ગુજરાતની 6 મહાપાલિકામાં સાવ ઓછું મતદાન, કોના માટે બનશે વરદાન?

ગુજરાતની 6 મહાપાલિકામાં સાવ ઓછું મતદાન, કોના માટે બનશે વરદાન?

સરેરાશ 42 ટકા વોટિંગથી રાજકીય પાર્ટીઓના શ્વાસ અધ્ધરઃ અમદાવાદમાં સૌથી ઓછું મતદાન થતાં સત્તાધારી ભાજપની વધી ચિંતા ગઈ : છેલ્લા કલાકોમાં કાર્યકરોને દોડાવવા પડ્યા

 

અમદાવાદ

 

ગુજરાતની 6 મહાનગરપાલિકાઓમાં રવિવારે યોજાયેલા મતદાનમાં તદ્દન નિરસ મતદાન થયું છે. સાંજે છ વાગ્યા સુધીમાં ફક્ત 42 ટકા જેટલું જ મતદાન થતાં રાજકીય પાર્ટીઓમાં ચિંતા પ્રસરી છે. કોરોના સંકટને કારણે આટલું ઓછું મતદાન થયું હોવાનું કહેવાય છે પણ, અંદરખાનેથી લોકોમાં પેટ્રોલ અને ડીઝલ સહિતના ભાવ વધારા સામેનો આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. આ જ કારણથી રવિવારે ઓછા મતદાનને જોઈને ભાજપ ચિંતામાં મુકાઈ ગયો હતો અને સાંજે ચાર વાગ્યા પછી તેણે ઠેરઠેર કાર્યકરોને દોડાવ્યા હતા. કાર્યકરોને દોડાવ્યા તે પછી મતદાનમાં થોડી ગતિ આવી હતી. ત્યાં સુધીમાં સરેરાશ 25 ટકાથી 35 ટકા સુધીનું જ મતદાન થયું હતું. 23 ફેબ્રુઆરીએ મતગણતરી યોજાશે.

છ મહાપાલિકાઓ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરની ચૂંટણીમાં 2200 ઉમેદવારોના ભાવી EVM મશીનમાં કેદ થયાં છે. રવિવારે સવારથી જ મતદાન ધીમું હતું. તમામ શહેરોમાં પૂર્વ વિસ્તારોમાં બપોર બાદ અચાનક ઉછાળો આવ્યો હતો. જ્યારે શહેરના પશ્ચિમ વિસ્તારોમાં લોકો બહાર ન નીકળ્યા હોતા. એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હોવાના અહેવાલ છે. ગત ચૂંટણીઓની સરખામણીએ ઓછું મતદાન થયું છે. આજે સામાન્ય મતદાન થયું છે. અમદાવાદમાં સૌથી ઓછું સરેરાશ 35 ટકા મતદાન નોંધાયું છે. સુરતમાં 42 ટકા, રાજકોટમાં 45 ટકા, ભાવનગરમાં 44 ટકા, વડોદરામાં 45 ટકા અને જામનગરમાં સૌથી વધુ 49 ટકા સરેરાશ મતદાન થયું છે.

મહાનગરપાલિકામાં ધીમા મતદાનના કારણે ભાજપનું ટેન્શન વધી ગયું છે. સવારથી અમદાવાદમાં આખા રાજ્યમાં અન્ય શહેરોની તુલનામાં ખૂબ ઓછું મતદાન થઈ રહ્યું હતું તેને કારણે ભાજપની ચિંતા વધી છે. પાર્ટીની પેજ સમિતિની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા હતા.  ભાજપે છેલ્લી ઘડીએ વોર્ડ પ્રમુખ અને પેજ પ્રમુખોને દોડાવ્યા છે. છેલ્લા કલાકોમાં મતદાન કરાવવા માટે કાર્યકરોને દોડાવવા પડ્યા હતા.

અમદાવાદમાં પશ્ચિમની સરખામણીએ પૂર્વમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. રામોલ,હાથીજણ, હાટકેશ્વર, અમરાઈવાડી સહિતનાં વિસ્તારોમાં મતદાન માટે લાઇનો લાગી હતી અને મતદાન કરતા મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળતો હતો.

અમદાવાદ, સુરત સહિત અનેક સ્થલોએ EVMમાં ગરબડીની ફરિયાદ થઈ હતી. ગ્યાસપુરના બુથ નંબર 3ના EVMમાં ખામી સર્જાઈ હતી. ત્રણ વાર બટન દબાવવા છતાં મત પડતો નથી તેવી મતદારોની ફરિયાદ હતી. જુહાપુરામાં એ-વન સ્કૂલમાં મતદાન પ્રક્રિયા ખોરવાતાં મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર હુમલાની ઘટના સામે આવી છે.  આપ કાર્યાલયમાં તોડફોડની ચર્ચામાં મામલો ઉગ્ર બન્યો હતો. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે આ તમામ ઘટનામાં ભાજપનો હાથ છે.

સુરતના વોર્ડ નં-18માં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આચાર સંહિતાના ઉલ્લંઘનની વાત હતી. બૂથ બહાર ડમી EVM દ્વારા મતદાન શીખવાડાતું હોવાનું વિડિયોમાં જોઈ શકાતું હતું. આ બૂથ બહાર ભાજપને વોટ આપજો એમ ખુલ્લેઆમ ત્યાં બેઠેલા લોકો મતદારોને કહેતા સંભળાતા હતા. વડોદરામાં નૂતન સ્કૂલના મતદાન કેન્દ્રમાં સાંસદ રંજનાબેન ભટ્ટ પ્રવેશતાં ધમાલ થઇ હતી. વોર્ડ નં-2ના કોંગ્રેસના ઉમેદવારના ભાઇએ હોબાળો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!