5 વર્ષમાં કેવાંકેવાં કામ થઈ શકે તે શીખવું હોય તો પ્રજાના પ્રતિનિધિઓએ શેરશાહ સૂરિ પાસેથી ટ્યુશન લેવું જોઈએ

5 વર્ષમાં કેવાંકેવાં કામ થઈ શકે તે શીખવું હોય તો પ્રજાના પ્રતિનિધિઓએ શેરશાહ સૂરિ પાસેથી ટ્યુશન લેવું જોઈએ

આખી જિંદગી સિંહાસન દર્શન ન કરી શકેલા અને પાંચ વર્ષ સુધી જ બાદશાહ બનેલા શેરશાહ સૂરિએ કરેલાં વહીવટી કામો આજે પણ થોડા સુધારા સાથે દેશમાં ચાલુ છેઃ પાંચ વર્ષમાં આમાંથી એકાદ કામ પણ પ્રજાના પ્રતિનિધિઓ કરે તો બેડો પાર થઈ જાય

 

ગોપાલ પંડ્યા

 

અત્યારે આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ કહેતાં નગરપાલિકાઓ, પાલિકાઓ, તાલુકા અને જિલ્લા પંચાયતોની ચુંટણીઓ યોજાઈ રહી છે. આપણે ત્યાં દર પાંચ વર્ષે ચુંટણી યોજવી જ તેવી એક ઘરેડ બની ગઈ છે. આ પાંચ વર્ષ દરમિયાન ચુંટાયેલો પ્રતિનિધિ જે કામ કરે તેના આધારે તેને બીજા પાંચ વર્ષ સુધી નિભાવવો કે કેમ તે નક્કી થાય છે. પાંચ વર્ષમાં તો કેટકેટલાં કામ થઈ શકે?પાંચ વર્ષમાં તો તમે ધારો તે કામ થઈ શકે. મંગળ ગ્રહ પર પાંચ વાર જઈને પાછા આવી શકાય. ચંદ્ર પર દસેક આંટા મારી શકાય. પાંચ વર્ષમાં તો ટેક્નોલોજીની આખી જનરેશન બદલાઈ જાય. પાંચ વર્ષમાં અર્થતંત્ર તળિયેથી ઉપર અને ઉપરથી તળિયે જઈ શકે. પાંચ વર્ષમાં એક આખા સમુદાય અને સંસ્થાને શિખર પર બિરાજમાન કરી શકાય.

પાંચ વર્ષમાં શું કામ થઈ શકે તે શીખવું હોય તો પ્રજાના પ્રતિનિધિઓએ શેરશાહ સૂરિ નામના બાદશાહ પાસેથી શીખવાની જરૂર છે. શેરશાહ સૂરિ વિશે આપણે ઇતિહાસમાં એકાદ પાઠ ભણ્યાં છીએ પણ વહીવટીતંત્ર અંગેની તેની કાબેલિયત વિશે ઝાઝું ભણાવાયું નથી. શેરશાહ સૂરિ ઇતિહાસમાં શેરખાન તરીકે પણ જાણીતો છે. તેનું અસલ નામ ફરિદ હતું અને બાળપણમાં તે એકલો રહેતો. તેના પિતા બીજી રાણી લાવેલા એટલે ફરિદ સાથે ઓરમાયું વર્તન થતું રહેતું. 15 વર્ષનો ફરિદ દિલ્હીથી જૌનપુર ગયો અને ત્યાં ભણવાનું શરૂ કર્યું. તે પછી સાસારામ આવ્યો અને તેના પિતાએ તેને જાગીર આપી. જોકે, થોડા વખતમાં તેને સાસારામથી તડીપાર કરાયો. તે આગ્રા ગયો. બિહારના સ્વતંત્ર સુલતાન બહારખાને તેને પોતાના દરબારમાં રાખી લીધો. બિહારમાં શિકાર કરતી વખતે તેણે હાથના પંજાથી સિંહને મારી નાખ્યો. તેની આ હિંમત જોઈને રાજા ખુશ થઈ ગયો. થોડાં વખત પછી તે બાબરની આર્મીમાં જોડાયો. બાબરે તેની પૈતૃક જાગીર પાછી અપાવી.

