એક વખતે આણંદની ‘લક્ષ્મી’માં ‘રામ ઔર શ્યામ’ જોવા અમદાવાદ, વડોદરાથી લોકો આવતા, શો અડધો કલાક મોડો શરૂ કરાતો

એક વખતે આણંદની ‘લક્ષ્મી’માં ‘રામ ઔર શ્યામ’ જોવા અમદાવાદ, વડોદરાથી લોકો આવતા, શો અડધો કલાક મોડો શરૂ કરાતો

નારના પૂનમભાઇ સી.પટેલ, આણંદના લીલાવતી સેન્ટરવાળા  વી.સી. દેસાઇ, શાંતિભાઇએ મળીને લક્ષ્મી ટોકિઝ ભાગીદારીમાં બનાવી હતીઃ ૧૯૬૭માં દિલીપકુમારનું રામ ઓર શ્યામ  રિલીઝ થયું. વડોદરા,અમદાવાદને બાકાત રાખીને પૂનમભાઇ આ પિકચર લઇ આવ્યા હતા

 

અશોક પરમાર

 

આણંદની મધ્યમાં કહો કે રેલવે બસ સ્ટેન્ડથી સાવ નજીકની કહો, એક સમયે સૌથી સારી ગણાતી કહો સૌની માનીતી લક્ષ્મી ટોકિઝ હવે ભૂતકાળ બની ગઇ છે. ભવિષ્યમાં તે એક શોપીંગ સેન્ટર બની જશે. આણંદમાં છેલ્લે બે જ સિંગલ સ્ક્રીન થિયેટરો રહ્યાં હતાં. કલ્પના અને લક્ષ્મી એક જ રોડ પર આવેલી ટોકિઝો. આ બે થિયેટરોમાં પહેલાં ગુજરાતી ફિલ્મો લાવવામાં હોડ ચાલતી. આ બધું હવે ઇતિહાસ બની ગયું છે. 15મી માર્ચે કોરોનાને કારણે થિયેટરો બંધ થઇ ગયાં. એ દિવસોમાં જ નકકી થઇ ગયુ હતું કે સિંગલ સ્ક્રીન થિયેટરોને સૌથી વધુ માર પડશે. બન્યું પણ એ જ. લક્ષ્મી બંધ થઇ ગઇ. હવે શહેરમાં કલ્પના ટોકિઝ એક માત્ર સિંગલ સ્ક્રીન ટોકીઝ રહી છે.

આ પહેલાં ૨૦૦૫માં ગોપાલ, ૨૦૧૧માં સ્વસ્તિક અને ૨૦૧૫માં તુલસી ટોકિઝ બંધ થઇ ગઇ. ૨૦૧૧માં માય નેમ ઇઝ ખાન પછી ગોપી પણ બંધ પડી ગઇ. સાત સાત થિયેટરોવાળા આણંદમાં રાજશ્રી ટોકિઝે મલ્ટીપ્લેકસનું સ્વરૂપ ધારણ કરી લીધું અને બાકીની ટોકીઝો ખતમ થઇ ગઇ. ૧૯૬૪માં નારના પૂનમભાઇ સી.પટેલ, આણંદના લીલાવતી સેન્ટરવાળા વી.સી. દેસાઇ અને શાંતિભાઇ(બચુકાકા)એ ભેગા થઇને લક્ષ્મી ટોકિઝ ભાગીદારીમાં બનાવી હતી. જે 56 વર્ષ સુધી આણંદગરાઓનું મનોરંજન કરતી રહી. જયપુરમાં તે સમયે રાજમહેલ નામનું થિયેટર હતું. તેનાથી ઇન્સપાયર થઇને લક્ષ્મી ટોકિઝને એવો ઓપ અપાયો હતો. ઝુમ્મરો અને લાઇટીંગ કરાયું હતું. ગોપાલ અને સ્વસ્તિક બાદ લક્ષ્મી ત્રીજા નંબરે બની હતી. ૧૯૬૪ના જૂનમાં તેને ખુલ્લી મુકાઇ ત્યારે પ્રથમ પિકચર ફુલો કી સેજ હતું. ફર્સ્ટ,સેકન્ડ અને બાલ્કની થઇ 666 સીટનું આ સુવિધાત્મક થિયેટર હતું.

