રહે, તેથી મારા માટે પ્રત્યેક નર્સિંગ હોમ મંદિર છે. જે દિવસે નર્સિંગ હોમને હું ધંધાના સ્થળ તરીકે જોઈશ તે દિવસે હું કાયમ માટે છોડી દઈશ. આવી માન્યતા અને સંકલ્પ સાથે મુકુંદભાઈએ ન્યૂજર્સીમાં આલમેડા નર્સિંગ હોમથી ભારતીય દર્દીઓ માટે અલગ શરૂઆત કરી.

શબ્દોમાં નહીં પણ વર્તાવમાં એ દર્દીના પુત્ર બનીને રહે છે. મહિનામાં બેથી ત્રણવાર તેમના નર્સિંગ હોમમાં ભજનનો કાર્યક્રમ હોય છે. કોઈને કોઈ હિંદુ સંતની કથા એ ટીવી પર વિડિયો મારફતે બતાવે છે. દરેક રૂમમાં બે દર્દી હોય છે. દર્દીને ડાયેટિશિયન અને ડોકટરની સલાહ મુજબ મોળું,ખાટું, ગળ્યું જમવાનું અપાય છે. સવારે ચા-નાસ્તો હોય. બપોરે લંચ અને સાંજે ડિનર આપે છે. દર્દીને શાકાહારી ખોરાક આપવામાં આવે છે. ખોરાક તાજો અને આરોગ્યપ્રદ હોય છે. તહેવારો પ્રમાણે મીઠાઈ હોય છે. ફરસાણ, ખાંડવી, ઢોકળાં, ભજિયાં, ગોટા, બટાટા, પૌવા, ખમણ, સૂકીભાજી વગેરે અપાય છે. ભારતીય અલમોડા નર્સિંગ હોમની મુલાકાત લેનારને અહીં રોટલી, દાળ, ભાત, કઢી વગેરે ખરું.

સરકારી સહાયથી ચાલતાં નર્સિંગ હોમ અમેરિકામાં ઘણાં છે પણ, આ નર્સિંગ હોમ બધાંમાં નોખી ભાત પાડનાર અને અનન્ય છે. શાકાહારી, અંગ્રેજી ભાષાથી અજાણ ગુજરાતી કે અન્ય ભારતીય મૂળના ગુજરાતીઓ માટે મુકુંદભાઈ સંચાલિત નર્સિંગ હોમ દર્દીઓ માટે દીકરાનું ઘર બની રહે છે. કેટલીકવાર દીકરો કે એની પત્ની પણ મા-બાપ તરફ તોછડો અને અવગણનાભર્યો વર્તાવ પણ રાખે. અહીં મુકુંદભાઈ સૌ દર્દીના સ્વયંનિર્મિત દીકરા બન્યા છે. શ્રવણ પોતાનાં સગાં મા-બાપને કાવડ બનાવીને, અંદર બેસાડીને યાત્રા કરાવે છે. અહીં મજાની વાત એ છે કે જાતે દર્દીઓના પુત્ર બનેલા મુકુંદભાઈ આધુનિક શ્રવણ બન્યા છે. એમના માટે નર્સિંગ હોમ કોઈ ધંધો નથી પણ ધર્મ છે. મિશન છે. દર્દી માટે અહીં ઘર જેવું વાતાવરણ છે. મુકુંદભાઈ દર્દીઓને પ્રત્યક્ષ મળે. ખભે હાથ મૂકે. બરડે હાથ મૂકે. કહે, બાપુજી, કેમ છો? રાત કેવી ગઈ? કોઈ મહિલાને કહે, બા, રાત્રે ઉંઘ આવી હતી? માથું દુઃખે છે? સાચવીને બેઠા થવું. જરૂર હોય તો નર્સને કહેજો.

દર્દીનો જન્મ દિવસ પણ ઉજવે. મુકુંદભાઈ પગે લાગે અને આશીર્વાદ માગે. જન્મદિનનાં અભિનંદન આપે. ક્યારેક તે દિવસે કથા યોજે. દર્દીને પોતાનાં તરફથી ભેટ આપે. આવા વખતે તેમનાં પત્ની રમીલાબેન અને નર્સિંગ હોમના કાર્યકરો વગેરે હાજર રહે. પોતાને ત્યાંય આવો જન્મદિવસ સંતાનો ન ઉજવતાં હોય ત્યાં એવાં મા-બાપ ક્યારેક આવો પ્રેમભાવ અને આદર અનુભવીને રડી પડે. ક્યારેક મનમાં એમ પણ વિચારે કે ભગવાને મને આવો પુત્ર આપ્યો હોત તો?

મુકુંદભાઈના આ મિશનના રંગે એમનો પૂરો પરિવાર રંહાયો છે. તેમની ત્રણ દીકરી અને તેમના પતિ, તેમનો પુત્ર અને તેની પત્ની અને મુકુંદભાઈ તથા રમીલાબેન મળીને ઘરન દસ સભ્યો આમાં કામ કરે છે. દસ વ્યક્તિ જ્યારે આને ધર્મકાર્ય માનીને વર્તે ત્યારે કામ શોભે અને નમૂનેદાર બને. આમ જ થયું. ન્યૂજર્સીમાં દસ અને ન્યૂયોર્કમાં એક મળીને તે 11 નર્સિંગ હોમનું સંચાલન કરે છે. બધાં નર્સિંગ હોમની અઠવાડિયે મુલાકાત લઈને બધાં જ દર્દીને તે વ્યક્તિગત મળીને ખબર અંતર પૂછે છે અને વ્હાલ વરસાવે છે. એમની સેવા અને સ્નેહની સુવાસ અમેરિકામાં જ્યાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં છે એવાં રાજ્યોનાં ગુજરાતી મંડળો કે આગેવાનો પાસે પહોંચતાં પોતાને ત્યાં આવું નર્સિંગ હોમ કરવા એમને આમંત્રે છે. મુકુંદભાઈ નમ્રતા સાથે ના પાડતાં કહે છે, મારાં મા-બાપને હું મળી ના શકું. તેમના દુઃખ કે સુખમાં સાથે ના હોઉં એવું મારે કરવું નથી. હું બધે પહોંચી શકું તેમ નથી.

મુકુંદભાઈના નર્સિંગ હોમાં ચાર-પાંચ વર્ષથી રહેતા હોય તેવા ઘણાં છે. સાત વર્ષ પણ કેટલાક રહ્યા છે. મુકુંદભાઈ કેટલાયની અંતિમ ક્રિયા પુત્ર બનીને કરે છે. આ નિર્લોભી બ્રાહ્મણને કેટલાકે મરતી વખતે કંઈક આપવા ઈચ્છ્યું હોય તો પણ તેમણે કંઈ જ લેવાને બદલે લોકસેવા કરતી કોઈ સંસ્થાના ટ્રસ્ટીની મુલાકાત કરાવી દીધી હોવાનું બન્યું છે. સ્વયં શ્રવણ પુત્ર ગુજરાતમાં હોય તો કેટલાય શાંતિથી મરે. મુકુંદભાઈનાં નર્સિંગહોમમાં 80 ટકા ગુજરાતી દર્દી છે. ડોકટર, નર્સ, રસોઈયા, કર્મચારી ગુજરાતી છે. ધન્ય છે આ શ્રવણને.

(ચરોતરના પ્રજાજીવન અને ઈતિહાસના અભ્યાસુ લેખક હાલમાં અમેરિકા નિવાસી છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!