‘રસી તો લેવી જ પડશે, નહીં લો તો નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવાશે’: આણંદમાં આશા વર્કરોની સુપરવાઈઝરનો ઓડિયો વાઈરલ

‘રસી તો લેવી જ પડશે, નહીં લો તો નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવાશે’: આણંદમાં આશા વર્કરોની સુપરવાઈઝરનો ઓડિયો વાઈરલ

કોરોના વોરિયર્સ તરીકે ઓળખાતા આરોગ્ય કર્મચારીઓને ફરજિયાત રસી લેવાની હોય છેઃ જોકે, રસી લીધા બાદ બનેલી કેટલીક અપવાદરૂપ ઘટનાઓને પગલે આરોગ્યકર્મીઓમાં એક પ્રકારનો ડર પેસી ગયો હોવાથી રસી લેતાં નથી

 

આણંદ

 

કોરોના વાયરસની રસી મુકાવવાની બાબતે વ્હોટ્સ એપ પર વાઈરલ થયેલા એક ઓડિયો પ્રમાણે આણંદમાં જો આશા વર્કરો રસી નહીં મુકાવે તો તેમને સસ્પેન્ડ કરી દેવાશે. આણંદના કોઈ અજાણ્યા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટેપ થયેલો આ ઓડિયો અત્યારે વ્હોટ્સ એપ પર બહુ ફરી રહ્યો છે જેમાં એક બહેન તેમના કાર્યકરોને એવી ધમકી આપી રહ્યાં છે કે જો તેમણે રસી નહીં લીધી હોય તો તેમને સસ્પેન્ડ કરવામાં આવશે. આ ઓડિયો ક્યાં ટેપ થયેલો છે તે અંગેની કોઈ માહિતી મળતી નથી પણ કહેવાય છે કે આ ઓડિયો આણંદ તાલુકાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(પીએચસી)માં ટેપ થયેલો છે અને જેણે ટેપ કર્યો છે તે વ્યક્તિ કોઈ આશા વર્કર જ હોવી જોઈએ.

અન્ય દેશોની જેમ ભારત સરકારે પણ કોરોના વોરિયર્સ કહેવાતા આરોગ્ય કર્મચારીઓને સૌથી પહેલાં રસી લેવા માટે આદેશ કર્યો છે. આ માટે આણંદ જિલ્લામાં 18000થી વધુ આરોગ્ય કર્મચારીઓની પસંદગી થઈ છે. છેલ્લાં એક મહિનાથી રસીકરણની આ ઝુંબેશ ચાલી રહી છે. આણંદમાં કુલ 6 રસીકરણ કેન્દ્રો છે જ્યાં કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી રહી છે. જોકે, એક રિપોર્ટ પ્રમાણે કેટલાંય આરોગ્ય કર્મચારીઓએ આ રસી મૂકાવાનો ઈનકાર કરી દીધો હોવાનું કહેવાય છે. એવું કહેવાય છે કે આ રસી લેવાથી લોકો એટલા માટે ગભરાઈ રહ્યાં છે કેમકે, ભારતમાં રસી લીધા પછી અડધો ડઝન લોકોનાં મોત નોંધાયાં છે. બીજું કે, રસી લીધા પછી કેટલાક લોકોને રિએકશન આવતું હોવાની વાતો પણ છે. તાજેતરમાં સોજિત્રાના પીએચસીમાં રસી લેનારા 9 પોલીસ કોન્સ્ટેબલને સખત તાવ આવ્યો હતો અને માથું દુખવા માંડ્યું હતું. જોકે, હવે આ તમામ સાજા થઈ ગયા છે.

કોવિડ વેક્સિન લેવાથી આ બધાં મોત થયાં છે તે હજુ સાબિત થયું નથી પણ વેક્સિન લીધાના 24 કલાકની અંદર કેટલાંક મોત થયાં છે અને આ ઘટનાઓ મિડિયામાં પણ ચમકી છે. આવી ઘટનાઓથી ગભરાઈને જ આરોગ્ય કર્મચારીઓ રસી લેતાં ન હોવાનું કહેવાય છે. ખાસ કરીને, આરોગ્ય કેન્દ્ર સાથે સંકળાયેલી ગ્રામીણ વિસ્તારની મહિલાઓ વેક્સિન લેવાનું ટાળી રહી હોવાનું જાણવા મળ્યું છે. જે ઓડિયો વ્હોટ્સ એપ પર ફરી રહ્યો છે તેમાં સુપરવાઈઝર લાગતાં એક બહેન આશા કર્મીઓને કહી રહ્યાં છે કે જો તમારે રસી તો લેવી જ પડશે નહીંતર તમને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે.

આ બહેન કેટલીક બહેનોને એવો આદેશ પણ આપે છે કે તેમણે એવી બહેનોની યાદી તૈયાર કરવી પડશે જે પ્રેગનન્ટ છે અથવા તો જેમને રસી લેવાથી રિએક્શન આવી શકે છે. આ બહેન આગળ કહે છે કે કોઈપણ સંજોગોમાં આરોગ્ય કર્મચારી તરીકે તેમણે રસી તો લેવી જ પડશે. અબડાસામાં કાર્યકરોએ રસી ના લીધી તેમાં તેમના સુપરવાઈઝરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બહેન આગળ કહે છે, કાર્યકરોનો પગાર તો 8-9 હજાર હોય છે એટલે વાંધો ન આવે પણ સુપરવાઈઝરને સસ્પેન્ડ થવું પોસાય તેમ નથી.

One thought on “‘રસી તો લેવી જ પડશે, નહીં લો તો નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવાશે’: આણંદમાં આશા વર્કરોની સુપરવાઈઝરનો ઓડિયો વાઈરલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!