ત્યારે આજના જેવાં સાધનો  નહોતાં એટલે  બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનથી નજીક હોય તે થિયેટરો વધુ ચાલતાં. લક્ષ્મી ટોકિઝ ત્યારે સૌથી સરસ હતી. શહેરના હાર્દમાં હતી. એટલે સારામાં સારી ચાલતી. રાત્રે  12.30 વાગ્યે છેલ્લી બસ ઉપડતી એટલે ગામડાંના લોકો પિકચર જોઇ બસ સ્ટેશને પહોંચી શકતા હતા. વડોદરા તરફ જતી રાતની એક વાગ્યાની લોકલ ટ્રેન પણ હતી. આણંદ ત્યારે નાનું શહેર હતું એટલે પિકચરો મોટા શહેરમાં આવ્યા બાદ આણંદમાં આવતાં. પણ, લક્ષ્મી ટોકિઝે આ પરંપરા તોડી. ૧૯૫૦થી ૭૦ના ગાળાના દિલીપકુમારના નામના સિકકા પડતા. ૧૯૬૭માં દિલીપકુમારનું ડબલ રોલવાળુ રામ ઓર શ્યામ  રિલીઝ થયું. વડોદરા અને અમદાવાદને બાકાત રાખીને પૂનમભાઇ પટેલ લક્ષ્મીમાં પિકચર લઇ આવ્યા હતા. અમદાવાદ અને વડોદરાના દર્શકો માટે તેમણે શો અડધો કલાક મોડો શરૂ કરાવ્યો હતો. બંને તરફથી ટ્રેનો આવી જાય પછી જ શો શરૂ થતો. થિયેટરમાં બ્લેક કરનારા આ પિકચરમાં સૌથી વધુ કમાયા હતા. ડિસ્ટ્રીબ્યુટરે રામ ઔર શ્યામ લક્ષ્મીમાં  ચાલ્યું ત્યાં સુધી વડોદરા અને અમદાવાદના થિયેટરોને પ્રિન્ટ ન હોતી આપી. ૧૯૭૦માં જહોની મેરા નામ લક્ષ્મીમાં આવ્યું હતું અને તે ૧૦૦ દિવસ ચાલતાં તેની ટ્રોકી આપવામાં આવી હતી. જે ટોકીઝના કાચનાં બોર્ડની ઉપર મૂકવામાં આવી હતી. ઝંઝીર અને દિવાર બાદ શોલે પિકચરે અમિતાભને માઇલેજ આપ્યું હતું. શોલે તા. ૧૫ ઓગષ્ટ ૧૯૭૫માં લક્ષ્મી ટોકીઝમાં આવ્યું હતું.  અને 7 વીક ચાલ્યું હતું. સપ્ટેમ્બરમાં નવરાત્રિ શરૂ થઇ ત્યારે લક્ષ્મી ચોકડી અને ગોપાલ ચોકડી પાસે ગરબા રમાતા હતા. મોટાભાગના યુવાનો ગરબા જોવાને બહાને ઘરેથી નીકળતા અને લક્ષ્મીમાં શોલે  જોવા બેસી જતા. ૧૯૭૫માં લક્ષ્મી ટોકિઝ દ્વારા જ બનાવાયેલું મેના ગુર્જરી પિકચર રિલીઝ  થયું હતું. લોકો મજાકમાં મેના ગુજરી કહેતા હતા. આ પિકચરે  લક્ષ્મી ટોકિઝમાં ૨૫ વીક પૂરાં કર્યાં હતાં. તેનો ગરબો સાથિયા પુરાવો રાજ, દિવડા પ્રગટાવો રાજ લોકપ્રિય થયો હતો. ગરબાના રચયિતા કવિ રમેશ ગુપ્તાને આ ફિલ્મ માટે અમદાવાદમાં ટાગોર હોલમાં એવોર્ડ અપાયો હતો.

