‘મહાત્મા ગાંધી, જહાં હો વહાં’, દુનિયાના કોઈપણ ખૂણેથી લખેલો કાગળ ગાંધીજીને મળી જતો!

‘મહાત્મા ગાંધી, જહાં હો વહાં’, દુનિયાના કોઈપણ ખૂણેથી લખેલો કાગળ ગાંધીજીને મળી જતો!

ગાંધીજીનું કોઈ એડ્રેસ નહોતું અને જે માણસનું એડ્રેસ હોતું નથી તે લોકોના હ્રદયમાં રહેતો હોય છે. જે દિવસથી માણસ પરમેનન્ટ એડ્રેસ મેળવી લે તે દિવસથી એ લોકોના દિલથી દૂર થતો જાય છે

 

સમર પી. શાહ

 

મહાત્મા ગાંધી વિશે દુનિયામાં સૌથી વધુ લખાણો અને સંશોધનો થયાં છે. દુનિયાનો એક પણ દેશ એવો નથી જ્યાં તેમના વિશેનું સાહિત્ય નહીં હોય. ગાંધીજી સીધાસાદા પણ, ઊંડી સમજણવાળા માણસ હતા અને એટલે જ નાનામાં નાનો કહેવાતો માણસ તેમને ઓળખતો હતો. એ જીવતા હતા ત્યારે યુરોપ અને અમેરિકામાં તેમના નામથી લોકો પરિચિત હતા. એનો પુરાવો એ છે કે વિશ્વના સૌથી ફેમસ મેગેઝીન ‘TIME’માં તેમને ત્રણ વાર કવર પેજ પર સ્થાન મળ્યું હતું. ગાંધીજીને કવરપેજ પર સ્થાન ના મળ્યું હોત તો પણ કોઈ ફેર પડતો નહીં પણ, કહેવાનો અર્થ એ કે કોઈને નહીં અને 20મી સદીના આ મહાત્માને જ ત્રણત્રણ વાર કવર પેજ પર સ્થાન આપવું પડે એ જ ગાંધીજીની મહાનતા હતી.

1930-50ના દાયકામાં અમેરિકા અને યુરોપ તો લગભગ આધુનિક અને શહેરી બની ગયાં હતાં એટલે ગાંધીજીના નામથી ત્યાંનો એકએક માણસ પરિચિત હોય તે સ્વાભાવિક હતું. પણ, ભારતમાં ય ગાંધીજીને અદનામાં અદનો માણસ જાણતો હતો. એક ઓલિયા જેવો માણસ બંદુકો અને તોપો ધરાવતા અંગ્રેજો સામે હથિયાર વિના, ગુસ્સો કર્યા વિના અને સહેજપણ ઉશ્કેરાયા વગર લડી રહ્યો હોવાની વાતથી જ ભારતનો આમ આદમી આ ઓલિયા પાછળ કુરબાન થઈ જતો હતો. એ વખતે 75-80 ટકા ભારત ગામડું હતું અને બહુમતી પ્રજા બહુ જ ગરીબ હતી.

વ્યક્તિની મહાનતા તેણે કરેલાં નાનાનાનાં-ક્ષુલ્લક કામોમાં સમાયેલી હોય છે. આવી નાનીનાની વાતોને કારણે પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી ‘મહાત્મા’ બન્યા હતા. ગાંધીજીની નામના એટલે બધી હતી કે કોઈ તેમને યાદ કરે અને કાગળ લખે તો એ કાગળ એ ક્યાંય પણ હોય પણ તેમને રીતસરનો પહોંચી જતો હતો. તમે વિચારો કે, એક માણસ પગને ટકાવ્યા વિના આખા ભારતના ખૂણેખૂણે ફરતો હોય અને તેને ઉત્તરપ્રદેશના કે બિહારના એકદમ જંગલ-પહાડમાં આવેલા, જ્યાં બળદગાડું પણ ન હોય ત્યાંથી લખાયેલો પત્ર પહોંચી જાય તે કેવો ચમત્કાર કહેવાય!

