ગુજરાતી વિનલ પટેલ, રોમા પોપટે બ્રિટનમાં કર્યાં  ‘ડ્રાઈવ ઈન લગ્ન’, ગેસ્ટ કારમાં બેસીને હાજર રહ્યાં

ગુજરાતી વિનલ પટેલ, રોમા પોપટે બ્રિટનમાં કર્યાં ‘ડ્રાઈવ ઈન લગ્ન’, ગેસ્ટ કારમાં બેસીને હાજર રહ્યાં

ગોલ્ફ કાર્ટમાં કપલ નીકળ્યું ત્યારે 250 મહેમાનોએ કારમાં બેસીને જોરથી હોર્મ મારીને લગ્નને વધાવ્યુઃભારત, કેનેડા, યુએસ સહિતનાં દેશોમાં 300 લોકોએ વિડિયો લિંકથી લગ્ન જોયું

 

લંડન

 

બ્રિટનમાં ગુજરાતી કપલ વિનલ પટેલ અને રોમા પોપટે કોરોના સંકટ દરમિયાન ચાલી રહેલા નિયમો અને ગાઈડલાઈનની પરવા ન કરીને લગ્ન કરતાં હોબાળો મચી ગયો છે. કન્યા રોમા પોપટ અને વર વિનલ પટેલે અમદાવાદના ડ્રાઈવ ઈન સિનેમામાં લોકો જેમ કારમાં બેસીને ફિલ્મ માણે છે તે રીતે જ ગેસ્ટને તેમની કારમાં બેસાડીને લગ્ન જોવા માટે કહ્યું હતું. તેમનાં લગ્નની વિડિયો લિંક મેદાનમાં મુકવામાં આવી હતી અને તેનું લાઈવ પ્રસારણ થયું હતું. બ્રિટનના એસેક્સ ચેમ્સફોર્ડમાં બ્રાટેક્સ પાર્કમાં આ કપલે સપ્તફેરા ફર્યા હતા. લગ્નનું આયોજન ડ્રાઈવ ઈન સિનેમાની જેમ કરાયું હતું જેથી ફેમિલીના તમામ લોકો આવી શકે. જોકે, ત્યાંના સત્તાવાળાઓએ હવે એવો આરોપ મુક્યો છે કે તેમણે કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. બ્રિટનમાં અત્યારે લગ્ન પ્રસંગમાં ફક્ત 15 મહેમાનને બોલાવી શકાય છે પણ આ લોકોએ 250 જણને આમંત્રણ આપ્યું હતું.

એક મોટા સ્ક્રીન પર આ લોકોનું લગ્ન ચાલતું હતું તે હાજર તમામે કારમાં બેસીને નિહાળ્યું હતું. એ લોકોએ લગ્ન કરી લીધાં પછી તેઓ ગોલ્ફ બગીમાં કારમાં બેસી રહેલા મહેમાનો સામે આવ્યા હતા અને હેન્ડ વેવિંગ સેરેમની પણ નિભાવ્યો હતો. જ્યારે એ લોકો કારમાં હાથ હલાવતા બધાંની સામે આવ્યા ત્યારે કારમાં બેઠેલા લોકોએ જોરજોરથી હોર્ન બજાવ્યા હતા. મહેમાનોને આવકારવા માટે સારામાં સારું મેનું તો રખાયું હતું પણ તેની સાથે કોવિડ-19ના નિયમોનું પાલન થાય તે માટેની સૂચનાઓ પણ કાઉન્ટર પરથી આપવામાં આવતી હતી. તમામ લોકોને એન્ટી બેક્ટેરિયલ જેલ અપાઈ હતી. ચાર કલાક ચાલેલાં હિન્દુ ધાર્મિક વિધિના આ લગ્નમાં બધું જ ઓનલાઈન રખાયું હતું.

