1874માં ગુજરાતમાં પ્રથમ તબીબી સેવાઓનો પ્રારંભ એક મિશનરી મહિલાએ કરાવેલો. મિશનરીઓએ આધુનિક મેડિકલ ટ્રીટમેન્ટનું પારણું ચરોતરમાં બાંધ્યું હતું. તમને ખબર છે, ચરોતરમાં પહેલું ‘દવાખાનું’ ક્યાં અને કોણે ખોલ્યું હતું?

1874માં ગુજરાતમાં પ્રથમ તબીબી સેવાઓનો પ્રારંભ એક મિશનરી મહિલાએ કરાવેલો. મિશનરીઓએ આધુનિક મેડિકલ ટ્રીટમેન્ટનું પારણું ચરોતરમાં બાંધ્યું હતું. તમને ખબર છે, ચરોતરમાં પહેલું ‘દવાખાનું’ ક્યાં અને કોણે ખોલ્યું હતું?

એ વખતે ટીબીના રોગે ભરડો લીધો હતો. મહેસૂલ અને આવક વધારવાની બ્રિટિશ નીતિ અને યુરોપમાં તમાકુની માંગને પહોંચી વળવાની જવાબદારીના મિશ્રણે અંગ્રેજ સરકારે ‘રોકડિયા પાક’ એવી તમાકુની ખેતીને ચરોતમાં સરકારી સહાય અને ભરપૂર ઉત્તેજન આપ્યું

 

રાજેશ મેકવાન

 

ગુજરાતમાં મેડિકલ સેવાઓના ઈતિહાસનો પ્રારંભ સંભવતઃ 1874માં સુરત ખાતે, મિસ સુઝન બ્રાઉન નામનાં મહિલા મિશનરીએ કરેલો. એમનાં કાર્યોમાં મદદરૂપ થવા, થોડીઘણી તાલિમ પામેલાં પણ ડોકટર નહીં એવાં મિસ ફોરેસ્ટ 1876માં જોડાયાં. એમની જગ્યાએ મુકાયેલાં મિસ. રોબર્ટ્સએ રાંદેરમાં દવાખાનું શરૂ કર્યું અને પાછળથી, 1890માં બોરસદ ખાતે આવ્યાં. ત્યાં એક ડિસ્પેન્સરી શરૂ કરી. ત્યારથી ચરોતરમાં ‘દાકતરી સેવા’ના અધ્યાયનો પ્રારંભ થયેલો ગણાય છે.

જોકે, શરૂઆતનાં વર્ષ તો સ્થાનિક પ્રજાની અંધશ્રદ્ધા, રોગો અને વિદેશી ચિકિત્સા પદ્ધતિની જાણકારી અને સમજનો અભાવ, ભુવા અને અન્ય મેલી વિદ્યાઓ કરી છેતરનારાઓની ઉશ્કેરણી અને ગોરી પ્રજા પ્રત્યેનો એક પ્રકારનો પૂર્વગ્રહ જેવાં પરિબળોને કારણે દાકતરી સેવાઓનું કામ મંથરગતિએ ચાલતું રહ્યું હતું. જોકે, ઈસવીસન 1900માં લાખો લોકોને ભરખી જનાર છપ્પનિયા દુકાળે ડોકું ઊંચું કર્યું અને મિશનીર દવાખાનાં અને એની સેવાઓની પરિભાષા સાથે લોકમાન્યતાઓ પણ બદલાવા માંડી. એ કાળનાં કરૂણ દ્રશ્યોનો ચિતાર એ અલગ ઇતિહાસ છે પણ આ જ સમયગાળામાં જીવના જોખમે પણ લોકોની સેવા કરનારા ડોકટરો અને સેવાના ભેખધારીઓ સામાન્ય પ્રજાના તારણહાર સમાન સાબિત થયા. આ જ ગાળામાં ખ્રિસ્તી ધર્મ સ્વીકારનારાઓની સંખ્યામાં પણ વધારો થયો અને તેની સાથે શિક્ષણ અને તબીબી સેવાઓનો વ્યાપ પણ વધવા માંડ્યો.

