1962-63માં બ્રિટનમાં એટલી બધી બરફવર્ષા થઈ કે દરિયો પણ બરફ થઈ ગયેલો, હાથીને ગરમ રાખવા રમ પીવડાવવો પડતો

1962-63માં બ્રિટનમાં એટલી બધી બરફવર્ષા થઈ કે દરિયો પણ બરફ થઈ ગયેલો, હાથીને ગરમ રાખવા રમ પીવડાવવો પડતો

ડિસેમ્બરમાં ક્રિસમસ વિકથી શરૂ થયેલા સ્નોફોલે છેક માર્ચ મહિના સુધી બ્રિટનમાં તાંડવ મચાવ્યું હતુઃ પ્રાણીસંગ્રહાલયમાં સૌથી ખરાબ હાલત હતી, વાંદરાઓ ટપોટપ મરતા હતાઃ સવારે દુધ આપવા આવતો જીવંત મિલ્કમેન થોડીવાર પછી મૃતદેહ બની જતો

 

લંડન

 

બ્રિટનમાં એક અભિશાપ છે. દર પચાસ વર્ષના ગાળામાં આ દેશમાં કોઈને કોઈ એવી કુદરતી આપત્તિ આવે છે જેનાથી તેનું અર્થતંત્ર અને સામાજિક જીવન ડામાડોળ થતું રહે છે. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ વખતે સૌથી વધુ તારાજી બ્રિટને વેઠવાની આવી હતી. લંડન આખેઆખું સળગાવી દેવામાં આવ્યું હતું. જોકે, એ યુદ્ધ માનવનિર્મિત હતું એટલે તેમાં ખુદ માણસ જ કંટ્રોલ કરી શકે તેમ હતો. યુદ્ધ સિવાયની ઘણી તકલીફો જોકે, બ્રિટનને વેઠવી પડી છે એ હકીકત છે. અત્યારે પણ કોરોનાની મહામારીનો સૌથી વધુ સંતાપ બ્રિટનમાં છે. કોરોનાની સાથે હવે બરફનું ખતરનાક તોફાન પણ બ્રિટનમાં આવ્યું છે. બ્રિટનમાં આવાં તોફાનો અમુક વર્ષો પછી આવતાં રહે છે અને અગાઉના તોફાનોનો રેકોર્ડ તોડતાં રહે છે.

આ પહેલાં 1962-63ના વર્ષમાં બ્રિટનમાં બરફનું સૌથી ભયાનક તોફાન આવ્યું હતું. આ ઘટનાને ઈતિહાસમાં Great British Freeze of 1962-63 તરીકે ઓળખવામાં આવે છે. 1962માં ડિસેમ્બર મહિનામાં ક્રિસમસના દિવસો ચાલતા હતા ત્યારે જ આ તોફાન આવ્યું હતું અને બ્રિટનને થીજાવી દીધું હતું. બ્રિટનનમાં એટલો બધો બરફ આકાશમાંથી વરસવા લાગ્યો હતો કે એક તબક્કે એવું લાગતું હતું કે આ ક્યારેય હવે અટકશે નહીં. સતત ત્રણ મહિના સુધી બ્રિટનમાં બરફ વર્ષા થતી રહેલી. છેક માર્ચ મહિનામાં પહેલી વખત એવું બન્યુ કે, બરફવર્ષા વિના રાત પસાર થઈ. લોકો બહાર આવ્યા અને જોયું તો ક્યાંય સફેદ સિવાય કોઈ રંગ દેખાતો નહોતો.