૧૯૬૭માં રામ ઔર શ્યામ  ફિલ્મએ લક્ષ્મી ટોકીઝને દામ કમાવી આપ્યા હતા તો ૧૯૭૭માં આવેલા દિલીપકુમારના સારામાં સારા ગીતોવાળું બૈરાગ પિકચર પીટાઇ ગયું હતું. દિલીપકુમાર ત્રણ રોલમાં હતા છતાંય પિકચરને ઉગારી શકયા ન હોતા. શોલે પછી ૧૯૭૬માં અમિતાભનું કભી કભી લક્ષ્મીમાં આવ્યું હતું.  જે 6 વીક ચાલ્યું હતું. 1978ના મે મહિનામાં બચ્ચનું ત્રિશુલ આવ્યું હતું અને એ સારું ચાલ્યું હતું. ત્યારબાદ ૧૯૭૮ના ડિસેમ્બરની તા.૨૨ના રોજ મુકદર કા સિકંદર આવ્યું અને 17 વીક ચાલ્યું હતું.  રોજ ૩ થી ૬ અને ૯ થી ૧૨ના શોમાં બ્લેક બોલાતી હતી. 2017માં આવેલા બાહુબલી-2 વખતે લોકો કિડિયારાની જેમ ઉમટતા હતા. એવી જ રીતે મુકદર કા સિકંદરમાં પણ માનવ મહેરામણ ઉમટતો.

અમિતાભના પિકચરોએ ૧૯૭૭માં દીલીપકુમારને બૈરાગ અને ૧૯૭૮માં રાજેશ ખન્નાના છૈલાબાબુ અને આશીક હું બહારો કા ને પછાડયા હતા. લક્ષ્મી ટોકિઝની બાલ્કની છે ત્યાં મુકદર કા સિકંદરનું કાપડનું મોટું બોર્ડ લટકાવ્યું હતું. જેમાં અમિતાભનો રિવોલ્વરવાળો ફોટો મોટો હતો. એ સિવાય રેખાની ડાન્સ મુવમેન્ટ તથા વિનોદખન્નાને ગોળી વાગેલ અને તેને ટેકો આપતી રાખીનો સીન દોરેલો હતો. ટોચ પર લક્ષ્મી ટોકિઝ લખેલું છે ત્યાં બચ્ચનું  બાઇકવાળું પોસ્ટર મૂકેલું હતું. પાછળ સાયકલ સ્ટેન્ડ પાસે અમિતાભ અને અમજદખાન વચ્ચેની ફાઇટનું પોસ્ટર મૂકેલુ હતું. લોકનજરમાં આજે પણ આ દશ્ય અંકિત થઇ ગયેલું છે.

મુકદર કા સિકંદર બાદ ૧૯૭૯માં બચ્ચનનું  દો અંજાને  પિકચર આવ્યું હતું. અમિતાભ અને રેખાની  જોડી છતાંય પિકચર પીટાય ગયું હતું. ત્યારબાદ ઘ ગ્રેટ ગેમ્બલર આવ્યું હતું.  જે 9 વીક ચાલ્યું હતું. ૧૯૮૦ના ઓગસ્ટમાં કુરબાની રીલીઝ થયું. નડિયાદની વૈશાલી ટોકિઝમાં મુંબઇની સાથે જ તે પડયું હતું. આણંદમાં ૨૨ ઓગસ્ટથી ગોપી ટોકીઝમાં પિકચર લાવવાનું  નકકી થયું. તેની પબ્લીસીટી માટે ૧૫ ઓગસ્ટવાળા વીકમાં શોલે લાવવામાં આવ્યું. કુરબાનીની બમ્પર પબ્લિસીટી  થઇ. બ્લેક કરનારાઓને જબ્બર આશા બંધાઇ પરંતુ રાતોરાત તા. ૨૧મીએ લક્ષ્મીમાં કુરબાની લાવી દેવાયું. આ ઓછું હોય તેમ વિદ્યાનગરની ત્રિમુર્તિ ટોકીઝમાં પણ  અહીંથી  પ્રિન્ટ ત્યાં આપવાનું નકકી થયું. આમ, એક સાથે ત્રણ ટોકીઝમાં કુરબાની આવતાં બ્લેક માર્કેટ ઠંડુ થઇ ગયું. લક્ષ્મીમાં પહેલા ચાર દિવસ બ્લેક બોલાયું હતું. પછી પિકચર ઠંડુ પડી ગયું હતું.