તબીબી સેવાઓની શરૂઆત આણંદથી થયેલી. આઈપી મિશનનના એક સ્કોટિશ ડોકટર નિલ ગેવિને એક કાચા મકાનમાં દાકતરી સેવાઓનો પ્રારંભ કર્યો હતો. 1905 સુધીમાં તો એક તૈયાર થયેલી બિલ્ડિંગમાં જ સ્થળાંતર કરી ગયા. એ જ વર્ષે તેમણે લગભગ 12,000 જેટલાં દર્દીઓને સારવાર આપી હોવાનો ઐતિહાસિક ઘટનાક્રમ સર્જાયો. ઈસવીસન 1905માં જ સાલ્વેશન આર્મીએ પણ બાજુમાં જ, એમરી હોસ્પિટલ શરૂ કરી. જેનું બહુ મોટું કહી શકાય તેવું ડોનેશન કેનેડામાંથી મળ્યું હતું. સમય જતાં લોકબોલીમાં આ દવાખાનાં અનુક્રમે ‘લીમડાવાળું દવાખાનું’ અને ‘રાયણવાળું દવાખાનું’ એમ ઓળખાતાં થયેલાં. 1919 સુધીમાં તો બરસદમાં પણ દવાખાનાની નવી ઈમારત તૈયાર થઈ ગયેલી જ્યારે બીજા છેડે નડિયાદમાં 1911માં ‘ધ નડિયાદ મેથોડિસ્ટ હોસ્પિટલ’નો પ્રારંભ થયો, જેમાં ડો. એલેકઝાન્ડર કોરપ્રોન એક અત્યંત સન્માન્ય નામ હતું.

આ ઉલ્લેખો આંકડાઓ અને તવારિખની માયાજાળ નથી પણ, મિશનરીઓના પરસેવાથી સિંચાયેલા, મહેકતા બાગનો જીવંત ઈતિહાસ છે. દંતકથા સમાન બની ગયેલા ‘રાણવાળા’ દવાખાનાના પ્રસિદ્ધ ડોકટર બ્રામવેલ કૂકનું નામ કોઈથી અજાણ્યું નથી. એમના નામે આણંદ નગરપાલિકાએ જે માર્ગનું નામાભિધાન કર્યું છે એ માર્ગ પર આજે પણ એમના નામનું પાટિયું એમની ગૌરવગાથાના સાક્ષીરૂપ ઊભું છે. ‘ડોકટર કૂક, મારે ફૂંક મટાડે દુઃખ’ની ઉક્તિ આજે પણ લોકજીભે રમે છે. જૂની પેઢીના માણસોના મોંએ, જ્ઞાતિનાં અને અન્ય તમામ પ્રકારનાં રૂઢિચુસ્તતાનાં બંધનો શિથિલ કરવામાં આ દવાખાનાંની અગ્રીમ ભૂમિકા રહી છે.

એ વખતે ટીબી(ટ્યુબરક્યુલોસીસ)ના રોગે ભરડો લીધો હતો. મૂળ તો તમાકુનો છોડ એ અમેરિકાનો છોડ છે પણ મહેસૂલ અને આવક વધારવાની બ્રિટિશ નીતિ અને યુરોપમાં તમાકુની માંગને પહોંચી વળવાની જવાબદારીના મિશ્રણે બ્રિટિશ સરકારે ‘રોકડિયા પાક’ એવી તમાકુની ખેતીને ચરોતમાં સરકારી સહાય અને ભરપૂર ઉત્તેજન આપ્યું. આ અનુકૂળતાઓના પરિણામ સ્વરૂપે ખૂબ જ ટૂંકા ગાળામાં ચરોતરના ખેડૂતો માલામાલ થવા માંડેલા. જોકે, આ માલામાલ ખેડૂતોના ખેતરોમાં મજૂરી કરનારા અને ખળીઓમાં કમરતોડ વૈતરું કરનાર શ્રમિક વર્ગને(તમાકુની અસરને કારણે)ટીબીના ભરડામાં લેવા માંડેલો. એમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા.

મારા મોસાળ ગામડીમાં મારા દાદાને પણ ટીબીનો રોગ લાગુ પડેલો. આશરે 80-85 વર્ષ પહેલાંની આ વાત છે. કારમી ગરીબાઈની એ દિવસો. મારી મા કહેતાં કે વેઠ્યું વેઠાય નહીં એવું એ દરદ ઉથલો મારે ને લોહીની ઉલટીઓ સુદ્ધાં વધી જાય ત્યારે ગામડી ગામથી રાયણવાળા દવાખાના સુધી જવા ગાડું ના હોય એટલે કાવડ કરીને દર્દીને લઈ જવા પડે કાં તો ઝોળી કરવી પડે. રોગીને આ રીતે દવાખાને લઈ જવાની પદ્ધતિ સાવ સામાન્ય હતી.

નસીબ હોય તો કોઈ ખાટલામાં સુવડાવીને તાર ખભે નાખીને લઈ જાય બાકી દવાખાને તો પગે ચાલીને જ જવાનું. અઠવાડિયે-પંદર દહાડે જવાનું થાય અને બિલ ચુકવવાનો સમય આવે ત્યારે એટલું જ કહેવાનું-“સાહેબ, ગરીબો છીએ!” ને ડોકટર કૂક એમને પક્ષે એટલું જ કહેતા, “સારું જાઓ!” કોઈ ચુકવણી નહીં. કેટકેટલાં દર્દીઓને આ દવાખાનાનો અને એની તબીબી સેવાઓનો લાભ મળ્યો હશે!

