વાત આણંદના ઓરમાન પાધરિયાનીઃ કોણ જીતશે, કોણ હારશે એ સવાલ નથી; સવાલ એ હોવો જોઈએ કે, વર્ષો જૂની સમસ્યાઓ ઉકેલી કોણ શકે?

વાત આણંદના ઓરમાન પાધરિયાનીઃ કોણ જીતશે, કોણ હારશે એ સવાલ નથી; સવાલ એ હોવો જોઈએ કે, વર્ષો જૂની સમસ્યાઓ ઉકેલી કોણ શકે?

ત્રણેક દાયકા પહેલાં ઉમેદવારો નામ અને સિમ્બોલ પર ચૂંટણી લડતા ત્યારથી આ સમસ્યાઓ છે, જેનો હજુ કોઈ ઉકેલ આવ્યો નથીઃ ટ્રેજેડી એ છે કે આ વિસ્તારમાં રહેનારા લોકો સૌથી વધુ ટેક્સ ભરે છે છતાં અહીં બુનિયાદી સુવિધાઓનો પારાવાર અભાવ છે

 

સ્નેહલ ડાભી(Snehal Dabhi)

 

આણંદ નગરપાલિકામાં પડતો પાધરિયા નામનો વિસ્તાર બે રેલવે ટ્રેકની વચમાં એક ત્રિકોણિયા પ્રદેશ જેવો છે. તમે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેથી આવો તો સામરખા ચોકડીથી ગામડી ગામમાંથી પ્રવેશો તો પણ તમને આ વિસ્તારમાં જવા માટે રેલવે ક્રોસિંગ નડે અને આણંદ શહેરમાંથી ખાટકીવાડ બાજુથી પ્રવેશો તો પણ તમને ક્રોસિંગ નડે. અલબત્ત, હવે આરસીસીના રસ્તા બની ગયા હોવાથી થોડા ટ્રાફિકમાંથી તમારું વ્હીકલ તમે કાઢી શકો. જોવાની ખૂબી એ છે કે તમે ક્રોસિંગ ક્રોસ કરવાને બદલે સાઈડમાં બનાવેલા રસ્તા પરથી આવો તો પણ તમને પાધરિયા વિસ્તારમાં જતી વખતે આ બંને ક્રોસિંગનાં દર્શન તો અચૂક થાય!

એક વખતે આ વિસ્તારમાં મોટાં મોટાં ખેતરો હતાં. ઘઉં અને શેરડીના મોલ તો આ લખનારે થયેલા જોયા છે. અત્યારે જ્યાં મોટી મોટી બે-બે માળની સોસાયટીઓ બની છે ત્યાં એક સમયે ક્રિકેટની મેચો રમાતી હતી. રવિવારે એ વિસ્તારમાં છોકરાઓનો મેળો જામતો હતો. પેલી બાજુ ગામડી ગામ હતું. બીજી બાજુ, સલાટિયા હતું. અમદાવાદ-મુંબઈ રેલવે ટ્રેકની પેરેલલ અમીના મંઝિલ હતી(છે)અને તેની પાછળ કે બાજુમાં મુસ્લિમ બહુમતી ધરાવતી નૂતન નગર સોસાયટી હતી.

કોંગ્રેસના જયાબેન 
       ભાજપના રીનલભાઈ

રેલવે ટ્રેકની પેરેલલ અત્યારે જે રસ્તો છે તે કાચો હતો ત્યારે પાધરિયાના કેટલાક લોકો નૂતન નગર સોસાયટીમાંથી ફાટક સુધી આવનજાવન કરતા હતા. હવે, એ રસ્તો બંધ છે. ગામડી ગામથી પ્રવેશવાના રસ્તે એક તળાવ છે જે એક સમયે ખાસ્સું ઊંડું હતું. એ તળાવ ચોમાસામાં બે કાંઠે થતું અને ઉનાળામાં વચમાં એકાદ-બે ખાબોચિયાં પૂરતું તેનું પાણી રહેતું. હવે એ તળાવ આજુબાજુમાં બનેલી સોસાયટીઓની જમીનોના કાંસ અને ગામડીમાંથી ઢસડાઈને આવતા પાણી સાથે છીછરું બની ગયું છે. જેમ જેમ છીછરાપણું વધતું ગયું છે તેમતેમ તળાવ તેના અસલ આકારમાં દેખાતું થયું છે. આ તળાવ ચોમાસામાં હવે બે કાંઠે નહીં પણ ચચ્ચાર કાંઠે છલકાય છે.