૧૯૮૦ના અંતમાં બચ્ચનનું સત્તે પે સત્તા લક્ષ્મીમાં આવ્યું હતું. ત્યારબાદ 1981ના ઉનાળુ વેકેશનમાં મનમોહન દેસાઇ સાથેનું બચ્ચનનું નસીબ પિકચર આવ્યું હતું. જેના ગીતોની રેકર્ડ એ છેલ્લી રેકર્ડ હતી. ત્યારપછી ટેપ રેકર્ડનો યુગ શરૂ થયો હતો. ઘરેઘરે ગીતો ગુંજતાં થઇ ગયાં હતા. સત્તે પે સત્તા અને નસીબ આ બંને પિકચરો આણંદમાં બહુ ચાલ્યાં હતાં. 1981માં ગરવો ગરાસિયો પિકચર આવ્યું હતું જે 11 વીક ચાલ્યું હતું. ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જાડીનું આ આખરી સુપરહીટ હતું. લગભગ 6 વીક સુધી સતત આ પિકચરમાં બ્લેક બોલાઈ હતી. 1975થી ૧૯૮૧ સુધી અમિતાભના સારાં પિકચરો લક્ષ્મીમાં જ આવ્યાં હતાં. છેલ્લા 1985ની દીવાળી પર ગોપાલની સાથે જ લક્ષ્મીમાં પણ અમિતાભનું મર્દ આવ્યું હતું અને 4 વીક ચાલ્યું હતું. દેશપ્રેમી લક્ષ્મીમાં ૧૯૮૪માં આવ્યું હતું અને 4 વીક ચાલ્યું હતું. લક્ષ્મી ટોકીઝના માલિકોનો જ વડોદરામાં લક્ષ્મી સ્ટુડીયો હતો. તેના પ્રોડયુસરો પૂનમભાઇને ફરિયાદ કરતા કે અમારે આણંદમાં ગુજરાતી પિકચર લાવવું હોય તો લક્ષ્મી ટોકિઝ ખાલી મળતી નથી એટલે પૂનમભાઇએ છેલ્લા ૩૫ વર્ષથી ગુજરાતી પિકચરને પ્રાધાન્ય આપવાનું નકકી કર્યું જેને પગલે ઉપેન્દ્ર બાદ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર બનેલા નરેશ કનોડિયાના હિરણને કાંઠે, જોગ સંજોગ, ઢોલા મારુ, ઉપેન્દ્રનું  પ્રીત ખાંડાની ધાર, સંપૂર્ણ મહાભારત, ખાપરો ઝવેરી, રાજા ભરથરી, કાદુ મકરાણી , સંતુ રંગીલી જેવાં ઢગલાબંધ ગુજરાતી પિકચરો લક્ષ્મીમાં આવ્યાં હતાં.

