કેનેડા જતાં પહેલાં આટલું અવશ્ય કરજો, નહીંતર 6 મહિનાની જેલ અને 7,50,000 ડોલરનો દંડ ભરવો પડશે

કેનેડા જતાં પહેલાં આટલું અવશ્ય કરજો, નહીંતર 6 મહિનાની જેલ અને 7,50,000 ડોલરનો દંડ ભરવો પડશે

હવેથી જે લોકો કેનેડાની ભૂમિ પર 72 કલાક પહેલાંનો નેગેટિવ PCR ટેસ્ટ લઈને નહીં જાય તેને એરપોર્ટ પર 3,000 ડોલરનો દંડ ફટકારાશેઃ 14+3 દિવસનો કોરેન્ટીન પિરિયડ પણ ફરજિયાત

 

ટોરન્ટો

 

કેનેડાએ દરેક ટ્રાવેલર્સ માટે કોવિડ-19નો નેગેટિવ ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. જે લોકો બહારથી કેનેડા આવે છે તેમણે કોરોનાનો નેગેટિવ ટેસ્ટ દર્શાવવો પડશે અથવા દંડનો સામનો કરવો પડશે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતે આ જાહેરાત કરી છે. ટ્રુડોએ કહ્યું હતું, 15મી ફેબ્રુઆરીથી, તમે જ્યારે પણ કેનેડા જમીનની સરહદેથી પ્રવેશ કરો ત્યારે તમારે કોરોનાનો નેગિટવ ટેસ્ટ ફરજિયાત દર્શાવવો પડશે. કોરોના માટે થતો PCR ટેસ્ટ 72 કલાક પહેલાંનો હોવો જોઈએ. એર ટ્રાવેલમાં પણ આ નિયમ લાગુ કરાયો છે.

PCR(polymerase chain reaction)ટેસ્ટ કોરોના વાયરસની બીમારી માટે થાય છે. તેમાં શરીરનાં કોઈપણ અંગમાંથી જેનેટિક મટિરિયલ લેવામાં આવે છે અને તેનો ટેસ્ટ કરાય છે. જો કોઈ વ્યક્તિને કોરોનાનો ચેપ હોય તો, આ ટેસ્ટમાં તે તરત પકડાઈ જાય છે. આ ટેસ્ટ મોટાભાગે નાકમાંથી લેવામાં આવતાં સ્વોબ પર થતો હોય છે. એ જ દિવસે આ ટેસ્ટનું રિઝલ્ટ આપી દેવામાં આવે છે. કેનેડાના બોર્ડર કંટ્રોલ એજન્ટો પાસે કોઈ PCR ટેસ્ટ વિના કેનેડામાં પ્રવેશતું હોય તો તેને રોકવાનો કે અરેસ્ટ કરવાનો કોઈ અધિકાર નથી. પણ, જો કોઈ વ્યક્તિ બહારથી આવી હોય અને પોતાનો નેગેટિવ રિપોર્ટ બતાવવામાં અસમર્થ રહે તો તેણે 3,000 કેનેડિયન ડોલર દંડ ભરવો પડે છે.

કેનેડાના નાગરિકોને સુરક્ષિત રાખવા માટે અમે આ પગલાં ભરી રહ્યાં છીએ. ખાસ કરીને, જે લોકો કેનેડાની બહારથી આવી રહ્યા છે અને દુનિયામાં ફરી રહ્યા છે તે લોકો માટે આ ટેસ્ટ ફરજિયાત બનાવાયો છે. અમે એ તમામ પગલાં ભરવા માગીએ છીએ જેનાથી લોકો સુરક્ષિત રહેતા હોય, તેમ ટ્રુડોએ કહ્યું હતું. કેનેડાએ ગયા સપ્તાહમાં લોકોને બિનજરૂરી ટ્રાવેલિંગ ન કરવા માટે તાકિદ કરી તે પછી આ નવો નિયમ જાહેર કર્યો છે.

જાન્યુઆરીમાં, કેનેડાની સરકારે જે લોકો કોઈ કારણ વિના કેનેડામાં આવી રહ્યા છે તેમને માટે કેટલાક પગલાં જાહેર કર્યાં હતાં.

*આવાં ટ્રાવેલર્સે પોતાના ખર્ચે તેઓ જ્યારે એરપોર્ટ પર ઉતરે ત્યારે કોરોના ટેસ્ટ કરાવવા પડે છે.

*જે લોકો બહારથી કેનેડા આવે છે તેમણે પોતાના ખર્ચે સરકારે નક્કી કરેલી હોટેલમાં ત્રણ રાત રોકાવું પડે છે. જ્યાં સુધી તેમનો ટેસ્ટ નેગિટિવ ન આવી જાય ત્યાં સુધી તેમણે અહીં કોરેન્ટીન થવું પડે છે.

*આ ઉપરાંત, ટ્રાવેલર્સે પોતાના ખિસ્સામાંથી જમવાનો, સાફ સફાઈનો અને સિક્યોરિટીનો ખર્ચ આપવો પડે છે. આ ખર્ચ બે હજાર ડોલર સુધી થઈ જાય છે.

*આ ત્રણ દિવસ પછી ટ્રાવેલર્સે કેનેડામાં એ જ્યાં રહેવાનો હોય ત્યાં ફરજિયાતપણે 14 દિવસ સુધી કોરેન્ટીન રહેવું પડે છે. કેનેડા સરકારે ટ્રાવેલર્સ 14 દિવસના આ કોરેન્ટીન નિયમોનું પાલન કરે છે કે નહીં તે જોવા માટે ચાર સિક્યોરિટી કંપનીઓને પણ રોકી છે.