એવું છલકાય છે કે આસપાસની સ્નેહસાગર, વૈભવ, ઝેવિયર નગર સહિતની સોસાયટીઓ ઈટાલીના વેનીસ નગર જેવી બની જાય છે. તેની બાજુમાં આવેલી સૂર્યનગર કે વિમલ કોલોની કે પ્રેસ કોલોની જેવી સોસાયટીઓને વરસાદી પાણીની બહુ તકલીફ રહેતી નથી કારણકે, તે ઢોળાવ પર આવેલી છે. એ પછી બીજી ઘણી સોસાયટીઓ છે જ્યાં વરસાદી પાણી બેક મારે છે અને આ પાણી, જો પેલું તળાવ ઊંડું કરાય તો તેમાં વહ્યું જઈ શકે છે.

વાસ્તવમાં, આ વિસ્તારમાં ગટર લાઈન નથી એ જ સૌથી મોટી સમસ્યા છે. ગટર લાઈન હોત તો કદાચ વરસાદી પાણીની સમસ્યા જ નહોત. પાધરિયા વિસ્તારનું નુક્કડ જ્યાં બેસે છે તે વિસ્તારમાં ગયા ચોમાસામાં પાણી ભરાઈ ગયેલાં તે આ જ કારણથી. આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ પણ વેઠ ઉતારીને નાખવામાં આવેલી છે અને સૌથી મોટી સમસ્યા તો ટ્રાન્સપોર્ટેશનની છે. આ એરિયામાં કોઈ સરકારી સુવિધા ભલે ન અપાતી હોય પણ કોઈ પ્રાઈવેટ હોસ્પિટલ જેવું માળખું સુદ્ધાં નથી.

ટ્રેજેડી એ છે કે આ વિસ્તારમાં રહેનારા લોકો સૌથી વધુ(વાર્ષિક રૂપિયા 15 લાખનો)ટેક્સ ભરે છે તેમ છતાં અહીં બુનિયાદી સુવિધાઓનો પારાવાર અભાવ છે.

આ અભાવ આજકાલનો છે?ના. આ અભાવ વર્ષો જૂનો છે અને સવાલ અન બબડાટ પણ વર્ષો જૂનાં છે. ત્રણેક દાયકા પહેલાં જ્યારે ફક્ત ઉમેદવારો નામ અને સિમ્બોલ પર ચૂંટણી લડતા હતા ત્યારથી આ સમસ્યા છે જેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. કોંગ્રેસ અને ભાજપના પક્ષીય રાજકારણની શરૂઆત થઈ તે પછી પણ આ સમસ્યાઓ અહીં રહેતા લોકોના બબડાટથી આગળ ઉકેલ પામી શકી નથી તે પણ હકીકત છે.

હવે, જ્યારે પાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે અને તે પછી આણંદના આ ઓરમાયા ગણાતા વોર્ડ નંબર પાંચની શું સ્થિતિ થશે તે અંગે ઝાઝી કલ્પના કરવા જેવી નથી. ‘આગે સે ચલી આઈ હૈ…’ની ફરિયાદો અને ‘તમે શું કર્યું?’ની આક્ષેપબાજીથી આ વોર્ડમાં વિશેષ કશું થશે કે કેમ તે સવાલ છે.

સૌથી મોટી વિડંબના અને વિટંબણા એ છે કે પાધરિયા વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપમાંથી તો ચાર-ચાર ઉમેદવારો ઉભા રહે છે પણ તેની સાથે ઘણાં ‘ચૂંટણીવીરો’ પણ આ જ ટાઈમે મેદાનમાં આવી જતા હોય છે. કોંગ્રેસ ગઈ વખતે બિનહરિફ જાહેર થયેલી આ બેઠક પરથી ફરી એકવાર એરિકાબેન વિપુલભાઈ મેકવાનને ટિકિટ આપશે તેમ કેટલાક લોકો માનતા હતા.જોકે, કોંગ્રેસે એક સમયના કાઉન્સિલર વિપુલ મેકવાનને પણ ગણ્યા નહીં અને લો પ્રોફાઈલ જયાબેન પરમારને ટિકિટ આપી દીધી. જયાબેન સ્વૈચ્છિક સંગઠનો સાથે જોડાયેલાં છે અને તેમનો પ્રભાવ મુસ્લિમ બહેનોમાં પણ સારો એવો છે. જયાબેન છેલ્લાં ચાર મહિનાથી અહીંની મોટાભાગની સોસાયટીઓમાં લેગ વર્ક કરી રહ્યાં હતાં ત્યારથી કેટલાક ડાહ્યા માણસોને અંદાજ આવી ગયો હતોકે કોંગ્રેસના ખરાં ઉમેદવાર જયાબેન પરમાર જ છે. કોંગ્રેસે પણ પહેલેથી નક્કી કર્યું હતું તે પ્રમાણે જ કર્યું.