કોઈપણ દિશામાં તમે નજર નાખો વ્હાઈટ કલર ચારેબાજુ વિખરાયેલો પડ્યો હતો. ઘર, ખેતરો, રસ્તાઓ અને ફેક્ટરીઓ બરફ નીચે દબાઈ ગયાં હતાં અને એ કેટલા ફૂટનાં થર હશે તેનો અંદાજ પણ લગાવી શકાય તેમ નહોતો. બરફનાં આ તાંડવ અંગે જુલિયેટ નિકલસન નામની લેખિકાએ ‘ફ્રોસ્ટક્વેક’ નામનું પુસ્તક લખ્યું છે. જે વખતે આ તાંડવ આવ્યું તે વખતે લેખિકા આઠ વર્ષની હતી. કેન્ટમાં સિસિંઘટ નામના સ્થળે તે ક્રિસમસ મનાવી રહી હતી. લેખિકાનો આખો પરિવાર ત્યાં હાજર હતો. નિકોલસને લખ્યું છે કે બોક્સિંગ ડે એટલે કે 26મી જાન્યુઆરીએ એક સવારે જ્યારે લોકો જાગ્યાં ત્યારે જોયું કે આકાશમાંથી ધીમેધીમે બરફવર્ષા થઈ રહી હતી. શરૂઆતમાં તો બધાંને એ સ્નોફોલ બ્યુટીફુલ લાગ્યો હતો પણ તે પછી દિવસે દિવસે તેણે તાંડવનું સ્વરૂપ ધારણ કર્યું. લેખિકા કહે છે કે એ દિવસે લિવરપુલમાં બર્મિંઘમ એક્સપ્રેસને બરફને કારણે એક્સિડન્ટ થયો હતો. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોની મદદે કોઈ પહોંચી શકે તેમ નહોતું એટલે ખુદ મુસાફરો મદદ માટે એક માઈલ દૂર ચાલીને આવ્યા હતા. એ વખતે રસ્તા પર બરફના ઢગલા થઈ ગયા હતા. આવા ઢગલાની વચ્ચેથી મુસાફરો ચાલીને આવતા હતા. આ ઘટનામાં ચાર બાળકો સહિત 18 લોકો માર્યા ગયા હતા.

લેખિકા કહે છે કે ત્રણ-ચાર દિવસમાં તો બરફ વર્ષાએ વરવું રૂપ ધારણ કરી લીધું. સાઈબિરિયામાં ફૂંકાતા પવન જેવી કાતિલ હવાઓ ફૂંકાવા માંડી. પાણી બરફમાં પરિવર્તિત થઈ ગયું અને પક્ષીઓની પાંખો પર એટલ બધો બરફ જામી ગયો કે તે ઉડી પણ શકતાં નહોતાં. આઈરિશ સમુદ્રમાં ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યુ કે બરફની મોટી શિલાઓનું સર્જન થયું અને તેને કારણે ઘણાં જહાજો તેની સાથે ટકરાવા માંડ્યાં. રોજ સવારે દુધની વાન લઈને આવતા ફેરિયાઓ ઠંડીમાં ઠરવા માંડ્યાં અને તેમાંથી ઘણાં થીજીને મરણને શરણ થઈ ગયા. સૌથી ખરાબ હાલત પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓની થઈ હતી. લેમુર અને વાંદરાઓ રોજ મરવા માંડ્યાં હતાં. પેઈંગ્ટન નામના ઝુમાં રાખેલા હાથીઓને ગરમી મળે તે માટે રમ પીવડાવાતો હતો. ડ્રુસીલા ટ્રી ગાર્ડનમાં રહેતાં કાંગારુઓને માણસોના ઘરમાં રાખવાનો આદેશ કરાયો હતો જેથી તેમને ગરમી મળી રહે.

રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓ કાચ કાતિલ ઠંડીમાં તૂટી રહ્યા હતા. દરિયાનું પાણી પણ બરફ થઈ ગયું હતું. ખેતરો બરફ નીચે ઢંકાઈ ગયાં હતાં એટલે પાક પણ ઉગતો નહોતો. બ્રિટનમાં થોડાં થોડાં ગાળામાં આવી બરફવર્ષા થતી રહે છે પણ એ વખતે થયેલી બરફ વર્ષા આજે પણ લોકોને યાદ છે. જ્યારેજ્યારે એ ઘટનાઓનું સ્મરણ થાય છે ત્યારે તેમના ગાત્રો ધ્રુજવા માંડે છે.

તમારાં મરી ગયેલાં સ્વજનો સાથે તમે હવે સહેલાઈથી વાત કરી શકશો, જાણો કેવી રીતે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!