રાસનોલના ચકચારી ‘ત્રીજા ગાળિયા’નું રહસ્ય ઉકેલાયું:પત્નીએ ના પાડી એટલે રાજેન્દ્ર પટેલે આપઘાત કરવાનું માંડી વાળ્યું

રાસનોલના ચકચારી ‘ત્રીજા ગાળિયા’નું રહસ્ય ઉકેલાયું:પત્નીએ ના પાડી એટલે રાજેન્દ્ર પટેલે આપઘાત કરવાનું માંડી વાળ્યું

આણંદ પાસેના રાસનોલ ગામના ઈન્દિરા નગરીમાં સોમવારે બનેલી ગેબી ઘટના પરથી પરદો ઉંચકાયોઃ ઘરમાંથી ભાઈ અને બહેનનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતોઃ સાથે ત્રીજો ફાંસીનો ફંદો પણ હતો જે ખાલી હતો

 

આણંદ

 

આણંદના રાસનોલ ગામમાં ભાઈ-બહેનના રહસ્યમય મોતનો મામલો પોલીસે ઉકેલી નાખ્યો છે. ઘરમાં ત્રીજો ગાળિયો બનાવીને આખી ઘટનામાં રહસ્ય ઊભું કરનાર બનેવી અંતે પકડાઈ ગયો છે. પોલીસે તેને પકડી પાડ્યો છે. પોલીસ સમક્ષ તેણે એવી કબૂલાત કરી છે કે તે પોતે પણ આપઘાત કરવાનો હતો પણ પત્ની મમતાબેન પટેલે ના પાડતાં તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

ખંભોળજ પોલીસ મથકના પી.એસ.આઇ કે. વાય.ઉધાસ સ્ટાફના જયેશભાઈ, હિતેશભાઈ સહિતના માણસો રાસનોલની ઈન્દીરા નગરીમાં પહોંચી જઈ તપાસ કરતા ઘરમાં નજીક નજીકમાં બહેન મમતાબેન તેમજ તેઓના ભાઈ અશોકભાઈ પટેલ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતા. પોલીસની તપાસમાં ઘરમાં ગળે ફાંસો ખાવા માટે ત્રીજો ગાળિયો તૈયાર હતો. પણ આ ગાળિયો ખાલી લટકતો હતો. ઘરના મોભી રાજુભાઈ પટેલ ગાયબ થઈ ગયા હતા. જેને લઇને સમગ્ર કોકડું પાંચ દિવસથી ગૂંચવાયું હતું.

ખંભોળજ પોલીસે રાજુભાઈ પટેલની તપાસ હાથ ધરી હતી. દરમિયાન રાજુભાઈ પટેલ સારસા ચોકડી પાસે આવનાર હોવાની માહિતીના આધારે પોલીસે તેમને ઝડપી લઈ પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. રાજુભાઈ પટેલે પોલીસને જણાવેલી વિગતો મુજબ પોતાને સખી મંડળની લીધેલી લોનોનું દેવું હતું. જેના કારણે આપઘાત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં આ પરિવારને કોઈ મોટું દેવું હતું નહીં તેવું બહાર આવ્યું છે. જોકે, લોન લીધી હતી તેના હપ્તા ભરવાના હતા. આ રકમને પરિવાર મોટું દેવું ગણાવતો હતો.

પોલીસને રાજેન્દ્ર પટેલે કહ્યુંકે, એ પોતે પણ ગળે ફાંસો ખાવાના જ હતા પરંતુ પત્નીએ ના પાડી હતી. પત્ની મમતાબેનથી પાંચ-છ મિનિટ સુધી વેદના સહન ન થતાં આખરે રાજુભાઈ પટેલને તમે ગળે ફાંસો ખાશો નહીં તેમ કહી સ્થળ પરથી જતા રહેવાનું જણાવ્યું હતું. રાજુભાઈ પટેલ ત્યાંથી નીકળીને ચાર દિવસ વડોદરા, આણંદ, વાસદ પંથકમાં ફરતા રહયા હતા. પોતાની પુત્રી પોતાની રાહ જોતી હશે તેમ વિચારીન તેઓ પડી ભાંગ્યા ગયા હતા અને તેના ખબરઅંતર જાણવા માટે સારસા તરફ આવતાં પોલીસના હાથે પકડાઈ ગયા હતા.

મમતાબેન રાજેન્દ્રભાઈ પટેલને એક દીકરો અને એક દીકરી છે. તેમની દીકરીએ ગામમાં જ ખડકીમાં કોઈની સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં. આ ઘટનાથી મમતા અને રાજેન્દ્રભાઈ પરેશાન હતાં. દીકરીએ લગ્ન કરી લેતાં બંને જણ ત્યાંથી નીકળીને ઈન્દિરા નગરીમાં ફાર્મ હાઉસ જેવા મકાનમાં રહેવા માટે આવી ગયા હતા.

અહીં આ ઘરમાં તેમની સાથે તેમના ભાઈ અશોકભાઈ પટેલ પણ રહેવા આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે મૂળ વડોદરા પાસેના અંકોડિયા ગામના વત્ની એવા અશોકભાઈની માનસિક સ્થિતિ સારી નહોતી એટલે બહેન-બનેવીને ત્યાં તેઓ રાસનોલમાં રહેતા હતા. મમતાબેન અને રાજેન્દ્રભાઈનો એકનો એક દીકરો અંકિત હાલમાં સિંગાપોર છે. ગયા વર્ષે જ તે સિંગાપોર ગયો હતો.

પોલીસ માની રહી છે કે આ ફેમિલી પર દેવું વધી ગયું હશે એટલે તેણે આત્મહત્યા કરી લીધી હશે. પહેલાં પ્લાનિંગ પ્રમાણે એકપછી એક ત્રણેય જણ મરવા માટે તૈયાર થઈ ગયા હશે પણ તે પછી પત્ની મમતાબેન અને તેના ભાઈ અશોકને ફાંસીના ગાળિયે તરફડતાં જોઈને રાજેન્દ્રભાઈ ડરી ગયા હશે. આ ભયંકર સ્થિતિથી હેરાન પરેશાન થઈને રાજેન્દ્ર પટેલ ઘટનાસ્થળેથી ભાગી ગયા હશે. પોલીસ જ્યારે સોમવારે સવારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘરમાં ત્રણ ગાળિયા લટકતા હતા. પોલીસને ત્યારે જ અંદાજ આવી ગયો હતો કે આ કોઈ રહસ્યમય ગંભીર ઘટના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!