હા, આ વાત બિલકુલ સાચી છે. જો તમારે તેની ખાતરી કરવી હોય તો અમદાવાદના સાબરમતી આશ્રમમાં જઈને જાતે જોઈ આવો. ગાંધીનીની યાદો જ્યાં સચવાયેલી છે તેવા સાબરમતી આશ્રમમાં એવા કેટલાય પત્રો પર લખાયેલાં સરનામાં અને તેની વિગતોની તસવીરો અહીં મુકાયેલી છે જેમાં ગાંધીજીને એ જ્યાં હોય ત્યાં પત્ર કેવી રીતે પહોંચી જતો તેના પુરાવા મળે છે.ભારતના કોઈ ખૂણામાંથી કોઈ ગરીબ માણસ બાપુને ચિઠ્ઠી કે કાગળ લખતો અને એડ્રેસ ન મળે તો ‘પ્રિય બાપુ, જ્યાં હોય ત્યાં’તેમ લખી દેતો અને ચમત્કાર એ થતો કે થોડા વખતમાં એ ગરીબજનનો કાગળ બાપુને એ જ્યાં પણ હોય ત્યાં મળી જતો.

ગાંધીજીનું કોઈ એડ્રેસ નહોતું અને જે માણસનું એડ્રેસ હોતું નથી તે લોકોના હ્રદયમાં રહેતો હોય છે. જે દિવસથી માણસ એક પરમેનન્ટ એડ્રેસ મેળવી લે તે દિવસથી એ લોકોના દિલથી દૂર થતો જાય છે. ગાંધીજી ‘ચલતા-ફિરતા ફકીર’ હતા અને તેમના માટે જીવન પરિક્રમાથી ઓછું નહોતું. પ્રયોગો અને પરિક્રમાએ તેમને મહાન બનાવ્યા અને આ જ કારણથી ગાંધીજી પર સૌથી વધુ લખાણો થયાં છે. અર્થતંત્ર હોય કે ધર્મતંત્ર, પત્રકારત્વ હોય કે પરાયણ- ગાંધીજીના જીવનના બહુકોણીય પાસાં વિશે ઘણુંબધું લખાયું છે અને આજે પણ સ્કોલરો તેમના વિશે સંશોધન કરતા જ રહે છે. ગાંધીજીના સૌથી યુવાન સેક્રેટરી ચંદ્રશંકર શુકલા અને જી. રામચંદ્રને મહાત્માની સાથે વણાયેલી નાનીનાની વાતો પ્રારંભમાં જ લખી હતી. પાછળથી તમામ સ્કોલરોએ તેમના સંશોધનોમાં આ ઘટનાઓને સ્થાન આપ્યું હતું રામચંદ્ર કૃષ્ણ(આર કે) પ્રભુએ લખેલું ‘ધીઝ વોઝ બાપુ’ પુસ્તક બહુ જાણીતું છે. આ પુસ્તકમાં મોટા માણસના નાના કહી શકાય તેવા મહાન પ્રસંગો લખાયેલા છે. ગાંધીજી કેટલા ખુશમિજાજમાં રહેનારા માણસ હતા એ આ પુસ્તકમાં છે અને રોજબરોજ તેમના જીવનમાં કેવા પ્રસંગો બનતા તે પણ લખાયું છે. કેટલાક ઉદાહરણોઃ

કોઈકે બાપુને પૂછ્યું, તમે માનો છો કે જીવનમાં સેન્સ ઓફ હ્યુમર હોવી જરૂરી છે?

બાપુઃ જો એમ ન હોત તો હું ક્યારનોય મરી પરવાર્યો હોત…

ઈન્ટરવ્યૂઅર- દુનિયા દિવસે દિવસે સારી બની રહી છે કે સ્થિતિ વણસી રહી છે?

‘હું જ્યાં સુધી ઈશ્વરમાં શ્રધ્ધા રાખું છં ત્યાં સુધી, ગાંધીજીએ કહ્યું, ‘દુનિયા વધુ સારી બની રહી છે. ભલે પછી તેના પુરાવા હું માનું છું તેની વિરુધ્ધના હોય.

