આંકલાવના ચમારામાં રાતે બે વાગ્યે જેને સળગાવી દેવામાં આવી તે પરિણિતા કોણ? ચકચારી ઘટનામાં આરોપીઓ CCTVમાં કેદ, પોલીસ કેસ ઉકેલવાની દિશામાં

આંકલાવના ચમારામાં રાતે બે વાગ્યે જેને સળગાવી દેવામાં આવી તે પરિણિતા કોણ? ચકચારી ઘટનામાં આરોપીઓ CCTVમાં કેદ, પોલીસ કેસ ઉકેલવાની દિશામાં

ગામમાંથી પસાર થતી મહીસાગર નદીના કાંઠે આવીને મોડી રાતે પાપ છુપાવવાના આશયથી કોઈએ ધાર્મિક સંસ્કાર કર્યા વિના મહિલાને બાળી નાંખી, ઘટનાસ્થળેથી અર્ધા બળેલા પગ, મંગલસૂત્ર અને બંગડીઓ કબજે લેવાઈ

 

આણંદ

 

આંકલાવ તાલુકાના ચમારા ગામમાં એક એવી ઘટના બની છે જેના પગલે આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. સામાન્ય રીતે, કોઈ મરી જાય તો તેને સ્મશાનમાં લાકડાની ચિતા પર અગ્નિદાહ આપવામાં આવે છે પણ આ કેસમાં મહિલાને ખુલ્લી સીમમાં વાહનનાં ટાયરો સાથે બાળી દેવામાં આવી છે. પુરાવાનો નાશ કરવા માટે શાતિર આરોપીઓએ કરેલું આ પાપ જોકે, છાપરે ચઢીને પોકારી રહ્યું છે. ઘટનાસ્થળેથી પોલીસને મહિલાનું મંગળસૂત્ર અને બંગડીઓ મળી આવ્યાં છે.

પોલીસને ચમારા ગામની દુધ મંડળીએ લગાવેલા CCTV કેમેરામાંથી કેટલાંક ફૂટેજ મળ્યાં છે જેમાં રાતના સવાથી દોઢ વાગ્યાના અરસામાં એક નાનો ટેમ્પો અહીંથી પસાર થતો જોવા મળી રહ્યો છે. પોલીસ હવે આ ફૂટેજને આધારે એ શાતિર અપરાધીઓને શોધી રહી છે. ગામના એક વડીલની પૂછતાછમાં પોલીસને એવું જાણવા મળ્યું છે કે આ ટેમ્પો એ રાતે આવ્યો હતો. વડીલે કહ્યું કે, સામાન્ય રીતે, આ ગામમાં શાકભાજી વેચનારા લોકો રાતે વડોદરા બાજુ ધંધો કરવા માટે જતા હોય છે. તેમને એમ કે કોઈ શાકભાજી લઈને જતું હશે.

પોલીસ હવે પાછલા 15 દિવસના કેટલાક રેકોર્ડ ચેક કરે તેમ બની શકે. ડમ્પ મોબાઈલ ડેટાના આધારે પણ ચમારા ગામમાં કોણ આવ્યું અને રોકાયું હતું તે જાણી શકાય તેમ છે. આ ઉપરાંત, વડોદરા, આણંદ અને ખેડા જિલ્લામાં છેલ્લા 15 દિવસ દરમિયાન કોઈ મહિલા અચાનક ગુમ થઈ ગઈ હોય તો તેની પણ તપાસ થઈ શકે છે. એકવાર આટલો ડેટા મળી જાય પછી આરોપીઓ પોલીસની પકડમાં આવી જાય તેમ છે.

ચમારા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીના તટ પર અજાણ્યા લોકો પંદરેક દિવસ પહેલાં રાતે આવીને મહિલાને સળગાવીને ભાગી ગયા હતા. જો ગામમાં મોતની ઘટના ના નોંધાઈ હોત તો આ કેસ ત્યાં જ પૂરો થઈ ગયો હોત પણ, એક મોતને કારણે સમશાનયાત્રામાં જઈ રહેલા લોકોના ધ્યાનમાં આ ષડયંત્ર બહાર આવ્યું હતું.

16મી ફેબ્રુઆરીના રોજ ચમારા ગામમાં રહેતા બકાભાઈ પઢીયારનું મૃત્યું થયું હતું. તેમને અગ્નિસંસ્કાર કરવા માટે ગ્રામજનો નદી કિનારેના તટ પર ગયા હતા. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાંથી દસેક ફૂટ દૂર કોઈને અગ્નિસંસ્કાર અપાયો હોવાનું જોયું હતું. જોકે, એ સમયથી જ લોકોમાં કુતુહલ સર્જાયું હતું. પરંતુ તેઓએ ખાસ ધ્યાન આપ્યું નહોતું અને મૃતકને અગ્નિસંસ્કાર આપીને ત્યાંથી જતા રહ્યા હતા. જોકે, બકાભાઈના અંતિમ સંસ્કાર બાદ તમામ લોકો પરત આવ્યા એ પછી ગ્રામજનોમાં ચર્ચા એ હતી કે, મૃતદેહ ગામમાં આવીને સળગાવી કોણ ગયું? કારણ કે, કેટલાંક લોકો ત્યાં નજીક ગયા ત્યારે ત્યાં અર્ધ બળેલી હાલતમાં પગનો ભાગ, અસ્થિ અને કેટલીક બંગડીઓ પડેલી જોઈ હતી. વધુમાં કોઈ પણ પ્રકારની હિંદુ ધાર્મિક વિધિ કર્યા વિનાનો એ મૃતદેહ છોડી દેવાયો હતો. મૃતક પરણિતા હોવાનું અનુમાન હાલ લાગી રહ્યું છે.

માંડ પાંચેક હજારની વસ્તી ધરાવતા ચમારા ગામમાં કોઈ પણનું મૃત્યુ થાય ત્યારે તેની જાણ સમગ્ર ગામવાસીઓને થઈ જતી હોય છે. ગામમાં રહેતા ભઈલાલભાઈ પઢીયારે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ગામમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે દરેક મંદિરમાં આરતી ન કરવાનો રિવાજ છે. જોકે, એ દિવસે આવું કંઈ જ ગામમાં બન્યું નથી. વધુમાં સમગ્ર ઘટનામાં અચરજ પમાડે તે એ છે કે, છેલ્લાં દસ દિવસમાં ગામમાં માત્ર બેના જ મોત નીપજ્યાં છે. જેમાં ગત 16મી તારીખે બકા પઢીયારનું અને ત્યારબાદ 18મીના રોજ મંછાબેન પઢીયારનું મૃત્યુ થયું હતું. એ સમયે બંને જણને તેઓ પટ પર જ અગ્નિસંસ્કાર આપવા ગયા હતા ત્યારે સમગ્ર વાત પ્રકાશમાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!