આખા આણંદ જિલ્લામાં ‘નલ સે જલ’ થકી ઘેરઘેર કનેક્શન અપાયાં, પણ પાધરિયા વિસ્તારને જ તરસ્યો રખાયો, જવાબદાર કોણ?

આખા આણંદ જિલ્લામાં ‘નલ સે જલ’ થકી ઘેરઘેર કનેક્શન અપાયાં, પણ પાધરિયા વિસ્તારને જ તરસ્યો રખાયો, જવાબદાર કોણ?

આણંદ જિલ્લાના 357 ગામના 4.01 લાખ ઘરમાં ઘેરઘેર પાણી પણ, પાધરિયા વિસ્તાર જૂની નેતાગીરીને કારણે હજુ પણ પ્રાથમિક સુવિધાથી વંચિતઃ પોતાનો જ કક્કો ખરોની જિદ લઈને ફરતા નેતાઓએ જ આ વિસ્તારને ‘વંચિત’ બનાવી દીધો છે

 

આણંદ

 

વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા રાજ્યના જલ જીવન મિશન કાર્યક્રમ યોજના અંતર્ગત ગામનાં લોકોને નિયમિત શુદ્ધ અને પૂરતી માત્રામાં પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટે જિલ્લામાં નલ સે જલ  યોજના અમલી બનાવી છે. જોકે, આણંદ શહેરની નજીક આવેલો પાધરીયા વિસ્તાર જ પાણીથી વંચિત રહે છે. ત્યારે ગામે-ગામ આ યોજનાને સાકાર બનાવી તો નગરપાલિકાના હદમાં આવતા પાધરીયાના રહીશો માટે પણ કંઈક કરવું જોઈએ એવી લાગણી પણ જોવા મળી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

નલ સે જલ યોજનામાં રાજ્ય સરકાર દ્વારા ‘નલ સે જલ’ આપવાના નિર્ધારને સાર્થક કરતા ચાર જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારને 100 ટકા પીવાના પાણીના કનેક્શન આવ્યાં છે જેમાં આણંદ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં 357ગામમાં 4,01,409 ઘરને નલ સે જલ અંતર્ગત નળ કનેકશનથી જોડીને 100 ટકા કામગીરી પૂર્ણ કરાઈ છે. સમગ્ર યોજનામાં ગ્રામ્ય વિસ્તારને જોડવામાં આવ્યો છે પરંતુ શહેરી વિસ્તાર અંગે પણ વિચારણા કરવી જોઈએ એવો સ્થાનિકોનો મત છે.

શહેરની નજીક આવેલા પાધરીયા વિસ્તારમાં જર્જરિત ટાંકી છે. છેલ્લાં કેટલાંય સમયથી પાધરીયાવાસીઓને પૂરતું પાણી મળતું નથી. મોટાભાગના સ્થાનિકો દ્વારા અપૂરતા પાણીના પ્રવાહને કારણે મોટર મૂકીને પાણી ખેચવામાં આવે છે. આ અંગે સ્થાનિકો દ્વારા પાલિકામાં પણ કેટલીય રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એટલી હદે નિષ્ક્રિય છે કે કોઈપણ કામગીરીનો જશ લેવામાં સોશ્યલ મીડિયા પર સક્રિય થઈ જાય છે. પરંતુ પાણીની વર્ષો જૂની સમસ્યા અંગે ક્યારેય આગળ આવ્યા નથી. ઉનાળામાં તો મોટાભાગના પાધરીયાના લોકોને ઘર વપરાશનું પાણી શોધવા નીકળવું પડે છે.

ઘણી વખત ટેન્કરના સહારે દિવસો પસાર કરવા પડે છે. આ સ્થિતિ કોઈ એકાદ વર્ષ નહીં, પણ દર વર્ષે જોવા મળે છે. પાધરીયામાં આવેલા પાંચ હજારથી વધુ મકાનોના રહીશો વેરો ભરવા માટે જ શહેરીજનો ગણાય છે, બાકી ગામડાથી પણ બદતર હાલતમાં તેમને સુવિધાઓ મળી રહી છે અને આ મામલે બોલવા કોઈ આગળ આવતું નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં જે પ્રતિનિધિ આણંદ પાલિકામાં ચુંટાઈને અગાઉ ગયા હતા તેમણે આરટીઆઈ કર્યા સિવાય કોઈ કામ કર્યાં નથી અને તેને કારણે આજે પાધરિયા વિસ્તારમાં કોઈ કામ થતું નથી. દેખીતી રીતે, ભાજપની સત્તા હોય અને તેમના પ્રમુખ સામે વાતેવાતે બાંયો ચઢાવ્યે રાખો તો કોઈ તમારું કામ શું કરવા કરે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!