જોકે, જૂના કાઉન્સિલર વિપુલ મેકવાનને દસ વર્ષથી પોતાની સેવાઓ અને સત્તા છતાં ઉપેક્ષા કરાઈ તેનાથી તકલીફ થઈ અને તેમણે કોંગ્રેસના જિલ્લા-તાલુકા અને પ્રદેશ કક્ષાના નેતાઓને ફોન કર્યે રાખ્યા હતા. મોડી રાત સુધી આ ચક્કર ચાલ્યું હતું અને હવે શાંત થયું છે.

એવું જ ભાજપના કેસમાં બન્યું છે. એક સમયે ભાજપ પ્રત્યે પાધરિયાના લોકોને રીતસરની સૂગ હતી. સૂગ દેખીતા કારણોથી હતી. જોકે, તેમ છતાં એક સમયનાં સન્માન્ય શિક્ષકો એવાં મનુભાઈ મકવાણા અને પ્રવીણાબેન મેકવાને કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપ સાથે નાતો જોડ્યો. કોંગ્રેસ આ વિસ્તારમાં કશું કામ કરતી નથી તેવી ફરિયાદ વર્ષો જૂની છે. પ્રવીણાબેન અને મનુભાઈની મંછા સ્પષ્ટ હતી. કાઉન્સિલર તરીકે પાલિકામાં જવાની.

જોકે, ભાજપમાં પાયાના કાર્યકર તરીકે કામ કરનારાં આ બંને મહાનુભાવોને સીઆર પાટિલકૃત ક્રાઈટેરિયાને કારણે બહાર બેસી રહેવાનો વારો આવ્યો. હવે ખેલ અહીં શરૂ થયો.

પ્રવીણાબેને ભાજપની નેતાગીરીને પોતાની વાત રજૂ કરી અને તેમના પુત્ર સાગર મેકવાનનું ફોર્મ ભરાય તેવી તજવીજ કરી. આ લખાય છે ત્યાં સુધી આ વાતનો કોઈ નિવેડો હજુ આવ્યો નથી અને ત્યાં સુધીમાં પાધરિયામાંથી ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ભાજપના સિમ્બોલ પર બે ઉમેદવાર ઓલરેડી ફોર્મ ભરી ચુક્યા છે. એક નિતલ કાન્તિભાઈ મેકવાન અને બીજા રીનલભાઈ જયંતીભાઈ પરમાર છે.

હવે, આ ઉપરાંત પણ કેટલાક અન્ય ‘ચૂંટણીવીરો’એ આમ આદમી પાર્ટી કે અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. કુલ મળીને, અત્યારે પાધરિયાના ખ્રિસ્તી બહુમતી એરિયામાં આઠેક મૂરતિયા છે. સોંસરવો સવાલ હવે આવે છે. પાધરિયામાં ખ્રિસ્તીઓના વોટની સંખ્યા ઈનમીન ને સાડે તીન જેવી એટલે કે 2200થી 2400 જેટલી છે. તમે કુલ વોટને આઠ ઉમેદવાર વડે ભાગી નાખો તો એક સરખો ન્યાય 250થી 300નો તોળાય.

સામે પક્ષે, આ વોર્ડમાં જ પડતા મુસ્લિમ એરિયાનો સમાવેશ કરો તો તેમના વોટ 9500થી 10,200 જેટલા છે. બીજી કોઈ ગણતરીમાં ન પડીએ, કોઈ અંદાજ પણ ન બાંધીએ અને ખાલી એમ માની લઈએ કે, પાધરિયામાંથી જેટલા પણ લોકો ઉભા છે તે બધા જ જીતી ગયા.

હવે, તેના પછીનો બીજો વિચાર કરી જુઓ.

આ લેખની શરૂઆતમાં જેજે સમસ્યાની વાત કરી તે આ ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો ઉકેલવા માગે છે. હવે, તમે વિચારો કે પાધરિયાના આ તમામ ઉમેદવારો જીતી જાય તો, કોઈ સમસ્યા રહે? સમસ્યા એ છે કે આણંદ પાલિકાના આ ઓરમાન ગણાતા આ વિસ્તારની સમસ્યાનો ઉકેલ હોવો જોઈએ તેમ બધાં માને છે પણ, સમસ્યા કઈ રીતે ઉકલે તે અંગે બધાં એકમત નથી.

પાધરિયાની સોસાયટીમાં ‘રોડ નહીં તો વોટ નહીં’નાં પાટિયાં, ઉમરેઠમાં 50 રૂપિયાની રોકડી કરીને ફોર્મ વેચાયાં હોવાનો આરોપ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!