વેબસાઈટ પર ઓનલાઈન ઓર્ડર અપાતો હતો અને એ રીતે ભોજન પણ આવતું હતું. મહેમાનોને એવી સૂચના અપાઈ હતી કે જો તેમને ટોઈલેટ વાપરવું હોય તો જ કારમાંથી બહાર નીકળવાનું છે. મજાની વાત એ છે કે હાજર 250 મહેમાનો ઉપરાંત દુનિયાભરમાં બીજા 300 લોકોએ વિનલ પટેલ અને રોમા પોપટનાં આ લગ્ન તેમના ઘરે બેઠાબેઠા કમ્પ્યુટર સ્ક્રીન પર નિહાળ્યાં હતાં. બ્રેટેક્સ પાર્કમાંથી વિડિયો લિંક દ્વારા તેનું લાઈવ પ્રસારણ થયું હતું.  બ્રિટનમાં કોરોના સંક્ટ દરમિયાન આ રીતે પહેલું લગ્ન થયું છે. રોમા પોપટે આ લગ્નનો આઈડિયા આપ્યો હતો. રોમા પોતે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ છે. વિનલ આઈટી કન્સલ્ટન્ટ છે. હકીકતમાં, આ બંને જણના લગ્નની ઓરિજિનલ તારીખ એપ્રિલમાં હતી પણ કોરોનાને કારણે તે મુલતવી રખાયું હતું. લોકડાઉન દરમિયાન તેમને લાગ્યું કે કોરોના સંકટ ક્યારે પતેતે કહેવાય નહીં એટલે બંને જણાએ ઓક્ટોબરમાં ઝટપટ લગ્ન કરી લીધાં અને એ પણ યુનિક સ્ટાઈલમાં. રોમાએ કહ્યું હતું કે, કોરોનાને કારણે તેમને ડર તો લાગતો જ હતો. પણ આ બધું મેનેજ કરી લેવાયું છે. અમે પહેલાં 700 ગેસ્ટને બોલાવવાના હતા. જોકે, તે પછી અમે ડ્રાઈવ ઈન સિનેમાની માફક લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને તમામ મહેમાનો કારમાં બેસીને આવ્યા હતા.

ડ્રાઈવ ઈન સિનેમામાં કારમાં બેસીને ફિલ્મ માણવાની હોય છે અને અમદાવાદમાં આ પ્રકારનું જાણીતું થિયેટર પણ છે. રોમાએ કહ્યું કે, લોકો લગ્નમાં આવે અને પ્રોબ્લેમ થાય તેના કરતાં વર્ચ્યુઅલી નિહાળે તો કેવું એમ વિચારીને અમે આ રીતે લગ્ન કર્યાં હતાં. મજાની વાત એ છેકે લગ્નના આ યુનિક આઈડિયાથી લોકો ખુશ થઈ ગયા છે. કેમકે, તેમાં ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરાયો છે. લગ્નની વિધિ જ હાજરાહજૂર બાકી બધું વર્ચ્યુઅલ. તમારે સ્ક્રીન પર જ ઓર્ડર કરવાનું અને તમારી સામે હાજર થઈ જાય.

રોમાએ કહ્યું કે, જ્યારે તે અને વિનલ ગોલ્ફ કારમાં હાથ હલાવતાં નીકળ્યાં ત્યારે લોકો એટલાં બધાં ખુશ થઈ ગયાં હતાં કે તેમણે જોરજોરથી હોર્ન માર્યા હતા. સામાન્ય રીતે, લગ્ન પતે પછી ફટાકડા ફોડાતા હોય છે પણ આ લગ્નમાં હોર્ન મારીને એ આનંદ વ્યક્ત કરાયો હતો. લગ્ન સમારંભ જ્યાં યોજાયો હતો તે પાર્કમાં બે મોટા સ્ક્રીન લગાવાયા હતા. ભારત, અમેરિકા, કેનેડાથી ઝુમ ફિડ સાથે બીજા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. લંડન સ્થિત સહેલી ઈવેન્ટ્સની સહેલી મિરપુરીએ આ વેડિંગ પ્લાન કર્યું હતું. સહેલીએ કહ્યું કે, આ વર્ષે ઘણાં કપલ કે જે પરણવા માગે છે તેમને મુશ્કેલીઓ નડી રહી છે. ભારતીય લગ્નમાં ટ્રેડિશન વધારે હોય છે, મહેમાનો બહુ આવે છે પણ રોમા અને વિનલનાં લગ્નને સફળતાથી પાર પડાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!