બાબરના મોત પછી પૂર્વીય ભારતમાં અંધાધુંધી હતી. અફઘાન કબીલાઓ કબજો જમાવવા રોજ હુમલાઓ કરતા રહેતા. બાબરના પુત્ર હુમાયુએ આવા એક હુમલામાં ચુનારનો કબજો કર્યો અને શેરશાહ સૂરિને સરન્ડર થવું પડ્યું. શેરશાહ સૂરિ જોકે, હાર્યો નહીં અને હુમાયુ સામે બીજા રાજાઓ સાથે મળીને મોટું લશ્કર બનાવ્યું. 1539માં બક્સર નજીક ચૌસામાં શેરશાહે હુમાયુને પરાસ્ત કર્યો અને દિલ્હી પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું. હુમાયુને હરાવ્યા પછી શેરખાનમાંથી તે શેરશાહ બન્યો અને ભારતમાં માંડ શરૂ થયેલા મુઘલ સામ્રાજ્યના પાયા તેણે હલાવી નાંખ્યા.

શેરશાહ સૂરિ જ્યાં સુધી રાજા રહ્યો ત્યાં સુધી જંપીને બેઠો નહીં. તે સતત યુદ્ધના મોરચા પર રહેતો અને ભાગ્યેજ મહેલમાં આરામ કરવા માટે આવતો હતો. આમ છતાં, તેનું શાસન ઈતિહાસમાં સૌથી સારું અને શીખવા લાયક ગણવામાં આવે છે. શેરશાહ સૂરિ ફક્ત પાંચ વર્ષ સુધી જ શાસન કરી શક્યો હતો પણ, આ પાંચ વર્ષના શાસન દરમિયાન તેણે, અત્યારે જેને આપણે અનુસરીએ છીએ તે વહીવટીતંત્રનો પાયો નાખ્યો હતો.

અંગ્રેજો આવ્યા ત્યાં સુધી ભારતમાં શેરશાહ સૂરિએ જે એડમિનિસ્ટ્રેશન માળખું ઊભું કરેલું તે જ ચાલતું હતું. આજે પણ આધુનિક વહીવટીતંત્રમાં શેરશાહનું આ એડમિનિસ્ટ્રેશન મોડેલ ફોલો કોઈને કોઈ રીતે ફોલો થતું રહે છે. અકબરે ભારતમાં જે સરકારી સિસ્ટમનો પાયો નાખ્યો તે હકીકતમાં તો શેરશાહ સૂરિના ગવર્નન્સની કોપી હતી. સરકાર શબ્દનું ચલણ જ શેરશાહ સૂરિના વખતમાં શરૂ થયું હતું. શેરશાહે તેના વહીવટીતંત્રને ‘સરકાર’નામ આપ્યું હતું. તેના રાજમાં અલગ અલગ સરકાર રહેતી. દરેક સરકારને પરગણામાં વહેંચી નખાતી. અત્યારે ભારતમાં ગ્રામીણ સ્તર સુધીનું જે વહીવટીતંત્ર તમે જુઓ છો તેનો પાયો શેરશાહે નાંખ્યો હતો.

પદ્ધતિસરનાં ન્યાયાલયો શેરશાહે શરૂ કરાવ્યાં હતાં. દરેક વહીવટીતંત્રમાં એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયલ ઓફિસરોને નીમવામાં આવતા. શેરશાહે સૌથી પહેલાં જમીનનો સર્વે કરાવવાનું શરૂ કર્યું. જેની પાસે જમીન હોય તેમની પાસેથી એક ઉપજનો ચોથો ભાગ ટેક્સ રૂપે લેવામાં આવતો. કાં તો રોકડમાં કાં અનાજરૂપે આ ટેક્સ લેવાતો. શેરશાહે જમીનોની કબૂલિયત અને પતિયા ભાડેથી આપવા માંડ્યા. આ જમીનોના પટ્ટાનો હિસાબ રખાતો અને તે પ્રમાણે મહેસૂલ આવે છે કે નહીં તે જોવાતું.