એક મોટો વેપારી તેમને મળવા આવ્યો અને ગુમાન સાથે બોલ્યોઃ ‘તમને મારા પૈસા જોઈએ છે કે હું…’

‘તમે,’ ગાંધીજીએ જવાબ આપ્યો.

‘હું મારો બિઝનેસ છોડીને તમારી સાથે જોડાઈ જાઉં તો તમે મને કયું(કેવું)કામ આપશો…’

‘આ, ચરખો કાંતવાનું…’

1947માં કલકત્તામાં એક પ્રાર્થનાસભા પહેલાં ‘વંદે માતરમ’ ગવાયું. ત્યાં હાજર તમામ લોકો તેમની જગ્યા પરથી ઉભા થઈ ગયા પણ ગાંધીજી જેમના તેમ બેસી રહ્યા. પાછળથી કોઈએ તેમને ભારતમાતાના ગાનના આ કથિત અપમાન વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, ‘મારે માટે અંદરની ભાવના મહત્વની છે, નહીં કે, ખોટો દેખાડો.’ ગાંધીજી ઘણાં જિદ્દી હતા. ઘણી વખત તેમની વાત સાથે સંમત થવું જ પડે તેવી સ્થિતિ ઉભી કરી દેતા. આગાખાન પેલેસના રોકાણ દરમિયાન તેમને ગંભીર મેલેરિયા થઈ ગયો. દિલ્હી ઓથોરિટીએ બોમ્બે સરકારને કલકત્તાના પ્રતિષ્ઠિત ફિઝીશિયન ડો. બિધાનચંદ્ર(બીસી)રોયને ગાંધીજીની સારવાર કરવા માટે પરવાનગી આપવાની ના પાડી દીધી. લાંબી રકઝક પછી અંતે દિલ્હી ઓથોરિટી તૈયાર થઈ અને ડો. રોયને તેમ કરવાની પરમિશન આપવામાં આવી.આવતાં વેંત ડો. રોયે કહ્યું, ‘તમે શું માનો છો? હું કોની સારવાર કરવા આવ્યો છું? હું કંઈ મોહનદાસ કરમચંદ ગાંધી નામના માણસની ટ્રીટમેન્ટ માટે આવ્યો નથી. બલ્કે, પૂરા હિન્દુસ્તાનની 40 કરોડ જનતાના પ્રતિનિધિની સારવાર માટે આવ્યો છું. જો તે મરી જાય તો 40 કરોડ જનતા પણ એ જ ઘડીએ મરી પરવારશે.’

ગાંધીજીએ તે વખતે કોઈ જવાબ આપ્યો નહીં પણ, સાજા થયા તેના થોડા દિવસ પછી ડો. રોયને કહ્યું, ‘અંતે, તમે જીતી ગયા ડો. બિધાન. મારે તમારી દયા પર નિર્ભર રહેવું પડ્યું. તમારા કારણે હું જીવી ગયો. તમે વકીલ થવાને બદલે ડોકટર શા માટે થયા? તમે દલીલબાજી સારી કરી લો છો.’

  • ડો. રોયે કહ્યું, ‘ભગવાને મને એટલા માટે મેડિકલ લાઈનમાં મોકલ્યો જેથી હું મહાત્માની સારવાર કરી શકું…’
  • ‘જે હોય તે, બોલવામાં તો તમે એક વકીલની જેમ જ છો,’ ગાંધીજીએ કહ્યું. ગાંધીજીની એ દલીલ પછી ડો. રોય કશું બોલી શક્યા નહીં.
  • એવું કહેવાય છે કે ગાંધીજીએ સત્ય અને અહિંસાની જિદ્દ લીધી ન હોત તો ભારત આઝાદ થયો ન હોત!

(યુવા લેખક સમર પી શાહ આણંદ સ્થિત શિક્ષક છે.) 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!