ડો. બ્રામવેલ કૂકની એક-બે વાતો અહીં લખવી ગમશે. મૂળે ન્યૂઝીલેન્ડમાં જન્મીને મોટા થયેલા અને ઈંગ્લેન્ડમાં શિક્ષણ પામેલા ડોકટર કૂક સવાઈ ગુજરાતી. એમણે પોતાનું ગુજરાતી નામ ‘મનસુખ’ અને પત્ની ડોરોથીનું નામ ‘જોદ્ધાબાઈ’ રાખેલું. પત્ની ડોરોથીને એ પહેલીવાર મુંબઈ લેવા ગયા ત્યારે એમને જોતાં વેંત ‘કેમ છો?’એવા ઉદગાર ડોકટર કૂકના મોંમાંથી નીકળી પડેલા. પત્ની ડોરોથી ગૂંચવાઈ ગયેલાં. દવાખાનાંની સતત વ્યવસ્તતા વચ્ચે પણ ગામડીની મુક્તિફોજની મિટિંગોમાં સમય કાઢીને એ હાજરી આપતા અને શ્રદ્ધાસભર અને રમૂજપૂર્ણ શૈલીમાં ઉપદેશ કરતા. ફળિયાની અર્ધશિક્ષિત પ્રજા વચ્ચે એ અંગ્રેજીમાં જ ભાષણ આપતા અને લોકભોગ્ય તરજુમો કરતા ફળિયાના ભુદરદાદા. ભુદરદાદા સિવાય આ ફળિયામાં જ રહેતા નરસિંહ અને આશા માળી આખી જિંદગી ડોકટર કૂકની સેવામાં સમર્પિત થઈ ગયેલા. ભુદર એમરી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર અને ડોકટરના જમણા હાથ સમાન. આશા માળી ડો. કૂકના ઘરના બગીચાને રળિયામણો રાખતા અને નરસિંહ એટલે ડોકટર કૂકના કાયમી કુક એટલે કે રસોઈયા.

ડો. કૂકના પરિવાર સાથેના તેમના ફોટો તેમના ઘરોમાં કાયમ ટીંગાયેલા રહેતા હતા. ડોકટર કૂક છેલ્લે આણંદમાં તેમના નામે રોડ બન્યો ત્યારે આવેલા. એ વખતે પણ તેમણે ગામડીની મુલાકાત કરેલી અને સભા દરમિયાન “માણસ ધુળ છે, ઘાસનું ફુલ છે”એ ભજન ગાયેલું. એટલાં વર્ષો પછી પણ એમને એ ગીત યાદ હતું. કેવો ગુજરાત પ્રેમ! કેવી વિનમ્રતા! 1933થી 1953માં એ આણંદ રહ્યા. ત્યાં સુધી એમના ઘરના વિભાજ્ય અંગ રસોઈયા ગામડીના નરસિંહકાકા જ હતા. એમની સેવાને પ્રતાપે અનેક લોકો જીવતદાન પામ્યા અને દવાખાનાને કારણે સાજા થયા.

હું નાનો હતો ત્યારે, કોઈવાર બીમારીમાં સપડાતી મારી માને મિશન દવાખાને લઈ જતાં. દાખલ પણ કરતાં અને આ દરમિયાન જે સારવાર મળતી તે આજે પણ મારી આંખ છલકાવી દે છે. મમ્મીને લીમડાવાળા દવાખાનામાં દાખલ કર્યાં હોય એ દરમિયાન અમે મોટાભાગે લીમડાઓનાં છાંયે રમ્યા કરીએ અને પિતાની ચિંતા અને ચીડના ભાવ સાથે મારી માની સુશ્રુષા કરતા રહે. એ દવાખાનાની પ્રતિષ્ઠા બરકરાર રાખનાર ડોકટર ઈમાનુએલે અમેરિકા ભણી કદમ માંડ્યા અને તેની સાથે ચરોતરના એક ગૌરવશાળી ઈતિહાસનો અંત લખાવાનો પ્રારંભ થયો. સ્વાત્રંત્યોત્તર ભારતમાં હવે મિશનનાં દવાખાનાં ડચકાં ખાતાં ને ઘણાં બંધ પણ થઈ ગયાં.