તેણે રાજ્યમાં કુલ 42 સરકારો બનવી હતી અને તેને પરગણામાં વિભાજિત કરી નાંખી હતી. દરેક સરકારમાં ચાર મંત્રી રહેતા અને તેમણે પોતાને સોંપાયેલી જવાબદારી પ્રમાણિકતાથી નિભાવવી પડતી. શેરશાહે શરૂ કરેલી કબુલિયત અને પતિયા સિસ્ટમ આજે જમીનનો જે સાત બારનો ઉતારો હોય છે તેને મળતી આવતી લેખિત પદ્ધતિ છે. જેની પાસે જમીન હોય તેનું નામ અને જમીનનો નંબર આ કાગળમાં લખાતો. જમીનની નિયમિત આકારણી પણ થતી. અત્યારે જે પોસ્ટલ સિસ્ટમ આપણે જોઈએ છે તેનાં મૂળ પણ શેરશાહના વહીવટીતંત્રમાં પડેલાં છે. એ વખતે ઘોડાનો ઉપયોગ કરીને શેરશાહે પોસ્ટલ સિસ્ટમ દાખલ કરી હતી. અંગ્રેજો આવ્યા તે પછી તેમાં સુધારો થયો અને પૈડાંના આગમન સાથે તેમાં ઝડપ આવી.

શેરશાહે ઢંગધડા વિનાના ચલણી સિક્કાઓ બદલી નાખ્યા અને ચાંદીના સિક્કાની શરૂઆત કરી. આ સિક્કાઓને ટોંકા(બાંગ્લાદેશમાં આજે પણ ટકાનું ચલણ છે. ટકા શબ્દ અહીંથી જ શરૂ થયો અને માટે કેટલા ટકા આપણે કહીએ છીએ તે હકીકતમાં પર્સન્ટેજ નહીં પણ મૂલ્યની વાત છે.)કહેવામાં આવતા. આ ટોંકાઓ પર પર્શિયન અને હિન્દી ભાષામાં લખાણ લખાતું.

શેરશાહ સૂરિનું સૌથી મોટું યોગદાન છે ટ્રાન્સપોર્ટેશનનું. આજે પણ એણે બનાવેલો રોજ ઉત્તરભારતમાં તેના વહીવટી તંત્રની ગવાહી પૂરે છે. આ રોડનું નામ છે ગ્રાન્ટ ટ્રન્ક રોડ. ગ્રાન્ટ ટ્રન્ક રોડ છેક બંગાળથી શરૂ થઈને પંજાબ સુધી વિસ્તરેલો છે. આ રોડની આજુબાજુ  શેરશાહે એટલાં બધાં ઝાડ રોપાવ્યાં હતાં કે રસ્તો જંગલની વચ્ચેથી જતો હોય તેવું લાગે. આ રસ્તામાં અમુક કિલોમીટરે તેણે 17,000 ગેસ્ટ હાઉસ(મુસાફરખાનાં) બનાવ્યાં હતાં. ન્યાય માટેની આખી સિસ્ટમ તેણે બદલી નાંખી. તેણે જ્યુડિશિયલ ઓફિસરોની નિમણુક કરી. શિસ્તબદ્ધ આર્મી તેના જમાનામાં શરૂ થઈ.

એવું કહેવાય છે કે ભારતના ઈતિહાસમાં એક માત્ર શેરશાહ સૂરિ જ એક એવો બાદશાહ છે જેણે સૌથી ઓછો સમય શાસન કર્યું છે પણ ચિરકાળ માટે રહી જાય તેવી સિસ્ટમ તેના પછીના જમાનાને સોંપતો ગયો છે. ખૂબીની વાત એ હતી કે શેરશાહ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી સિંહાસન પર બેસી જ ના શક્યો અને આખી જિંદગી તેણે યુદ્ધના મોરચે જ કાઢી નાંખી હતી.

પાંચ વર્ષ માટે ચુંટાઈ આવતા આપણા લોકપ્રતિનિધિઓ પણ શેરશાહ સૂરિની જેમ રાજકીય મોરચે લડ્યા કરીને પણ આવાં વિકાસશીલ કામ કરી શકે છે. શેરશાહ સૂરિએ સાડી પાંચસો વર્ષ પહેલાં કરેલું એક કામ તો તમારી સામે આજે પણ એટલું જ હાજરાહુજુર છે. ક્યારેક ઉત્તર ભારત તરફ જાવ તો ગ્રાન્ટ ટ્રન્ક રોડની મુલાકાત લઈને તમે એ ઐતિહાસિક પ્રદાનને ફિલ કરી શકો છો. (નોંધઃ ગ્રાન્ટ ટ્રન્ક રોડ થોડો ભારતમાં અને થોડો પાકિસ્તાનમાં જતો રહેલો છે.)

એવી કઈ વસ્તુઓ છે જેની પર એક્સપાયરી ડેટ નથી હોતી પણ, બદલતા રહેવું જરૂરી હોય છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

EnglishGujaratiSpanish
error: Content is protected !!