આ ગાળા દરમ્યાન રાજેશ ખન્ના, ધમેન્દ્ર અને વિનોદ ખન્નાનું રાજપૂત, ૧૯૮૩માં સન્ની દેઓલનું બેતાબ, ધમેન્દ્ર-મિથુનનું બાજી,  ધમેન્દ્ર-જીતેન્દ્રનું બદલે કી આગ, જીતેન્દ્રનું મિસ્ટર કન્વરલાલ, ૧૯૮૭માં કયામત સે કયામત તક અને તેજાબ, જેવી હીટેહીટ હિન્દી ફીલ્મો આવતી રહી. ૧૯૯૦માં આશિકી, શ્રીદેવીનું સૌથી હીટ ચાંદની પણ લક્ષ્મીમાં આવ્યું અને 23 વીક ચાલ્યું હતું.આ ગાળામાં તુલસી અને ગોપીનો દબદબો વધ્યો હતો. છતાંય લક્ષ્મીની છાપ યથાવત્ રહી હતી. ૧૯૯૫ સુધી લક્ષ્મી ટોકિઝ કયારેય રી-રન પિકચર નહોતું લાવ્યું. ગુજરાતી કે હિન્દી લાવવું તો નવું જ પિકચર લાવવું એ મંત્ર તેમણે પકડી રાખ્યો હતો.

૧૯૯૫માં લક્ષ્મીમાં દિલવાલે  દુલ્હનીયાં  લે જાયેંગે  પિકચર આવ્યું હતું. દેશભરમાં તેનો  જબ્બર ક્રેઝ ચાલ્યો. લક્ષ્મીમાં આ પિકચર 25 વીક ચાલ્યું. પૂનમભાઇ પટેલના ત્રીજી પેઢીના વારસદાર અવનીબેન પટેલ જણાવે છે કે મિત્રો, ઓળખીતાઓ આ પિકચરની  ટિકિટ  મેળવવા બહુ દબાણ કરતાં, ચીઠ્ઠી લખી આપો તેલી માંગણી કરતાં, લોકો ઘરે દોડી આવતા. રાતના શોમાં આવું ખાસ થતું એટલે તેઓ ઘરની લાઇટ બંધ કરી દેતા. ૧૯૯૫ પછી ૨૦૦૪માં ગુજરાતી પિકચર ધુળકી તારી માયા લાગી બમ્પર હીટ ગયું હતું અને 11 વીક ચાલ્યું હતું. ૨૦૦૭માં હિતેન બારોટ અને વિક્રમ ઠાકોરનું એક વાર પિયુને મળવા આવજે  પિકચર આવ્યું જે ૩૧ વીક ચાલ્યું હતું. અમિતાભનું કોઇ પિકચર આણંદમાં 25 વીક નથી ચાલ્યું. રાજેશ ખન્નાનું હાથી મેરે સાથી રાજેશ્રીમાં 25 વીક ચાલ્યું હતું, જ્યારે ખાસ કશુંય  ન હોવા છતાં વિક્રમ ઠાકોરના એક વાર પિયુને  મળવા આવજે પિકચરે 31 વીક ચાલી રેકોર્ડ સર્જયો હતો. જે હવે કયારેય તૂટશે નહી.

2 thoughts on “એક વખતે આણંદની ‘લક્ષ્મી’માં ‘રામ ઔર શ્યામ’ જોવા અમદાવાદ, વડોદરાથી લોકો આવતા, શો અડધો કલાક મોડો શરૂ કરાતો

  1. લક્ષ્મી સિનેમામાં સાઈ પરાંજપેની “ચશ્મેબદ્દુર” અને નાસીર-ઓમપુરીની “સ્પર્શ” જોયેલી.નવીન નિશ્ચલની “તીસરી કસમ”, જીતેન્દ્ર-સંજીવ કુમાર-મૌસમીની “સ્વયંવર” જોયેલી.મિથુનની “ડિસ્કો ડાન્સર” પણ ખૂબ ચાલેલી.યશ ચોપરાની “ત્રિશૂલ” ફિલ્મથી ગીતોની કેસેટ આવવાની શરૂઆત થઈ.”મુકદ્દર કા સિકંદર” નવરાત્રીના સમયે રિલીઝ થયેલી જે બે દિવસ સતત જોયેલી.પૂનમભાઇ છબાભાઇ પટેલે “છાયા ટોકીઝ”બનાવી જેમાં પહેલી ફિલ્મ ગુજરાતી ફિલ્મ “સોળે સજ્યા શણગાર” રિલીઝ થયેલી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!