નડિયાદના મિશન દવાખાનાનો ઈતિહાસ પણ એટલો જ ભવ્ય અને રોમાંચક છે. કદાચ, વધારે રોમાંચક. કારણકે, ત્યાં તો નર્સ ટ્રેનીંગ સ્કૂલ પણ હતી. છેલ્લે ત્યાં ડો. જહોનની વિદાય સાથે જ એની ગૌરવગાથાનો અંત આવ્યો. દરમિયાન, થોડા અવરોધ અને આડશો પછી હવે, પુનઃ એ ગાથા શરૂ થઈ છે.

1893માં કેથોલિક મિશને મોગરી ગામમાં પગરણ માંડ્યાં ત્યાં સુધીમાં ઘણાં પ્રોટેસ્ટન્ટ મિશનો ગુજરાતમાં, વિશેષ તો ચરોતરમાં પગદંડો જમાવી ચુક્યાં હતાં. જેમાં મેથોડિસ્ટ ચર્ચ, ધ ચર્ચ ઓફ મિશનરી સોસાયટી, સાવ્લેશન આર્મી, આઈપી મિશન અને ધ ચર્ચ ઓફ બ્રિધરન મિશનનો સમાવેશ થાય છે. ગાયકવાડી સરકાર અને બ્રિટિશ શાસનના બે ભાગમાં વહેંચાયેલા ચરોતરમાં પ્રોટેસ્ટન્ટ મિશનરીઓએ, ગાયકવાડી સરકારની સ્પષ્ટ મિશનવિરોધી નીતિરીતિને કારણે અંગ્રેજ શાસન હેઠળના વિસ્તારમાં પગદંડો જમાવેલો. બોરસદ, આણંદ અને નડિયાદ જેવાં કેન્દ્રો તો મિશનરીઓની અને તેમની પ્રવૃત્તિઓથી ધમધમે.

આ આખીય રેસમાં કેથોલિક મિશન સૌથી મોડું અને છેલ્લું પ્રવેશ્યું. પણ જર્મન મિશનરીઓના પહેલા ફાલે આ બીડું ઝડપ્યું અને સામાજિક ન્યાય, આર્થિક વિકાસ અને સાક્ષરતાના ત્રિપાંખિયા મુદ્દાઓને કેન્દ્રમાં રાખી અનેક વિરોધો, અવરોધો વચ્ચે પણ મજબૂત કેથોલિક ધર્મસભાનો પાયો નાખવામાં સફળ રહ્યા. એક જ વાતે કેથોલિક મિશન પ્રોટેસ્ટન્ટ મિશનની બરાબરી કે મુકાબલો ન કરી શક્યું. તે હતું ડોકટરી સેવા.

લગભગ 100 વર્ષ સુધી પ્રોટેસ્ટન્ટ મિશનરી દવાખાનાંઓનો દબદબો રહ્યો. કેથોલિક મિશનરીઓ ચરોતરમાં આ ક્ષેત્રમાં નોંધ લેવા પૂરતું પણ પ્રદાન ન કરી શક્યા. મારી યાદશક્તિ મુજબ, છેલ્લે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, ગામડીના એક રૂમમાં માત્ર સાંજના સમયે, ખાસ તો બોર્ડિંગના છોકરાઓ માટે અને સ્થાનિક રહેવાસીઓ માટે બ્રધન બ્રાન્દ્રેસ એક નાનકડી ડિસ્પેન્સરી ચલાવતા. તેમના પછી બ્રધર જ્યોર્જ આવેલા. બ્રધર જ્યોર્જ પછી ખબર નથી. એ ડિસ્પેન્સરી પણ હવે તો સ્મરણમાં ઝાંખીજપ બની ગઈ છે!

(તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા લેખક આણંદના ગામડી ગામના છે અને હાલમાં કેનેડામાં વસવાટ કરે છે.)

One thought on “1874માં ગુજરાતમાં પ્રથમ તબીબી સેવાઓનો પ્રારંભ એક મિશનરી મહિલાએ કરાવેલો. મિશનરીઓએ આધુનિક મેડિકલ ટ્રીટમેન્ટનું પારણું ચરોતરમાં બાંધ્યું હતું. તમને ખબર છે, ચરોતરમાં પહેલું ‘દવાખાનું’ ક્યાં અને કોણે ખોલ્યું હતું?

  1. સાલ્વેશન આર્મી એ ગામડા થી દુર પરા વસાવ્યા હતા અને જમીનો આપી આર્થિક ઉપાર્જન ની વ્યવસ્થા ઉભી કરી હતી.આજે પણ ખ્રિસ્તી પૂરા,સાન્સ પૂરા, બાર્કલીપુરા,બ્રુખીલ જેવા પરા ખ્રિસ્તી વસાહતો થી મોજૂદ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!