*જે લોકો કોરેન્ટીન પિરિયડ દરમિયાન બહાર નજર આવે છે તેમને છ મહિના સુધીની જેલની સજા ભોગવવી પડે તેવો નિયમ બનાવાયો છે. જો કોરેન્ટીનના નિયમોનું યોગ્ય પાલન જ ન થયું હોય તો તેવા વ્યક્તિએ 7,50,000 ડોલર સુધીનો દંડ પણ ભરવો પડે છે.

*ગયા મહિને કેનેડાએ અમેરિકા સિવાયના દેશોમાંથી આવનારા પ્રવાસીઓ માટે પણ આ નિયમ ફરજિયાત કર્યો હતો. 21મી ફેબ્રુઆરી સુધી આ પ્રતિબંધો જારી રહેવાના છે.

કેનેડાએ પણ દુનિયાનાં અન્ય દેશોની જેમ પોતાને ત્યાં પણ છેલ્લાં 11 મહિનાથી ટ્રાવેલિંગ પ્રતિબંધો જાહેર કરેલા છે. જોકે, જે લોકોને અનિવાર્ય હોય તેમને માટે ટ્રાવેલિંગની સુવિધા ખુલ્લી રાખી છે. કેનેડામાં પણ યુરોપની જેમ કોરોના મહામારીનો સેકન્ડ વેવ ચાલી રહ્યો છે. કેનેડાના નાગરિકો, પીઆર ધરાવતા લોકો તેમજ આ લોકોનાં સગાંસંબંધીઓને ટ્રાવેલ રિસ્ટ્રિક્શનમાંથી મુક્તિ આપવામાં આવેલી છે.

કેનેડામાં આ વર્ષે કોરોનાને કારણે આ ટેસ્ટ થઈ શક્યો નથી તેને લીધે આઠ મહિનામાં કેનેડિયન સિટિજનશીપ મળી હોય તેવા લોકોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનાથી કેનેડામાં નવા સિટિજન ઉમેરાયા નથી. એપ્રિલમાં ફક્ત પાંચ જણ કેનેડિયન નાગરિક બન્યા હતા. તેની સામે ફેબ્રુઆરીમાં 26,730 લોકો કેનેડાના નાગરિક બની ગયા હતા. માર્ચ મહિનાથી આ પ્રોસેસ બંધ થઈ ગઈ છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે 1,656 લોકો જૂન મહિનામાં સિટિજન બન્યા હતા. એ મહિનાથી ઓનલાઈન ટેસ્ટ શરૂ કરાયા હતા. જોકે, જૂન 2019ની સરખામણીમાં આ વર્ષે 20,667 સિટિજન ઓછા છે. 2020ના પહેલા છ મહિનામાં 62,696 લોકો સિટિજન બન્યા હતા. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 50,000નો વધારો તેમાં થયો હતો. એ વખતે કોરોના વાયરસનું સંકટ આવ્યું નહોતું. 2019ના પ્રથમ છ મહિનામાં કેનેડામાં 1,27,580 લોકો સિટિજન બન્યા હતા.

આ ઉપરાંત કેનેડાએ ઈમીગ્રેશન કન્સલ્ટન્ટ માટે નવી રેગ્યુલેટરી ગાઈડલાઈન પણ તૈયાર કરી છે. કોલેજ ઓફ ઈમીગ્રેશન એન્ડ સિટિજનશીપ કન્સલ્ટન્ટ એક્ટ અંતર્ગત આ નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. કોલેજ ઓફ ઈમીગ્રેશન એન્ડ સિટિજનશીપ કન્સલ્ટન્ટ(CICC) અગાઉની ઈમીગ્રેશન કન્સલ્ટન્ટ્સ ઓફ કેનેડા રેગ્યુલેટરી કાઉન્સિલ (ICCRC)નું સ્થાન લેશે. 26મી નવેમ્બરથી આ નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા પ્રમાણે ઈમીગ્રેશન કન્સલ્ટન્ટ માટે નવી લાયસન્સ પ્રથા લાગુ કરવામાં આવી છે. ઈમીગ્રેશનનું કામ કરનારા લોકોને વધુ જવાબદેય બનાવવા અને બોગસ લોકોને સિસ્ટમમાંથી હાંકી કાઢવાની કવાયતના ભાગરૂપે આ નવો કાયદો લાવવામાં આવ્યો છે.

(Disclaimer: ‘ઈમીગ્રેશન’ અંતર્ગત અપાતી થતી કોઈપણ માહિતી કે સૂચન સંપૂર્ણ સત્યતા ચકાસીને જ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આમ છતાં, જ્યારે પણ કોઈને નોકરી, જોબ કે વિદેશ જવાની ઈચ્છા થાય ત્યારે તેમણે સૌથી પહેલાં આ બાબતની ખરાનકરી પોતાની જાતે કરી લેવી. યાયાવર ચરોતર એ માટે જવાબદાર રહેશે નહીં.)

કેનેડામાં ઈમીગ્રન્ટ્સના પગાર-ભથ્થામાં જોરદાર વધારો, એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમના ઉદય સાથે જીવનધોરણ સુધર્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!