જે બિલ્ડિંગમાં આગ લાગી હશે, માણસો મર્યા હશે તેને ફરીથી શરૂ નહીં કરી શકાય, અમદાવાદની શ્રેય હોસ્પિટલને પુનઃ ચાલુ કરવા સામે બ્રેક

જે બિલ્ડિંગમાં આગ લાગી હશે, માણસો મર્યા હશે તેને ફરીથી શરૂ નહીં કરી શકાય, અમદાવાદની શ્રેય હોસ્પિટલને પુનઃ ચાલુ કરવા સામે બ્રેક

ગયા વર્ષે આ બિલ્ડિંગમાં આગ લાગતાં કોરોનાની સારવાર લઈ રહેલાં આઠ પેશન્ટ ત્યાંજ મોતને ભેટ્યાં હતાઃ ગુજરાત હાઈકોર્ટે આકરો નિર્દેશ આપીને સ્કૂલો, હોસ્પિટલો સહિતની બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી અંગે સરકારને ઘેરી

 

અમદાવાદ

 

ગુજરાતમાં છાશવારા હોસ્પિટલો, ટ્યુશન ક્લાસીસ કે સ્કૂલોમાં લાગતી આગ અંગે ન્યાયતંત્ર અને સરકારે કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. ફાયર સેફ્ટી એક્ટની અમલવારીને લઈને કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે કહ્યું છે કે લોકોના જીવના જોખમે હોસ્પિટલો અને શાળાઓને ધંધાના સ્થળો બનાવી શકાશે નહીં.

આ સાથે જ હાઈકોર્ટે ગયા વર્ષે જ્યાં આગ લાગી હતી તે નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ ફરી શરૂ કરવાની રજૂઆત ફગાવી દીધી છે. અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશનને હાઇકોર્ટે ફાયર સેફટીના નિયમોનું કડક પાલન કરવા નિર્દેશ કર્યો છે અને કહ્યું છે કે જો તમારાથી એમ ના થતું હોય તો હોસ્પિટલો બંધ કરી દેવી જોઈએ. ફાયર સેફટી વગરની બિલ્ડિંગો, ફેક્ટરીઓ, શાળાઓ અને હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે.

ગુજરાત સરકારે શુક્રવારે કહ્યું હતું કે, રાજ્યમાં 58 હજાર બિલ્ડિંગ પાસે ફાયર NOC નથી. ફાયર એન.ઓ.સી. (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ)અને જરૂરી ફાયર સેફ્ટી ઉપકરણો પણ આ બિલ્ડિંગો પાસે નથી તેવું સોગંદનામું સરકારે હાઈકોર્ટમાં કર્યું છે. રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે રાજ્યમાં ૩૩,૨૭૪ બિલ્ડિંગોએ હજુ સુધી બીયુ પરમિશન લીધી નથી. આ પૈકીની ૨૫,૯૧૦ બિલ્ડિંગ મ્યુનિસિપાલિટી વિસ્તારોમાં છે. બિલ્ડિંગો પાસે ફાયર એન.ઓ.સી. નથી અને તેમાં યોગ્ય ફાયર સેફ્ટીની સુવિધાઓ ઇન્સ્ટોલ કરવામાં આવી નથી. અમદાવાદમાં ૧૬,૭૬૧, સુરતમાં ૫૯૨૨, રાજકોટમાં ૫૯૧૭ અને વડોદરામાં ૪૫૮૬ તેમજ નગરપાલિકા વિસ્તારોમાં ૨૪,૬૭૩ બિલ્ડિંગો પાસે ફાયર એન.ઓ.સી. નથી. અમદાવાદમાં ૧૪૮૯ બિલ્ડીંગ પાસે બીયુ પરમિશન બાકી છે. સુરતમાં ૨૩૩૫, વડોદરામાં ૧૦૦૯ અને રાજકોટમાં ૧૬૪૦ બિલ્ડિંગ પાસે બીયુ  પરમિશન નથી.

અમદાવાદની શ્રેય હોસ્પિટલ માં ગત 6 ઑગસ્ટની મધરાતે લાગેલી આગની ઘટનામાં કમનસીબે કોરોનાના 8 દર્દીઓના મૃત્યુ થયાં હતાં. આ સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એ.પૂજ ની અધ્યક્ષતામાં તપાસપંચની રચના કરવામાં આવી હતી. આ તપાસપંચ ત્રણ માસમાં રાજ્ય સરકાર સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરશે. શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની સમગ્ર ઘટનાની ત્વરિત તપાસ માટે ગૃહવિભાગના અધિક મુખ્યસચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસના અધિક મુખ્યસચિવ મુકેશ પુરીની તપાસ સમિતિ નિયુક્ત કરવામાં આવી હતી. આ બંને વરિષ્ઠ અધિક મુખ્ય સચિવોએ તેમની તપાસનો અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરી દીધો છે.

શ્રેય હોસ્પિટલ આગકાંડની ઘટનાના ચાર દિવસ બાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. ફરિયાદમાં હોસ્પિટલના મુખ્ય ટ્રસ્ટી ભરત મહંત સામે ગુનો દાખલ કર્યો હતો. મહત્વનું છે કે FSL ના રિપોર્ટમાં એવું સામે આવ્યું છે કે જે સમયે આગ લાગી તે આઈ.સી.સી.યુ વોર્ડમાં ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલી દીવાલોમાં લાગેલી બારીઓ સ્ક્રૂથી ફીટ કરવામાં આવેલી હોવાથી ધુમાડો બહાર ન નીકળી શક્યો હોવાથી દર્દીઓના ગૂંગળાઈને મોત થયા હતાં. આ હોસ્પિટલમાં ફાયર એનઓસી પણ ન હોવાને કારણે ફાયર ઓડિટ પણ થઈ શક્યું ન હતું. જે વોર્ડમાં આગ લાગી હતી ત્યાં ફાયર એલાર્મ પણ મળ્યું નહોતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!